WAKANER:વાંકાનેરના ભીમગુંડા ગામે ખાણના કોન્ટ્રાક્ટ મામલે યુવાન પર લોખંડના પાઇપથી હુમલો: એટ્રોસિટી સહિતનો ગુનો દાખલ

વાંકાનેર તાલુકાના ભીમગુંડા ગામની સીમમાં આવેલી એક ખાણમાં લેબર વર્કના કોન્ટ્રાક્ટ બાબતે થયેલી તકરારમાં યુવાન પર લોખંડના પાઇપ વડે જીવલેણ હુમલો કરી જાતિ પ્રત્યે અપમાનિત કરાયાની ફરિયાદ વાંકાનેર તાલુકા પોલીસ મથકે નોંધાઈ છે.

ઘટનાની વિગત મુજબ, રાજકોટ ખાતે રહેતા કેવલભાઈ વનરાજભાઈ સોલંકી પોતાના સાથીદારો સાથે ભીમગુંડા સીમમાં આવેલી ખાણનું કામ જોવા ગયા હતા. તે દરમિયાન રાજકોટના કુવાડવા ખાતે રહેતા કરશનભાઈ નગાભાઈ કરમુર કાળા કલરની થાર ગાડી લઈને ત્યાં પહોંચ્યા હતા. ખાણના મજૂરી કામનો કોન્ટ્રાક્ટ રાખવા બાબતે બંને પક્ષો વચ્ચે બોલાચાલી થઈ હતી, જેમાં આરોપીએ ફરિયાદીને જાતિ પ્રત્યે અપમાનિત કરી ગાળો ભાંડી હોવાનો આક્ષેપ છે.
ત્યારબાદ કેવલભાઈ અને તેમના સાથીઓ પાધરા ઓફિસ તરફ જઈ રહ્યા હતા, ત્યારે આરોપીએ રસ્તામાં પોતાની થાર ગાડી આડી મૂકી રસ્તો રોકી લીધો હતો. આરોપીએ ગાળાગાળી કરી ઉશ્કેરાઈ જઈ લોખંડના પાઇપ વડે કેવલભાઈના માથાના ભાગે ફટકો મારી ગંભીર ઈજા પહોંચાડી હતી.
આ બનાવ અંગે વાંકાનેર તાલુકા પોલીસે ભોગ બનનારની ફરિયાદના આધારે આરોપી કરશનભાઈ કરમુર વિરુદ્ધ એટ્રોસિટી એક્ટ તેમજ ભારતીય ન્યાય સંહિતા (BNS)ની સંબંધિત કલમો હેઠળ ગુનો નોંધી કાયદેસરની તપાસ હાથ ધરી છે.












