MORBI:મોરબી વિદેશી દારૂના ગુનામાં ૪ વર્ષથી નાસતો ફરતો રાજસ્થાનનો બુટલેગર જોધપુરથી ઝડપાયો

મોરબી ક્રાઇમ બ્રાન્ચ (LCB) અને પેરોલ ફર્લો સ્ક્વોડની ટીમે ભારતીય બનાવટના વિદેશી દારૂના ગુનામાં છેલ્લા ચાર વર્ષથી નાસતા ફરતા એક વોન્ટેડ આરોપીને રાજસ્થાનના જોધપુર ખાતેથી ઝડપી પાડવામાં મહત્વની સફળતા મેળવી છે.

રાજ્યમાં અને જિલ્લામાં પ્રોહિબિશનના ગુનાઓમાં લાંબા સમયથી ફરાર આરોપીઓને ઝડપી લેવા માટે ચાલી રહેલી ઝુંબેશ અંતર્ગત મોરબી એલ.સી.બી./પેરોલ ફર્લો સ્ક્વોડના પોલીસ કર્મચારીઓની એક ખાસ ટીમ બનાવવામાં આવી હતી. આ ટીમને તપાસ અર્થે રાજસ્થાન રવાના કરવામાં આવી હતી.
તપાસ દરમિયાન ટીમે બાતમી અને ટેકનિકલ સોર્સિસના આધારે મોરબી તાલુકા પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા પ્રોહિબિશનના ગુનામાં છેલ્લા ચારેક વર્ષથી નાસતા ફરતા આરોપી માંગીલાલ આસુરામ ખાવા (ઉં.વ. ૩૯, રહે. કોટડાગામ, તા. રાણીવાડા, જી. જાલોર, રાજસ્થાન) ને રાજસ્થાનના જોધપુર ખાતેથી દબોચી લીધો હતો.
પોલીસ ટીમે આરોપીની અટકાયત કરી મોરબી એલ.સી.બી. કચેરી ખાતે લાવી તેની વિરુદ્ધ કાયદેસરની ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે. ચાર વર્ષ જૂના ગુનામાં વોન્ટેડ શખ્સ પકડાઈ જતાં મોરબી પોલીસે રાહતનો શ્વાસ લીધો છે.












