
છોટાઉદેપુર જિલ્લાના જેતપુરપાવી તાલુકા મથક ખાતે રૂ. 7.83 કરોડના ખર્ચે નિર્માણ પામનાર નવીન એસ.ટી. બસ સ્ટેશનનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું. વર્ષોથી જેતપુરપાવી ખાતે નવીન બસ સ્ટેશન બનાવવાની સ્થાનિક લોકોની માંગ હતી, ત્યારે હવે આ માંગ પૂર્ણ થવાની દિશામાં મહત્વપૂર્ણ પગલું ભરાયું છે. આ પ્રસંગે છોટાઉદેપુરના સાંસદ જશુભાઈ રાઠવા, ધારાસભ્ય રાજેન્દ્રસિંહ રાઠવા, જિલ્લા પંચાયતના પ્રમુખ ઉપેન્દ્ર રાઠવા, પૂર્વ સાંસદ રામસિંહ રાઠવા, પાવી-જેતપુરનાં સરપંચ નેન્સી શાહ તેમજ ઉપસરપંચ અંકિત (મોન્ટુ) શાહ સહિતના આગેવાનો અને મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા. તાલુકા મથક હોવા છતાં યોગ્ય બસ સ્ટેશનની સુવિધાના અભાવે મુસાફરોને અનેક મુશ્કેલીઓનો સામનો કરવો પડતો હતો. ખાસ કરીને રોજિંદા કામકાજ, અભ્યાસ, નોકરી તેમજ અન્ય જરૂરી કામો માટે એસ.ટી. બસમાં મુસાફરી કરતા લોકોને હાલાકી ભોગવવી પડતી હતી. હવે રૂ. 7.83 કરોડના ખર્ચે નવીન બસ સ્ટેશનનું નિર્માણ થવાથી જેતપુરપાવી તાલુકા સહિત આસપાસનાં ગામોના મુસાફરોને પરિવહનની સુવિધામાં રાહત મળશે તેવી આશા વ્યક્ત કરવામાં આવી રહી છે. સાથે જ બસ સ્ટેશનના નિર્માણથી તાલુકાના વિકાસને પણ વેગ મળશે. વર્ષોથી ચાલી આવતી માંગ બાદ નવીન બસ સ્ટેશનના ખાતમુહૂર્ત સાથે નિર્માણ કાર્યની દિશામાં આગળ વધતાં સ્થાનિક લોકોમાં ખુશીની લાગણી જોવા મળી રહી છે.

રિપોર્ટર તોસીફ ખત્રી










