મોરબી: રફાળેશ્વર જીઆઇડીસીના બંધ કારખાનામાંથી ₹૨૧ .૨૧ લાખનો શંકાસ્પદ કોલસા સાથે બે શખ્સો ઝડપાયા

મોરબી જિલ્લામાં મિલકત સંબંધી ગુનાઓ અટકાવવા ક્રાઇમ બ્રાન્ચ દ્વારા ચલાવવામાં આવી રહેલી સઘન ડ્રાઇવ દરમિયાન પોલીસને એક મહત્વપૂર્ણ સફળતા મળી છે. રફાળેશ્વર જીઆઇડીસી વિસ્તારમાં આવેલા એક બંધ કારખાનામાંથી પોલીસે ચોરી કે છળકપટથી મેળવેલો મોટા પ્રમાણમાં ઇમ્પોર્ટેડ પેટકોક (કોલસો) તથા એક ટ્રક સહિત કુલ ₹૨૧,૨૧,૦૦૦ નો મુદ્દામાલ જપ્ત કર્યો છે.

મળતી માહિતી મુજબ, રફાળેશ્વર જીઆઇડીસીમાં જીઓ ગ્રેસ પાછળ આવેલા મીલો ટાઇલ્સ-કાઉન્ટ સીરામીકના જૂના બંધ કારખાનામાં કોલસાના ડેલા પર દરોડો પાડવામાં આવ્યો હતો. તપાસ દરમિયાન સ્થળ પરથી ચોરી કે અપ્રમાણિક રીતે મેળવેલો શંકાસ્પદ ઇમ્પોર્ટેડ પેટકોક મળી આવ્યો હતો. પોલીસે ₹૩,૨૧,૦૦૦ ની કિંમતનો ૩૪,૫૫૦ કિગ્રા પેટકોક તથા ₹૧૫,૦૦,૦૦૦ ની કિંમતની ટાટા ટ્રક (નંબર: જીજે. ૧૯-જીએફ-૦૮૭૧) મળી કુલ ₹૨૧.૨૧ લાખનો મુદ્દામાલ કબજે લીધો છે.
આ મુદ્દામાલ અંગે સ્થળ પર હાજર શખ્સો પાસેથી કોઈ આધારભૂત બિલ કે સાધનિક પુરાવા મળી ન આવતાં પોલીસે BNSS ની કલમ ૧૦૫(૧) હેઠળ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. આ મામલે પોલીસે બે આરોપીઓની અટકાયત કરી છે:
મહેન્દ્ર બાબુલાલ મેઘવાલ (ઉં.વ. ૩૮, રહે. નાડસર, તા. ભોપાલગઢ, જિ. જોધપુર, રાજસ્થાન)
સોનુકુમાર ઉમેશચંદ્ર વર્મા (ઉં.વ. ૨૬, રહે. બબુરા થાના, કોઇલીવડ, જિ. આરા, બિહાર)

આ સફળ કામગીરી એલ.સી.બી. મોરબીના પોલીસ ઇન્સ્પેક્ટર એસ.પી. જાડેજા, પેરોલ સ્કવોડના પીએસઆઈ વી.જી. માલાણી તથા એલ.સી.બી./પેરોલ સ્ટાફના અસિયાફભાઈ ચાણકીયા, જયસુખભાઈ વસીયાણી અને શક્તિસિંહ ઝાલા સહિતની ટીમ દ્વારા સંયુક્ત રીતે પાર પાડવામાં આવી હતી.











