કોંગ્રેસ સાંસદ અને લોકસભામાં વિરોધ પક્ષના નેતા રાહુલ ગાંધીએ 1 નવેમ્બરના રોજ દિલ્હીના રામલીલા મેદાનમાં યોજાનારી વિપક્ષી ગઠબંધનની રેલી અંગે મહત્વનું નિવેદન આપ્યું છે. તેમણે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ એક્સ પર એક વીડિયો શેર કરીને દિલ્હીના વેપારીઓને સંબોધિત કર્યા હતા. રાહુલ ગાંધીએ જણાવ્યું કે, વેપારીઓ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને કહે કે, તેઓ ‘આરોપી નંબર 4’ જ્ઞાનેશ કુમારને હટાવી દે, તો વિપક્ષનું આ આંદોલન માત્ર 30 સેકન્ડમાં બંધ થઈ જશે. તેમણે દાવો કર્યો કે કોંગ્રેસ હંમેશાં વેપારીઓના પક્ષમાં મક્કમતાથી ઊભી છે.

રાહુલ ગાંધીએ પોતાની પોસ્ટમાં જણાવ્યું કે, કોંગ્રેસ દિલ્હીના દરેક વેપારી સાથે છે અને તેમની સમસ્યાઓ સાંભળી રહી છે. સરકાર પર પ્રહારો કરતાં તેમણે કહ્યું કે, મેટ્રો સરકારે બંધ કરી, રસ્તાઓ સરકારે સીલ કર્યા અને દેશની રાજધાનીને તાળાં પણ સરકારે જ માર્યા છે. તેમણે દાવો કર્યો કે, જો ચૂંટણીમાં મતોની ચોરી થઈ જાય, તો દેશમાં કશું સુરક્ષિત રહેતું નથી, ન તમારી દુકાન, ન તમારી બચત કે ન તમારા બાળકોનું ભવિષ્ય.
રાહુલ ગાંધીએ વેપારીઓને અપીલ કરી કે, તેઓ વડાપ્રધાન પાસે માંગ કરે કે ‘આરોપી નંબર 4’ જ્ઞાનેશ કુમારને પદ પરથી હટાવવામાં આવે, જેનાથી 30 સેકન્ડમાં વિરોધ પ્રદર્શન બંધ થઈ જશે. જોકે, તેમણે આ પોસ્ટમાં સ્પષ્ટતા કરી ન હતી કે જ્ઞાનેશ કુમારને કયા આધારે ‘આરોપી નંબર 4’ કહ્યા છે.
વિપક્ષી ગઠબંધન INDIA દ્વારા વોટ ચોરી વિરુદ્ધ આગામી 1 નવેમ્બરે રામલીલા મેદાનમાં વિશાળ રેલીનું આયોજન કરવામાં આવ્યું છે. આ આયોજનને ધ્યાને રાખીને ચેમ્બર ઓફ ટ્રેડ એન્ડ ઈન્ડસ્ટ્રી (CTI)ના પ્રમુખ બ્રિજેશ ગોયલે રાહુલ ગાંધીને પત્ર પાઠવ્યો હતો. તેમણે પત્રમાં જણાવ્યું હતું કે, આ રેલી તહેવારોની સિઝનમાં થઈ રહી છે, જ્યારે ધનતેરસ અને દિવાળી નજીક હોવાથી બજારોમાં ગ્રાહકોની ભારે ભીડ રહેતી હોય છે. રામલીલા મેદાનની આસપાસ રેલી યોજાવાથી જથ્થાબંધ અને છૂટક બજારોમાં ખરીદી પર મોટી અસર પડી શકે છે.
CTI પ્રમુખ બ્રિજેશ ગોયલે જણાવ્યું હતું કે, દિલ્હીમાં ધનતેરસ અને દિવાળીના સમયગાળા દરમિયાન સોના-ચાંદી, ઈલેક્ટ્રોનિક્સ, કાપડ, વાસણો, ડ્રાયફ્રૂટ્સ, મીઠાઈઓ, વાહનો અને ભેટ-સોગાદો જેવા ક્ષેત્રોમાં આશરે 25,000 કરોડ રૂપિયાનો મોટો વેપાર થાય છે. આ વર્ષે 6 નવેમ્બરે ધનતેરસ, 8 નવેમ્બરે દિવાળી અને 10 નવેમ્બરે ભાઈબીજ ઉજવાશે. તહેવારોના લગભગ 1 સપ્તાહ પહેલાં બજારોમાં ખરીદીની રોનક ખૂબ વધી જતી હોવાથી, વેપારી સંગઠને આ રેલી 1 નવેમ્બરના બદલે 10 નવેમ્બર પછી યોજવા માટે રાહુલ ગાંધીને વિનંતી કરી હતી.










