જૂનાગઢ એસ.ટી. વિભાગ દ્વારા તા. ૦૩ નવેમ્બરથી તા.૧૮ નવેમ્બર, ૨૦૨૬ દરમિયાન દિવાળી પર્વ નિમિત્તે મુસાફરોની વધતી અવરજવરને ધ્યાનમાં રાખીને જૂનાગઢ સહિત ૯ ડેપો ખાતેથી કુલ ૧૦૫ વધારાની બસોને દોડાવવાનું આયોજન કરવામાં આવ્યું છે. આ બસો દ્વારા દૈનિક ૨૧૦ વધારાની ટ્રીપનું સંચાલન કરવામાં આવશે.જૂનાગઢ બસ સ્ટેશનથી ૨૦ વધારાની બસો દ્વારા દૈનિક ૪૦ ટ્રીપ, પોરબંદરથી ૧૪ બસો દ્વારા ૨૮ ટ્રીપ, વેરાવળથી ૧૨ બસો દ્વારા ૨૪ ટ્રીપ, કેશોદથી ૧૩ બસો દ્વારા ૨૬ ટ્રીપ, માંગરોળથી ૧૦ બસો દ્વારા ૨૦ ટ્રીપ તથા જેતપુરથી ૧૨ બસો દ્વારા ૨૪ ટ્રીપનું આયોજન કરાયું છે. આ ઉપરાંત ઉપલેટા, ધોરાજી અને બાંટવા બસ સ્ટેશનથી ૮ વધારાની બસો દ્વારા દૈનિક ૧૬-૧૬ વધારાની ટ્રીપનું આયોજન કરવામાં આવ્યું છે. ઉપરાંત ગિરનાર લીલી પરિક્રમા પણ શરૂ થવાની હોવાથી આ એક્સ્ટ્રા બસોનું સંચાલન વેકેશન દરમિયાન પણ ચાલુ રહેશે. મુસાફરોની સંખ્યાને ધ્યાને રાખી સંભવિત રીતે જૂનાગઢથી રાજકોટ, ભાવનગર, સતાધાર, દાહોદ, ગોધરા અને સંતરામપુર રૂટ પર તેવી જ રીતે પોરબંદરથી દ્વારકા, જૂનાગઢ, સોમનાથ, ગાંગરડી, દાહોદ અને કવાંટ, વેરાવળથી સોમનાથ, જૂનાગઢ, રાજકોટ, દાહોદ અને ગોધરા, ઉપલેટાથી ભાયાવદર, જામજોધપુર, ખંભાળિયા, દ્વારકા, ભાણવડ, ગાંગરડી અને ઝાલોદ, કેશોદથી વડોદરા, મોરબી, ભુજ, સુરેન્દ્રનગર, ઉના, દાહોદ અને ગોધરા, ધોરાજીથી જામનગર, કાલાવડ, અમદાવાદ, દાહોદ ગોધરા અને કવાંટ, બાંટવાથી રાજકોટ, અમરેલી, બગસરા, કવાંટ અને દાહોદ, માંગરોળથી સાવરકુંડલા, ભાવનગર, સોમનાથ, પરબ, કવાંટ અને દાહોદ અને જેતપુરથી રાજકોટ, અમદાવાદ, અમરેલી, ભાવનગર, દાહોદ મંડોર અને ગોધરા રૂટ પર ઉક્ત બસોનું સંચાલન કરવામાં આવશે. ઉપરાંત જો ૫૧ કે તેથી વધારે ગ્રુપમાં મુસાફરો હશે તો મુસાફરો જે તે સ્થળથી તેના ગંતવ્ય સ્થળ સુધી સ્પેશિયલ બસ એક્સ્ટ્રા ધોરણે ફાળવી દેવામાં આવશે. આ માટે નજીકના ડેપો મેનેજરશ્રીનો સંપર્ક કરવાનો રહેશે. મુસાફરોની સુવિધા માટે વિસાવદર, મેંદરડા, બિલખા, રાણાવાવ, કુતિયાણા, ભાયાવદર અને માળિયાહાટીના ખાતે ઓનલાઈન બુકિંગની સુવિધા પણ ઉપલબ્ધ કરવામાં આવી છે. દિવાળી દરમિયાન મુસાફરોની સંખ્યા અને ટ્રાફિકમાં વધારો થાય તો જરૂરિયાત મુજબ વધારાની બસોનું સંચાલન કરવામાં આવશે. મુસાફર જનતાને આ સુવિધાનો વધુમાં વધુ લાભ લેવા અનુરોધ કરવામાં આવ્યો છે. તેમ જૂનાગઢ એસ.ટી.ના વિભાગીય નિયામકશ્રીની યાદીમાં જણાવાયું છે.

રિપોર્ટર : અનિરૂધસિંહ બાબરીયા – કેશોદ









