23 ઓકટોમ્બર જીતેશ જોષી પાલનપુર બનાસકાંઠા

માનગઢ ધામને રાષ્ટ્રીય સ્મારક જાહેર કરવા માંગ
જનજાતિ કલ્યાણ આશ્રમ ગુજરાત દ્વારા બનાસકાંઠાજિલ્લા કલેક્ટરને રજૂઆત.બનાસકાંઠા જિલ્લાના માનનીય જિલ્લા કલેક્ટરને માનગઢ ધામને રાષ્ટ્રીય સ્મારક જાહેર કરવા તથા તેના સંરક્ષણ અને વિકાસ માટે કેન્દ્ર અને રાજ્ય સરકાર દ્વારા તાત્કાલિક પગલાં ભરવાની માંગ સાથે જનજાતિ કલ્યાણ આશ્રમ ગુજરાત દ્વારા પાલનપુર જિલ્લા કલેક્ટર કચેરી રજૂઆત કરવામાં આવી છે.
રજૂઆતમાં જણાવ્યા મુજબ, ભારતના સ્વાતંત્ર્ય સંગ્રામમાં જનજાતિ સમાજના યોગદાન અને બલિદાનનું માનગઢ ધામ વિશેષ ઐતિહાસિક મહત્ત્વ ધરાવે છે. 17 નવેમ્બર, 1913ના રોજ સંત શ્રી ગોવિંદ ગુરુના નેતૃત્વમાં ચાલેલા ભક્તિ આંદોલનને કચડી નાખવા માટે અંગ્રેજ શાસન દ્વારા કરવામાં આવેલા ભીષણ નરસંહારમાં 1,500થી વધુ જનજાતિ મહિલાઓ, પુરુષો અને બાળકોએ પોતાના પ્રાણ ગુમાવ્યા હતા.આ ઐતિહાસિક બલિદાનને રાષ્ટ્રીય સ્તરે યોગ્ય સન્માન મળે અને માનગઢ ધામને સ્વાતંત્ર્ય સંગ્રામના ગૌરવશાળી પ્રતીક તરીકે માન્યતા મળે તે જરૂરી છે.જનજાતિ કલ્યાણ આશ્રમ ગુજરાતે અખિલ ભારતીય વનવાસી કલ્યાણ આશ્રમની કેન્દ્રીય કાર્યકારી મંડળની બેઠકમાં પસાર થયેલા ઠરાવને સમર્થન આપતાં માનગઢ ધામને રાષ્ટ્રીય સ્મારક જાહેર કરવાની માંગ કરી છે. સાથે જ ધામના ઐતિહાસિક અને સાંસ્કૃતિક મહત્ત્વને અનુરૂપ તેના સંરક્ષણ અને વિકાસ માટે જરૂરી કાર્યવાહી કરવા કેન્દ્ર તથા રાજ્ય સરકારને અપીલ કરી છે.સંસ્થાએ રજૂઆતમાં આશા વ્યક્ત કરી છે કે આ ઐતિહાસિક બલિદાનને રાષ્ટ્રીય સ્તરે યોગ્ય સન્માન મળે અને માનગઢ ધામને તેનું યોગ્ય ગૌરવ પ્રાપ્ત થાય.








