મોરબી ખાતે ‘બેટી બચાઓ, બેટી પઢાઓ’ યોજના અંતર્ગત યોજાયો માળીયા ઘટક કક્ષાનો ‘કિશોરી મેળો’ યોજાયો*

કિશોરીઓનું હેલ્થ ચેકઅપ, માસિક સ્વચ્છતા વ્યવસ્થાપન અને પૂર્ણા યોજના અંતર્ગત માર્ગદર્શન અપાયું; કીટ વિતરણ કરી દીકરીઓના સર્વાંગી વિકાસ પર મુકાયો ભાર*

દીકરીઓના સર્વાંગી વિકાસ, આરોગ્ય સુધારણા અને સશક્તિકરણને પ્રોત્સાહન આપવાના ઉમદા આશયથી “બેટી બચાઓ, બેટી પઢાઓ” યોજના અંતર્ગત મોરબી જિલ્લા મહિલા અને બાળ અધિકારીની કચેરી તથા આઈ.સી.ડી.એસ. (ICDS) વિભાગના સંયુક્ત ઉપક્રમે માળીયા ઘટક કક્ષાએ ‘કિશોરી મેળા’નું આયોજન કરવામાં આવ્યું હતું.
આ કાર્યક્રમ દરમિયાન ઉપસ્થિત તમામ કિશોરીઓનું વજન, ઊંચાઈ, બોડી માસ ઈન્ડેક્સ (BMI) અને હિમોગ્લોબિન સહિતનું સઘન આરોગ્ય પરીક્ષણ કરવામાં આવ્યું હતું. આ ઉપરાંત, કિશોરીઓને માસિક સ્વચ્છતા વ્યવસ્થાપન (Menstrual Hygiene) અંગે જરૂરી માહિતી આપી માસિક ધર્મની કુદરતી પ્રક્રિયા, વ્યક્તિગત સ્વચ્છતા, સેનિટરી પેડનો યોગ્ય ઉપયોગ અને તેના સુરક્ષિત નિકાલ અંગે સમજ અપાઈ હતી. સાથે જ પૂર્ણા યોજના અંતર્ગત પૂરક પોષણ આહાર, કિશોરાવસ્થાના શારીરિક ફેરફારો, એનિમિયા નિવારણ, કાયદાકીય અધિકારો અને જીવન કૌશલ્ય અંગે માર્ગદર્શન આપી “બેટી બચાઓ, બેટી પઢાઓ” યોજનાની માહિતી પૂરી પાડવામાં આવી હતી અને અંતે તમામ કિશોરીઓને મેન્સ્ટ્રુઅલ હાઇજિન કીટનું વિતરણ કરાયું હતું.

આ કિશોરી મેળામાં જિલ્લા મહિલા અને બાળ અધિકારીશ્રી જલ્પાબેન ત્રિવેદી, દહેજ પ્રતિબંધક અધિકારી-સહ-રક્ષણ અધિકારીશ્રી સીમાબેન શિંગાળા, જિલ્લા કો-ઓર્ડિનેટરશ્રી મયુરભાઈ સોલંકી, કમ્યુનિટી હેલ્થ ઓર્ગેનાઇઝરશ્રી સુનિલભાઈ લઢેર, પૂર્ણા કન્સલ્ટન્ટશ્રી દક્ષાબેન, મુખ્ય સેવિકાઓ, આંગણવાડી વર્કર્સ તેમજ પૂર્ણા યોજના અને બાલિકા પંચાયત સાથે જોડાયેલી કિશોરીઓ સહિતના ઉપસ્થિત રહ્યા હતા.













