ગીર સોમનાથ જિલ્લાના તાલાલા અને તેની આસપાસના પંથકમાં આજે બપોરના સમયે ફક્ત 12 મિનિટમાં ભૂકંપના 3 આંચકા આવતાં લોકોમાં ફફડાટ ફેલાયો હતો. બપોરે 1.58 વાગ્યાથી લઈને 2.10 વાગ્યા સુધીના ટૂંકા ગાળામાં એટલે કે માત્ર 12 મિનિટની અંદર ભૂકંપના બેક-ટુ-બેક ત્રણ આંચકા નોંધાયા હતા. એક પછી એક સતત આવેલા આ આંચકાઓને કારણે લોકો પોતાના ઘરો અને દુકાનોમાંથી બહાર દોડી આવ્યા હતા.

સિસ્મોલોજી રિસર્ચ સેન્ટરના અહેવાલ મુજબ, ભૂકંપનો પહેલો આંચકો બપોરે 1.59 વાગ્યે અનુભવાયો હતો, જેની તીવ્રતા રિક્ટર સ્કેલ પર ૨.૪ની નોંધાઈ હતી. ત્યારબાદ માત્ર ત્રણ જ મિનિટ પછી એટલે કે બપોરે 2.02 વાગ્યે બીજો આંચકો આવ્યો હતો, જે 2.9ની તીવ્રતાનો હતો. જ્યારે બપોરે ૨.૧૦ વાગ્યે ૧.૭ની તીવ્રતાનો ત્રીજો આંચકો નોંધાયો હતો. ટૂંક સમયમાં જ સતત આંચકા આવતાં સમગ્ર વિસ્તારમાં થોડીવાર માટે અફરાતફરી મચી ગઈ હતી.










