વાત્સલ્યમ્ સમાચાર
ભરત બોરીચા – જૂનાગઢ
જૂનાગઢ : ખાતે આવેલા સખી વન સ્ટોપ સેન્ટરમાંથી નાસી ગયેલી બાંગ્લાદેશી મહિલાને જૂનાગઢ ‘એ’ ડિવિઝન પોલીસે ભરૂચ જિલ્લાના અંકલેશ્વર ખાતેથી ઝડપી પાડી છે.
ગત તારીખ ૧૯/૧૦/૨૦૨૬ના રોજ સખી વન સ્ટોપ સેન્ટરમાં રાખવામાં આવેલી બાંગ્લાદેશી મહિલા ત્યાંથી નાસી ગઈ હતી. આ અંગે જૂનાગઢ ‘એ’ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં તારીખ ૨૦/૧૦/૨૦૨૬ના રોજ જા.જોગ નંબર ૧૪/૨૦૨૬ હેઠળ ગુનો નોંધાયો હતો. આ મામલે ઉચ્ચ પોલીસ અધિકારીઓના માર્ગદર્શન હેઠળ તપાસ માટે અલગ-અલગ ટીમોની રચના કરવામાં આવી હતી.
તપાસ દરમિયાન નેત્રમ શાખાના સીસીટીવી ફૂટેજ તેમજ ટેકનિકલ સોર્સની મદદ લેવાઈ હતી. તે દરમિયાન બાતમી મળી હતી કે ફરાર મહિલા ભરૂચ જિલ્લાના અંકલેશ્વર ખાતે છે. આ બાતમીના આધારે ‘એ’ ડિવિઝન પોલીસની ટીમે તાત્કાલિક અંકલેશ્વર પહોંચી તપાસ હાથ ધરી શંકાસ્પદ બાંગ્લાદેશી મહિલા ખાલેદા ઉર્ફે મીથીલા ઉર્ફે સાથીને ઝડપી લીધી હતી. મહિલાને જૂનાગઢ લાવી કાયદેસરની કાર્યવાહી પૂર્ણ કરી વધુ તપાસ અર્થે ‘સી’ ડિવિઝન પોલીસ સ્ટેશનને સોંપવામાં આવી છે.











