તા.૨૨.૧૦.૨૦૨૬

વાત્સલ્યમ્ સમાચાર
અજય સાંસી દાહોદ 
Dahod:રેલ્વે તંત્રની ઘોર બેદરકારી: દાહોદમાં કેબલ ગટરમાં ખાબકેલા વાછરડા અને ખચ્ચરનું ફાયર બ્રિગેડે કર્યું દિલધડક રેસ્ક્યુ
દાહોદ રેલ્વે સ્ટેશન અને આસપાસના વિસ્તારમાં રેલ્વે તંત્રની ખુલ્લેઆમ દેખાઈ આવતી બેદરકારીને કારણે ફરી એકવાર અબોલ પશુઓનો જીવ જોખમમાં મુકાયો હતો. ખુલ્લી રાખવામાં આવેલી કેબલ ગટરમાં એક વાછરડું અને ખચ્ચર ખાબકતા અરેરાટી વ્યાપી ગઈ હતી. જોકે, ઘટનાની જાણ થતાં જ દાહોદ નગરપાલિકાના ફાયર બ્રિગેડે તાત્કાલિક સ્થળ પર પહોંચીને કલાકોની ભારે જહમત બાદ બંને અબોલ જીવોનું દિલધડક રેસ્ક્યુ કરી નવું જીવનદાન આપ્યું હતું.ખુલ્લી કેબલ ગટર બની આશીર્વાદરૂપ નહીં પણ જીવલેણમળતી માહિતી મુજબ, રેલ્વે લાઇન નજીક નાખવામાં આવેલી કેબલ લાઇન માટેની ઊંડી ગટરો લાંબા સમયથી ખુલ્લી હાલતમાં પડી હતી. રસ્તેથી પસાર થઈ રહેલું એક નાનું વાછરડું અને એક ખચ્ચર અચાનક અંધારા કે અજાણતામાં આ ઊંડી અને સાંકડી ગટરમાં ખાબક્યા હતા. પશુઓના અવાજ અને તરફડિયા મારવાના દ્રશ્યો જોઈ આસપાસના સ્થાનિક લોકો ભેગા થઈ ગયા હતા.
સ્થાનિકોમાં રોષ અને ફાયર ટીમની ત્વરિત કામગીરી
બનાવ અંગે સ્થાનિકોએ રેલ્વે અધિકારીઓને જાણ કરવા છતાં કોઈ યોગ્ય પ્રત્યુત્તર ન મળતાં આખરે નગરપાલિકાના ફાયર ફાઇટર્સને સંપર્ક કરવામાં આવ્યો હતો. ફાયર બ્રિગેડની ટીમે ઘટનાસ્થળે પહોંચીને ક્રેન તેમજ દિલધડક રીતે દોરડાં અને પટ્ટાની મદદથી સાંકડી ગટરમાં ઉતરીનેરેસ્ક્યુ ઓપરેશન શરૂ કર્યું હતું. આશરે એકથી દોઢ કલાકની કાળજીપૂર્વકની કામગીરી બાદ વાછરડા અને ખચ્ચરને સલામત રીતે બહાર કાઢવામાં આવ્યા હતા.લોકોનો આક્રોશ શું કોઈ મોટો અકસ્માત થાય પછી જ તંત્ર જાગશે? રેલ્વે તંત્ર દ્વારા વારંવાર આવી ખુલ્લી ગટરો અને ખાડા પૂરાવાની માંગ કરવામાં આવે છે, તેમ છતાં રેલ્વેના જવાબદાર અધિકારીઓ ઘોર નિંદ્રામાં હોવાનો આક્ષેપ સ્થાનિકોએ કર્યો છે. જો કોઈ નાનું બાળ કે વ્યક્તિ આવી ખુલ્લી ગટરમાં ખાબકે તો મોટી જાનહાની થઈ શકે તેમ છે. ફાયર બ્રિગેડની સમયસૂચકતાથી અબોલ જીવોનો જીવ બચી ગયો છે, પરંતુ રેલ્વે તંત્ર સામે આક્રોશ યથાવત છે










