વાત્સલ્યમ સમાચાર

મદન વૈષ્ણવ

ચોમાસાની ઋતુ પૂર્ણ થતાં ડાંગ જિલ્લા પંચાયતના માર્ગ અને મકાન વિભાગ, આહવા દ્વારા ગ્રામ્ય માર્ગોના સમારકામની કામગીરી હાથ ધરવામાં આવી છે. જેના ભાગરૂપે ગાઢવી-જામલાપાડા રોડ, પિપલાઈદેવી-ધવલીદોડ રોડ તેમજ કાહડોધોડી મુખ્ય માર્ગ પર વરસાદને કારણે પડેલા ખાડાઓ પૂરવા માટે ડામર પેચવર્કની કામગીરી શરૂ કરવામાં આવી છે.
ચોમાસા દરમિયાન ભારે વરસાદના કારણે વિવિધ ગ્રામ્ય માર્ગો પર ખાડાઓ પડી જતાં વાહનચાલકો અને સ્થાનિક રહીશોને અવરજવરમાં મુશ્કેલીઓનો સામનો કરવો પડતો હતો. ખાસ કરીને આવા માર્ગો પર વાહન ચલાવતી વખતે અગવડતા સાથે અકસ્માતની સંભાવના પણ ઊભી થતી હતી. આ પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને ચોમાસા બાદ માર્ગોના સમારકામની કામગીરી હાથ ધરવામાં આવી છે.
પંચાયત માર્ગ અને મકાન વિભાગ, આહવા દ્વારા હાથ ધરવામાં આવેલી આ કામગીરીનો મુખ્ય હેતુ માર્ગોની સપાટી સુધારવા, ખાડાઓને કારણે થતી મુશ્કેલીઓ ઘટાડવા, વાહનચાલકોની સલામતી જાળવવા તેમજ ગ્રામ્ય વિસ્તારોમાં વાહનવ્યવહારને વધુ સરળ બનાવવાનો છે.
ડામર પેચવર્કની કામગીરી પૂર્ણ થતાં સ્થાનિક રહીશો, વાહનચાલકો અને ગ્રામ્ય વિસ્તારો વચ્ચે અવરજવર કરતા લોકોને રાહત મળવાની અપેક્ષા છે. ચોમાસા બાદ માર્ગોની સ્થિતિ સુધારવા માટે હાથ ધરાયેલી આ કામગીરીથી ગ્રામ્ય માર્ગોની ગુણવત્તા જાળવવામાં પણ મદદ મળશે.










