વાત્સલ્યમ સમાચાર

મદન વૈષ્ણવ
દક્ષિણ ગુજરાતના પાંચ જિલ્લાઓમાં ‘સાપ રેસ્ક્યુ અને સંરક્ષણ યોજના’ શરૂ કરવાની માંગ આવી…

આદિવાસી વિસ્તારોમાં સાપનું જોખમી રેસ્ક્યુ કરતા સ્થાનિક યુવાનોને સરકારી માન્યતા, તાલીમ, સુરક્ષા સાધનો, રોજગાર અને અકસ્માત વીમો આપવા સમસ્ત આદિવાસી સમાજના દક્ષિણ ગુજરાતના કન્વીનર ડો. નિરવભાઈ પટેલે મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સહિત સંબંધિત વિભાગોને પત્ર લખી રજૂઆત કરી છે.
ડો. પટેલે વન વિભાગમાં ‘વન્યજીવ રેસ્ક્યુ સહાયક’ની જગ્યાઓ ઊભી કરી સ્થાનિક યુવાનોની ભરતી, સરકારી નોંધણી, ઓળખપત્ર, માસિક માનદ વેતન અથવા પ્રતિ રેસ્ક્યુ વળતર, આધુનિક સુરક્ષા કીટ અને અકસ્માત વીમો આપવાની માંગ કરી છે. સાપની ઓળખ, વૈજ્ઞાનિક રેસ્ક્યુ અને સર્પદંશની પ્રાથમિક સારવાર અંગે નિષ્ણાતો દ્વારા તાલીમ તથા તાલુકા સ્તરે રેસ્ક્યુ હેલ્પલાઇન શરૂ કરવાનું પણ સૂચવ્યું છે.
પ્રથમ તબક્કામાં વલસાડ, ડાંગ, સુરત, નવસારી અને તાપી જિલ્લામાં યોજના પ્રાયોગિક ધોરણે અમલી બનાવવાની માંગ કરતાં ડો. પટેલે જણાવ્યું હતું કે, “આદિવાસી યુવાનોના પર્યાવરણીય જ્ઞાનને રોજગાર, સન્માન અને સુરક્ષા સાથે જોડવામાં આવે તો વન્યજીવ સંરક્ષણ, માનવજીવનનું રક્ષણ અને સ્થાનિક આર્થિક સશક્તિકરણ—ત્રણેય હેતુઓ સિદ્ધ થઈ શકે છે.”










