MORBI:મોરબીના કુબેરનગરમાંથી મેફેડ્રોન ડ્રગ્સ સાથે યુવક ઝડપાયો

મોરબીમાં યુવાધનને નશાના રવાડે ચડતું અટકાવવા અને ‘સે નો ટુ ડ્રગ્સ’ મિશન અંતર્ગત એન્ટી નાર્કોટિક્સ વિંગે લાલ આંખ કરી છે. નવલખી રોડ પર આવેલા કુબેરનગર-૩ વિસ્તારમાં આવેલા એક રહેણાંક મકાન પર દરોડો પાડી પોલીસે ૨૦.૧૪ ગ્રામ મેફેડ્રોન ડ્રગ્સ સાથે એક યુવકની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

બનાવની વિગત મુજબ, બોર્ડર રેન્જ આઈજી અને મોરબી જિલ્લા પોલીસ વડાની સૂચના હેઠળ એન્ટી નાર્કોટિક્સ વિંગની ટીમ પેટ્રોલિંગ અને બાતમી મેળવવાની કામગીરીમાં હતી. તે દરમિયાન પીઆઈ ડી.વી. ખરાડી અને પીએસઆઈ એન.એચ. ગઢવીના માર્ગદર્શન હેઠળ ટીમને ચોક્કસ બાતમી મળી હતી કે, કુબેરનગર-૩માં રોયલ પાર્ક પાસે રહેતો રેનીશ હીરાભાઈ પરેશા પોતાના રહેણાંક મકાનમાં મેફેડ્રોન ડ્રગ્સ રાખી તેનું વેચાણ કરે છે.
બાતમીના આધારે પોલીસે તુરંત જ મકાન પર રેઇડ પાડી હતી. તલાશી દરમિયાન મકાનમાંથી:૨૦.૧૪ ગ્રામ મેફેડ્રોન પાવડર – ૧ સેમસંગ કંપનીનો મોબાઈલ ફોન ૧ ડિજિટલ/ઇલેક્ટ્રોનિક વજનકાંટો મળીને કુલ રૂ. ૭૦,૮૨૦/- નો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો હતો.પોલીસે આરોપી રેનીશ પરેશાની અટકાયત કરી તેની સામે મોરબી સીટી ‘એ’ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં એન.ડી.પી.એસ. (NDPS) એક્ટ હેઠળ ગુનો નોંધી આગળની કાયદેસરની તપાસ તેજ કરી છે. આ ડ્રગ્સનો જથ્થો ક્યાંથી લાવવામાં આવ્યો હતો અને અન્ય કોણ-કોણ તેની સાથે સંડોવાયેલું છે તે દિશામાં પોલીસે તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે.












