MORBI:મોરબીમાં ‘સમ્રાટ અશોક વિજયાદશમી અને ધમ્મચક્ર પ્રવર્તન દિન’ની ભવ્ય ઉજવણી: મોટી સંખ્યામાં ઉપાસકો શ્વેત વસ્ત્રોમાં ઉપસ્થિત રહ્યા


મોરબી:સમ્રાટ અશોક બૌદ્ધ વિહાર, વિજય નગર, મોરબી-૧ ખાતે ‘સમ્રાટ અશોક વિજયાદશમી અને ધમ્મચક્ર પ્રવર્તન દિન’ નિમિત્તે એક વિશેષ કાર્યક્રમનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું. બોધિસત્વ ડૉ. બાબાસાહેબ આંબેડકરના “શિક્ષિત બનો, સંગઠિત બનો, સંઘર્ષ કરો”ના સંદેશ સાથે યોજાયેલા આ કાર્યક્રમમાં મોરબી તેમજ આસપાસના વિસ્તારોમાંથી ઉપાસક-ઉપાસિકાઓ પૂરા પરિવાર સાથે ઉત્સાહભેર જોડાયા હતા.
કાર્યક્રમની શરૂઆત સાંજે ૬ કલાકે થઈ હતી. ઉપસ્થિત તમામ શ્રદ્ધાળુઓએ શ્વેત વસ્ત્રો પરિધાન કરી શાંતિ અને શિસ્તબદ્ધ વાતાવરણ ઊભું કર્યું હતું. સાંજે ૭ કલાકે સામૂહિક બુદ્ધવંદના કરવામાં આવી હતી, જેમાં વિશ્વશાંતિ, અહિંસા અને કરુણાની ભાવના વ્યક્ત કરવામાં આવી હતી.
આ પ્રસંગે વક્તાઓએ ઐતિહાસિક સંદર્ભ રજૂ કરતાં જણાવ્યું હતું કે, કલિંગ યુદ્ધ બાદ સમ્રાટ અશોકે હિંસાનો ત્યાગ કરી તથા પૂજ્ય મોગ્ગલીપુત્ત તિસ્સના માર્ગદર્શન હેઠળ બૌદ્ધ ધમ્મની દીક્ષા લીધી હતી, જે દિવસ ‘અશોક વિજયાદશમી’ તરીકે ઓળખાય છે. એ જ પવિત્ર દિવસે ૧૯૫૬ માં નાગપુરની દીક્ષાભૂમિ ખાતે ડૉ. બાબાસાહેબ આંબેડકરે ૫ લાખથી વધુ અનુયાયીઓ સાથે ૨૨ પ્રતિજ્ઞાઓ ગ્રહણ કરી ઐતિહાસિક ધમ્મચક્ર પ્રવર્તન કર્યું હતું.

કાર્યક્રમ દરમિયાન સમ્રાટ અશોકના અહિંસાના સંદેશ અને ડૉ. બાબાસાહેબના સામાજિક ન્યાય, સ્વતંત્રતા, સમાનતા તેમજ બંધુતાના વિચારોને જીવનમાં ઉતારવા આહ્વાન કરવામાં આવ્યું હતું. કાર્યક્રમના અંતે રાત્રે ૮:૩૦ કલાકે સ્નેહ અને સમરસતાના પ્રતીક સમાન સામૂહિક મૈત્રી ભોજનનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં સૌએ સાથે મળીને ભોજન ગ્રહણ કર્યું હતું. સમગ્ર કાર્યક્રમ ખૂબ જ શાંતિપૂર્ણ અને ઉત્સાહવર્ધક વાતાવરણમાં સંપન્ન થયો હતો.













