MALIYA :માળીયા (મીં):વવાણીયા ઉર્ષના મેળામાં સગાઈ તૂટવાની અદાવતે યુવક પર ધોકા વડે હુમલો

માળીયા તાલુકાના વવાણીયા ગામે યોજાયેલા સમંશાપીર દરગાહના ઉર્ષ મેળા દરમિયાન જૂની સગાઈ તૂટી જવાની દાઝ રાખીને ત્રણ શખ્સોએ એક વ્યક્તિ પર જીવલેણ હુમલો કર્યો હોવાની ઘટના સામે આવી છે. ધોકા વડે હુમલો કરી હોઠના ભાગે ગંભીર ઈજા પહોંચાડવા તેમજ જાનથી મારી નાખવાની ધમકી આપવા મામલે માળીયા પોલીસે ત્રણેય આરોપીઓ વિરુદ્ધ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

બનાવની વિગત મુજબ, મોરબીના પચ્ચીસ વારીયા વિસ્તારમાં રહેતા શેરમામદભાઈ બાબુભાઈ બ્લોચની દીકરીની સગાઈ અગાઉ મોરબી વિસીપરા, મદીના મસ્જિદ પાસે રહેતા સિંકદર વલીમામદ બ્લોચ સાથે નક્કી કરવામાં આવી હતી. જોકે, સિંકદરને દારૂ પીવાની ટેવ હોવાથી દીકરીના પરિવારે આ સગાઈ રદ કરી નાખી હતી. જે બાબતનો ખાર સિંકદર અને તેના પરિવારજનો રાખી રહ્યા હતા.
દરમિયાન, માળીયાના વવાણીયા ગામે સમંશાપીરની દરગાહે ભરાયેલા ઉર્ષના મેળામાં ફરિયાદી શેરમામદભાઈ પોતાના પરિવાર સાથે ગયા હતા. તે વખતે આરોપી મેહબુબભાઈ વલીમામદ બ્લોચ, સિંકદર વલીમામદ બ્લોચ અને અરમાન વલીમામદ બ્લોચ ત્યાં ધસી આવ્યા હતા. આરોપી સિંકદરે ફરિયાદી સાથે ગાળાગાળી કરી ઝપાઝપી શરૂ કરી હતી. આ દરમિયાન અરમાને ધોકા વડે ફરિયાદીના મોઢા પર ઘા ઝીંકી દેતાં હોઠના ભાગે ગંભીર ઈજા પહોંચી હતી. હુમલા બાદ ત્રણેય શખ્સો “ટાંટિયા ભાંગી નાખીશું” તેવી ધમકી આપી ઘટનાસ્થળેથી ફરાર થઈ ગયા હતા.
આ સમગ્ર મામલે માળીયા પોલીસે ભારતીય ન્યાય સંહિતાની વિવિધ કલમો તેમજ જાહેરનામા ભંગ હેઠળ ગુનો નોંધી આગળની તપાસ હેડ કોન્સ્ટેબલ પ્રભાતભાઈ વશરામભાઈ ચાવડાએ હાથ ધરી છે.












