ANAND – આણંદમાં ફેક્ટરી પ્રદૂષણ ફેલાવે છે કહી દોઢ ટનનું AC માગ્યું, ના પાડતાં રૂ. ૪૦ હજારની લાંચ લેતા આંકલાવના PI રંગેહાથ પકડાયા

આણંદ જિલ્લાના આંકલાવ પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા પોલીસ ઇન્સ્પેક્ટર (PI) રાજદીપસિંહ ભગવતસિંહ વનાર રૂા. ૪૦,૦૦૦ની લાંચ લેતા એન્ટી કરપ્શન બ્યુરો (ACB)ના હાથે રંગેહાથ ઝડપાઈ ગયા છે. ફેક્ટરી બંધ કરાવવાની ધમકી આપી અવેજ પેટે નાણાં પડાવવાનો કારસો રચનાર પોલીસ અધિકારી સામે ACBએ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

પ્રાપ્ત વિગતો અનુસાર, આંકલાવ PI રાજદીપસિંહ વનારે ફરિયાદીને પોલીસ સ્ટેશને બોલાવ્યા હતા. ત્યાં તેમણે “તમારી ફેક્ટરી પ્રદૂષણ ફેલાવે છે” તેમ કહી ડરાવી-ધમકાવી ફેક્ટરી સીલ કરાવી દેવાની ધમકી આપી હતી. ફેક્ટરી ચાલુ રાખવા માટે PIએ ફરિયાદી પાસે દોઢ ટનનું એર કન્ડિશનર (AC) આપવાની માંગણી કરી હતી. જોકે, ફરિયાદીએ AC આપવાની સ્પષ્ટ ના પાડી દેતાં, PIએ તેના અવેજ પેટે રૂા. ૪૦,૦૦૦ની રોકડ લાંચ પેટે માગણી કરી હતી.
ફરિયાદી લાંચ આપવા તૈયાર ન હોવાથી તેમણે આ મામલે એન્ટી કરપ્શન બ્યુરોનો સંપર્ક કરી સમગ્ર હકીકત જણાવી ફરિયાદ નોંધાવી હતી. ફરિયાદના આધારે ACBની ટીમે છટકું ગોઠવ્યું હતું. આંકલાવ ખાતે ગોઠવાયેલા છટકા દરમિયાન પીઆઇ રાજદીપસિંહ વનાર ફરિયાદી પાસેથી રૂા. ૪૦,૦૦૦ની લાંચની રકમ સ્વીકારતા રંગેહાથ પકડાઈ ગયા હતા.
ACBએ લાંચની રકમ જપ્ત કરી આરોપી પોલીસ ઇન્સ્પેક્ટરની અટકાયત કરી છે અને ભ્રષ્ટાચાર નિવારણ અધિનિયમ હેઠળ ગુનો નોંધી વધુ કાયદેસરની તપાસ હાથ ધરી છે.પોલીસ સ્ટેશનની ચેમ્બરમાં ઠંડી હવાની આશા રાખતા સાહેબને હવે જેલના પંખા નીચે રાત વિતાવવાનો વારો આવ્યો છે. જાગૃત નાગરિકે સાબિત કરી દીધું કે લાંચિયા અધિકારીઓને ‘AC’ નહિ, પણ ‘ACB’ ની હવા જ બરાબર માફક આવે છે!”









