વાત્સલ્યમ્ સમાચાર.

રિપોર્ટ :- રમેશ મહેશ્વરી – અબડાસા કચ્છ.
ગેરકાયદેસર સાદી રેતીનું ખનન કરતા ૧ લોડર અને ૧ ડમ્પર જપ્ત કરાયા.
અબડાસા,તા-૨૭ ઓક્ટોબર : અબડાસા તાલુકાના વિંઝાણ નદીપટ વિસ્તારમાં ગેરકાયદેસર ખનન, ખનિજ વહન અને ખનિજ સંગ્રહની પ્રવૃત્તિઓને અટકાવવા ખાણ અને ખનિજ વિભાગ દ્વારા કડક કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. જિલ્લા કલેક્ટર અનિલ રાણાવાસિયાના માર્ગદર્શન હેઠળ તથા ભૂસ્તરશાસ્ત્રી શ્રી ડી. એસ. બારિયાના નેતૃત્વમાં ખાણ અને ખનિજ વિભાગની ટીમ દ્વારા આ કાર્યવાહી કરવામાં આવી હતી.
વિંઝાણ નદીપટ વિસ્તારમાં ગેરકાયદેસર સાદી રેતીનું ખનન અને વહન થતું હોવાની બાતમી તપાસ ટીમને મળતાં જ કાર્યવાહી ગુપ્ત રહે અને ખનન પ્રવૃત્તિ સાથે સંકળાયેલા લોકોને તેની જાણ ન થાય તે હેતુથી ટીમ ખાનગી વાહન મારફતે સ્થળ પર પહોંચી હતી. રાત્રિના સમયે ટીમ દ્વારા આશરે ત્રણ કલાક સુધી સતત વોચ ગોઠવવામાં આવી હતી. વોચ દરમિયાન સાદી રેતીનું ગેરકાયદેસર ખનન અને વહન થતું હોવાનું જણાતાં ટીમે તાત્કાલિક કાર્યવાહી કરી સ્થળ પરથી 1 લોડર તથા 1 ડમ્પર જપ્ત કર્યા હતા.જપ્ત કરાયેલા બંને વાહનોને કોઠારા પોલીસ સ્ટેશનની કસ્ટડી હેઠળ રાખવામાં આવ્યા છે. જપ્ત કરાયેલા વાહનો તથા મુદ્દામાલની અંદાજિત કિંમત રૂ. 30 લાખ જેટલી થાય છે. સમગ્ર પ્રકરણમાં લાગુ પડતા કાયદાકીય નિયમો અનુસાર ભૂસ્તરશાસ્ત્રી દ્વારા આગળની દંડકીય કાર્યવાહી હાથ ધરવામાં આવશે.ગેરકાયદેસર ખનન, ખનિજ વહન અને સંગ્રહની પ્રવૃત્તિઓ અટકાવવા તંત્ર દ્વારા સતત દેખરેખ રાખવામાં આવી રહી છે. ખાણ અને ખનિજ વિભાગ દ્વારા સ્પષ્ટ કરવામાં આવ્યું છે કે આવી ગેરકાયદેસર પ્રવૃત્તિઓ સામે આગામી સમયમાં પણ આકસ્મિક તપાસ, વોચ અને કડક કાર્યવાહી સતત ચાલુ રાખવામાં આવશે.











