બેસતા વર્ષ અને જન્માષ્ટમીના પર્વે ભગવાનને પરંપરાગત આભૂષણોથી શણગારવા ડો. નિરવ પટેલની રજૂઆત


વાત્સલ્યમ સમાચાર
મદન વૈષ્ણવ
ધરમપુરનાં આશરે ૧૫૦ વર્ષ જૂનાં ઐતિહાસિક રાધાકૃષ્ણ મંદિર અને લક્ષ્મીનારાયણ મંદિર સહિતનાં ૧૩ જેટલાં પ્રાચીન મંદિરોમાં ભગવાનના સોના-ચાંદી તથા હીરા-ઝવેરાતનાં કિંમતી આભૂષણો અને મુગટો બેસતા વર્ષ તથા જન્માષ્ટમી જેવા પર્વો દરમિયાન ભગવાનને ધારણ કરાવી જાહેર જનતાને દર્શનાર્થે ખુલ્લા મૂકવામાં આવે તેવી માંગ ઊઠી છે. આ અંગે સામાજિક આગેવાન ડો. નિરવ ભુલાભાઈ પટેલે ધરમપુર મામલતદાર, યાત્રાધામ સચિવ અને વલસાડ જિલ્લા કલેક્ટરને લેખિત રજૂઆત કરી છે.
રજૂઆતમાં જણાવ્યા અનુસાર, ધરમપુરના સિસોદિયા વંશના રાજવીઓ કલા અને ધર્મપ્રેમી હતા. તેમના સમયગાળા દરમિયાન ધરમપુરમાં અનેક સુંદર મંદિરોનું નિર્માણ કરવામાં આવ્યું હતું. તેમાં મુખ્ય રાધાકૃષ્ણ મંદિર અને કાશ્મીરી સ્થાપત્ય શૈલીમાં નિર્મિત લક્ષ્મીનારાયણ મંદિરનો સમાવેશ થાય છે. આ મંદિરોમાં ભગવાન માટે સોના-ચાંદી તથા હીરા-ઝવેરાતથી બનેલાં કિંમતી આભૂષણો અને મુગટો પરંપરાગત રીતે ઉપયોગમાં લેવાતા હતા.
અગાઉ નવા વર્ષના બેસતા દિવસે અને જન્માષ્ટમી જેવા પર્વો પર આ કિંમતી આભૂષણોથી ભગવાનને શણગારવામાં આવતા હતા અને ભાવિક ભક્તોના દર્શન માટે ખુલ્લા મૂકવામાં આવતા હતા. આ પ્રસંગોએ મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ દર્શનાર્થે ઉમટી પડતા હતા. જોકે, છેલ્લા ઘણા સમયથી અગમ્ય કારણોસર આ આભૂષણો ભગવાનને ધારણ કરાવવા માટે બહાર લાવવામાં આવતા નથી અને જાહેર જનતાને દર્શનનો લાભ પણ મળતો નથી. પરિણામે સ્થાનિક નાગરિકો અને ભાવિક ભક્તોમાં અસંતોષ જોવા મળી રહ્યો હોવાનું રજૂઆતમાં જણાવાયું છે.
સમસ્ત આદિવાસી સમાજ, દક્ષિણ ગુજરાતના કન્વીનર ડો. નિરવ પટેલે જણાવ્યું હતું કે ધરમપુર તાલુકો પેસા અધિનિયમ હેઠળના અનુસૂચિત પાંચમા વિસ્તારનો ભાગ છે. આદિવાસી વિસ્તારોના પ્રાચીન વારસા, સંસ્કૃતિ અને પરંપરાઓની જાળવણીના મહત્ત્વને ધ્યાનમાં રાખીને આ ઐતિહાસિક આભૂષણોનું ધાર્મિક અને સાંસ્કૃતિક મહત્ત્વ જળવાઈ રહે તે જરૂરી છે.
તેમણે વહીવટી તંત્રને માંગ કરી છે કે આગામી બેસતા વર્ષના પર્વે યોગ્ય પોલીસ બંદોબસ્ત અને સીસીટીવી કેમેરાની વ્યવસ્થા ગોઠવીને આ કિંમતી આભૂષણો થોડા કલાકો માટે પણ ભાવિક ભક્તોના દર્શનાર્થે ખુલ્લા મૂકવામાં આવે. આથી સ્થાનિક લોકો નવી પેઢીને ધરમપુરના ઐતિહાસિક વારસા અને ધાર્મિક પરંપરાથી પરિચિત કરાવી શકશે.
હવે વહીવટી તંત્ર આ રજૂઆતને ધ્યાને લઈને યોગ્ય કાર્યવાહી કરે અને ધરમપુરની ઐતિહાસિક તથા ધાર્મિક પરંપરાને પુનઃજીવિત કરવા હકારાત્મક નિર્ણય લે તેવી આશા ડો. નિરવ પટેલે વ્યક્ત કરી છે.








