વાત્સલ્યમ સમાચાર

મદન વૈષ્ણવ

કૃષિ વિજ્ઞાન કેન્દ્ર, વઘઈ (ડાંગ) અને ચૌધરી ચરણ સિંહ નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ એગ્રીકલ્ચરલ માર્કેટિંગ (CCS NIAM), જયપુરના સંયુક્ત ઉપક્રમે ખેડૂતો માટે વેરહાઉસિંગ ડેવલપમેન્ટ એન્ડ વેરહાઉસ ડેવલપમેન્ટ એન્ડ રેગ્યુલેટરી ઓથોરિટી (WDRA) વિષય પર જાગૃતિ કાર્યક્રમનું સફળ આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમનો મુખ્ય હેતુ ખેડૂતોને તેમની ખેતપેદાશોના યોગ્ય ભાવ મેળવવા તેમજ સંગ્રહ અને નાણાકીય સુવિધાઓ અંગે માર્ગદર્શન આપવાનો હતો.
કાર્યક્રમ દરમિયાન CCS NIAMના સલાહકાર ડો. રાહુલ સાંપલાએ ખેડૂતોને સંબોધતાં જણાવ્યું હતું કે, ઘણી વખત ખેડૂતો આર્થિક મજબૂરીના કારણે પોતાની ખેતપેદાશો ઓછી કિંમતે વેચવા મજબૂર બને છે. જો ખેડૂતો પોતાની ઉપજને WDRA દ્વારા નોંધાયેલા વેરહાઉસમાં સુરક્ષિત રીતે સંગ્રહ કરે, તો તેમને ઇલેક્ટ્રોનિક નેગોશિયેબલ વેરહાઉસ રિસીપ્ટ (e-NWR) મળી શકે છે. આ રિસીપ્ટના આધારે ખેડૂતો બેંકમાંથી લોન તથા વિવિધ સબસિડીલક્ષી સુવિધાઓનો લાભ મેળવી શકે છે. પરિણામે ખેડૂતો યોગ્ય સમયે પોતાની ઉપજ વેચીને વધુ નફો મેળવી શકે છે.
આ પ્રસંગે ડો. હર્ષદ એ. પ્રજાપતિ (વરિષ્ઠ વૈજ્ઞાનિક અને વડા) દ્વારા લણણી બાદ થતું નુકસાન ઘટાડવા તેમજ ખેતર અને બજાર સ્તરે કૃષિ પેદાશોના વૈજ્ઞાનિક સંગ્રહની પદ્ધતિઓ અંગે વિસ્તૃત માહિતી આપવામાં આવી હતી. જ્યારે શ્રી ગૌરાંગ પડસાળા, વૈજ્ઞાનિક (કૃષિ વિસ્તરણ) દ્વારા વેરહાઉસિંગના ફાયદા અને ખેડૂતોને મળતી વિવિધ સુવિધાઓ અંગે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.
કાર્યક્રમના અંતિમ તબક્કામાં ખેડૂતોને નજીકના વેરહાઉસની મુલાકાત પણ કરાવવામાં આવી હતી, જેથી તેઓ વૈજ્ઞાનિક સંગ્રહ પદ્ધતિઓને પ્રત્યક્ષ રીતે સમજી શકે. આ જાગૃતિ કાર્યક્રમમાં અંદાજે 50 જેટલા ખેડૂતોએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો.
આ કાર્યક્રમ દ્વારા ખેડૂતોને ખેતપેદાશોના યોગ્ય સંગ્રહ, લણણી બાદના નુકસાનમાં ઘટાડો અને બજારમાં યોગ્ય ભાવ મેળવવા માટે વેરહાઉસિંગની ઉપયોગિતા અંગે મહત્વપૂર્ણ માર્ગદર્શન પ્રાપ્ત થયું હતું.










