ચંદ્રવદન બી મકવાણા

કપરાડા તાલુકાના સુલિયા ગામમાં વર્ષોથી ચાલી આવતી આદિવાસી સંસ્કૃતિ અને પરંપરાને જીવંત રાખવા ગામનાવડીલો દ્વારા ગાવદેવી માવલીની પૂજાનો છ દિવસીય કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. ગામમાં સુખ–શાંતિ જળવાઈ રહે, ખેતીમાં સારો પાક થાય અને પ્રકૃતિ સાથે જોડાયેલી માન્યતાઓનું જતન થાય તેવા હેતુથી દર પાંચ વર્ષે આ પરંપરાગતધાર્મિક કાર્યક્રમનું આયોજન કરવામાં આવે છે. આદિવાસી સમાજમાં પ્રાચીન સમયથી ચાલી આવતી આ પરંપરામાં ગામનાવડીલો અને માવલીઓ દ્વારા છ દિવસ સુધી મઠમાં રહી રાત્રિ દરમિયાન જાગરણ કરવામાં આવે છે. ગાવદેવી માવલીસહિત વિવિધ દેવી–દેવતાઓની પૂજા કરવામાં આવે છે. ખેતીમાં થયેલા નવા પાકમાંથી ડાંગર, નાગલી (રાગી) સહિતનીઉપજ દેવીને અર્પણ કર્યા બાદ તેનો ઉપયોગ કરવામાં આવે છે. આ પરંપરા દ્વારા પ્રકૃતિ, ખેતી અને આદિવાસી સંસ્કૃતિપ્રત્યેની આસ્થાને વ્યક્ત કરવામાં આવે છે.
કાર્યક્રમના પ્રથમ દિવસે ગાવદેવીની પૂજા અને જાગરણ કરીને તમામ દેવી–દેવતાઓને પૂજવામાં આવે છે. બીજાદિવસથી મઠમાં માવલીઓનું જાગરણ શરૂ થાય છે. પરંપરાગત માન્યતા મુજબ મઠમાં બેસ્યા બાદ માવલીઓએ છ દિવસસુધી મઠમાં જ રહેવાનું હોય છે અને આ સમય દરમિયાન કેટલાક વિશેષ નિયમોનું પાલન કરવાનું હોય છે. ત્રીજા દિવસેતમામ માવલીઓ અને ગામના વડીલો પ્રાચીન સમયથી પસંદ કરાયેલા કડા (ધોધ) ખાતે જાય છે. ત્યાં શરીરશુદ્ધિનીધાર્મિક વિધિ કરવામાં આવે છે અને ભોજન કર્યા બાદ ફરી મઠમાં પરત ફરે છે.ચોથા દિવસે રાત્રિના સમયે માવલીઓ અનેવડીલો જંગલમાંથી પસાર થઈ ડુંગર દેવની પૂજા માટે ડુંગર પર જાય છે. આ યાત્રામાં મુખ્ય માવલી આગળ રહે છે, જ્યારેઅન્ય માવલીઓ તેની પાછળ ચાલે છે. તેમની પાછળ અનુભવી વ્યક્તિ ચાલીને સૌની સુરક્ષા અને વ્યવસ્થા પર ધ્યાનરાખે છે. ડુંગર પર પહોંચ્યા બાદ આખી રાત જાગરણ કરવામાં આવે છે અને પરંપરા મુજબ ડુંગર દેવને મરઘી અર્પણકરવામાં આવે છે. ત્યારબાદ તમામ લોકોની ગણતરી કરીને તેઓ મઠમાં પરત ફરે છે. પાંચમા દિવસે ગામના લોકો એકત્રથઈ આનંદ અને ઉત્સાહ સાથે સામૂહિક ભોજન કરે છે. છઠ્ઠા દિવસે નવી માવલી તરીકે જોડાયેલી વ્યક્તિઓની પરંપરાગતકસોટી કરવામાં આવે છે. આદિવાસી માન્યતા મુજબ, નવી માવલીની જાણ બહાર તેના નામ સાથે જોડાયેલી મરઘીઅલગ–અલગ સ્થળે રાખવામાં આવે છે. ત્યારબાદ તે વ્યક્તિ પોતાની મરઘી શોધીને લાવે છે કે નહીં તેના આધારેપરંપરાગત વિધિ કરવામાં આવે છે. નવી માવલીઓને આગળની પૂજા અને ગામના ધાર્મિક કાર્યક્રમોમાં સામેલ કરવા માટેવિશેષ નિયમોનું પાલન કરાવવામાં આવે છે.
આ સમગ્ર કાર્યક્રમમાં વડીલોમાંથી મુખ્ય પૂજારી તમામ દેવી–દેવતાઓની પૂજા અને નવા પાકનું અર્પણ કરાવવાનીજવાબદારી નિભાવે છે. મુખ્ય માવલી સહિત અન્ય માવલીઓ આ ધાર્મિક વિધિમાં ભાગ લે છે. પરંપરાગત માન્યતા મુજબભંશે દેવ, ગાવ દેવ, ડુંગર દેવ, ધુંધા સવંત, સંતની આસરા, કાંટેય દેવ, અગ્નિ દેવ અને લોહરા દેવ સહિતના દેવતાઓનોમાવલીઓ સાથે સંબંધ માનવામાં આવે છે.
સુલિયા ગામમાં મુખ્ય માવલી તરીકે ગંગાભાઈ ચૌધરી અને મુખ્ય પૂજારી તરીકે રઘોભાઈ થાપડ આ પરંપરાના આયોજનઅને મઠની વ્યવસ્થામાં મુખ્ય ભૂમિકા ભજવે છે.
સુલિયા ગામમાં કુંકણા, વારલી અને કોળચા સહિતના આદિવાસી સમુદાયો વસવાટ કરે છે. આ ઉપરાંત ચૌધરી, સાહરે, માલગાવી, ગાંવિત, મુકના, થાલકર, થાપડ, પવાર, મહાકાલ, ગવળી, ટોપલે, સોનાર, ગાયકવાડ અને ચૌહાણસહિત વિવિધ અટક ધરાવતા પરિવારો પણ રહે છે. ગામના લોકો વર્ષોથી ભાઈચારા અને શાંતિપૂર્ણ સહઅસ્તિત્વ સાથેરહેતા આવ્યા છે.
છ દિવસીય કાર્યક્રમ પૂર્ણ થયા બાદ તમામ ગામવાસીઓ એકત્ર થઈ સામૂહિક ભોજન કરે છે. આ આયોજન માત્રધાર્મિક વિધિ પૂરતું મર્યાદિત ન રહેતાં આદિવાસી સંસ્કૃતિ, પરંપરાગત માન્યતાઓ, પ્રકૃતિ સાથેના સંબંધ અને સામાજિકએકતાને જાળવી રાખવાનું માધ્યમ બન્યું છે. ગામના વડીલોના માર્ગદર્શન હેઠળ આ પરંપરા આગામી પેઢી સુધી જીવંત રહેઅને ગામમાં સુખ–શાંતિ જળવાઈ રહે તેવા આશય સાથે આગામી પાંચ વર્ષે ફરી આ કાર્યક્રમ યોજવામાં આવશે.







