વાત્સલ્યમ સમાચાર

મદન વૈષ્ણવ

રાજ્યના આદિજાતિ વિકાસ મંત્રીશ્રી નરેશભાઈ પટેલના હસ્તે ચીખલી તાલુકામાં વિવિધ વિકાસલક્ષી યોજનાઓ હેઠળ કુલ રૂ. ૪.૪૭ કરોડના ખર્ચે ૧૫ જેટલાં વિકાસકામોનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું. આ વિકાસકાર્યોના અમલીકરણથી તાલુકાના આદિજાતિ વિસ્તારોમાં રસ્તા, આંગણવાડી કેન્દ્રોનાં નવાં મકાનો, ડ્રેનેજ સહિતની પાયાની સુવિધાઓ વધુ સુદૃઢ બનશે.
આ પ્રસંગે આદિજાતિ વિકાસ મંત્રીશ્રી નરેશભાઈ પટેલે જણાવ્યું હતું કે, રાજ્ય સરકાર આદિજાતિ વિસ્તારોના સર્વાંગી વિકાસ માટે સતત પ્રયત્નશીલ છે. ગામડાંઓમાં માળખાગત સુવિધાઓનો વિકાસ થાય અને નાગરિકોને શિક્ષણ, પરિવહન તથા અન્ય પાયાની સુવિધાઓ સરળતાથી ઉપલબ્ધ બને તે માટે વિવિધ યોજનાઓ હેઠળ વિકાસકાર્યોને પ્રાધાન્ય આપવામાં આવી રહ્યું છે.
વનબંધુ કલ્યાણ યોજના, મુખ્યમંત્રી હળપતિ સર્વાંગી ઉત્કર્ષ યોજના, ન્યૂ ગુજરાત પેટર્ન અને મુખ્યમંત્રી ગ્રામ સડક યોજના (MMGSY) સહિતની વિવિધ યોજનાઓ હેઠળ આ વિકાસકાર્યો હાથ ધરવામાં આવ્યાં છે.
આ વિકાસકામો ચીખલી તાલુકાના બલવાડા, ચીમલા, મજીગામ, મલવાડા, વંકાલ, ઘેકટી અને સમરોલી સહિતનાં ગામોમાં રસ્તાઓના રીસરફેસિંગ, આંગણવાડી કેન્દ્રોનાં નવાં મકાનોના બાંધકામ તેમજ ડ્રેનેજ અને પ્રોટેક્શન વોલનાં કામોનો સમાવેશ થાય છે. બલવાડા-ચીમલા માર્ગ પર જોગમાતા મંદિર પાસે શેડ, મજીગામમાં બાવરીથી પાદરદેવી મંદિર તરફનો માર્ગ, સહકારી મંડળીથી મહોલ્લા તરફનો માર્ગ, મલવાડા અને ઘેકટીના વિવિધ માર્ગો તેમજ સમરોલી નવા ફળિયા-કેસલી રોડના રીસરફેસિંગનાં કામો હાથ ધરાશે.
આ ઉપરાંત બલવાડા નવાનગર, ચીમલા, મજીગામ ડેરા, મલવાડા મંદિર, મલવાડા ગામતળ અને સમરોલી નિશાળ ખાતે આંગણવાડી કેન્દ્રોનાં નવાં મકાનોનું બાંધકામ કરવામાં આવશે. મજીગામ ખાતે હળપતિવાસ નજીક ડ્રેનેજ અને પ્રોટેક્શન વોલનું કામ પણ હાથ ધરવામાં આવશે.
આ વિકાસકાર્યો પૂર્ણ થતાં ગ્રામ્ય વિસ્તારોમાં અવરજવર વધુ સુગમ બનશે, બાળકોને આંગણવાડીની સુવિધાઓ માટે યોગ્ય માળખું મળશે અને સ્થાનિક નાગરિકોને વધુ સારી પાયાની સુવિધાઓ ઉપલબ્ધ થશે. રાજ્ય સરકારની વિવિધ યોજનાઓના માધ્યમથી આદિજાતિ વિસ્તારોમાં વિકાસની ગતિને વધુ વેગ આપવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે.
આ પ્રસંગે જિલ્લા પંચાયત પ્રમુખશ્રી નિરાલીબેન નાયક, બાંધકામ સમિતિ ના અધ્યક્ષ શ્રી કૌશિકભાઈ પટેલ, તાલુકા પંચાયત પ્રમુખશ્રી પુષ્પાબેન પટેલ, નાયબ કાર્યપાલક ઈજનેર શ્રી કે. પી. પટેલ સહિત અધિકારીઓ, પદાધિકારીઓ, સરપંચશ્રી, ગ્રામજનો મોટી સંખ્યામા ઉપસ્થિત રહ્યાં હતા.










