જામનગરની સાધના કોલોનીની આદર્શ નિવાસી હોસ્ટેલમાંથી ૧૫ વર્ષનો સગીર ગુમ

જોડિયા તાલુકાના આણંદા ગામનો જયદીપ ઝાપડા ગુમ થતાં સીટી ‘એ’ ડિવિઝન પોલીસ દ્વારા શોધખોળ, માહિતી આપવા જાહેર જનતાને અપીલ
જામનગર
(નયના દવે દ્વારા)
જામનગર ૨૭, જામનગર શહેરના સાધના કોલોની વિસ્તારમાં આવેલી આદર્શ નિવાસી હોસ્ટેલમાંથી ૧૫ વર્ષનો સગીર બાળક ગુમ થયો હોવાની ઘટના સામે આવી છે. આ અંગે જામનગર શહેરના સીટી ‘એ’ ડિવિઝન પોલીસ સ્ટેશન દ્વારા બાળકને શોધી કાઢવા માટે જાહેર જનતાને અપીલ કરવામાં આવી છે.
પ્રાપ્ત વિગતો મુજબ, ગત તા. ૨૬ ઓક્ટોબર, ૨૦૨૬ના રોજ રાત્રિના આશરે એક વાગ્યાના અરસામાં સાધના કોલોની સ્થિત આદર્શ નિવાસી હોસ્ટેલમાંથી જયદીપ રૂપાભાઈ ઝાપડા નામનો ૧૫ વર્ષીય સગીર બાળક કોઈને જાણ કર્યા વિના જતો રહ્યો હતો. ગુમ થયેલા બાળકની જન્મતારીખ ૨૪ મે, ૨૦૧૧ છે અને તે જામનગર જિલ્લાના જોડિયા તાલુકાના આણંદા ગામનો વતની હોવાનું જાહેર કરવામાં આવ્યું છે.
ગુમ થયેલા બાળક અંગે કોઈ નાગરિકને માહિતી મળે અથવા બાળક ક્યાંય જોવા મળે તો તાત્કાલિક જામનગર શહેરના સીટી ‘એ’ ડિવિઝન પોલીસ સ્ટેશનનો સંપર્ક કરવા અપીલ કરવામાં આવી છે.
સંપર્ક નંબર: ૬૩૫૯૬૨૭૮૧૨
પોલીસ દ્વારા સગીર બાળકની શોધખોળમાં સહકાર આપવા અને કોઈ પણ ઉપયોગી માહિતી મળે તો તાત્કાલિક જાણ કરવા જાહેર જનતાને અનુરોધ કરવામાં આવ્યો છે.







