ધ્રોલના લૈયારામાં ઘર બહાર પાર્ક કરેલા એસટી બસના ડ્રાઇવર ના બાઇકની ચોરી: અજાણ્યા તસ્કર સામે ફરિયાદ

જામનગર
(નયના દવે દ્વારા)
જામનગર તા. ૨૭, ધ્રોલ તાલુકાના લૈયારા ગામમાં ઘરની બહાર બજારમાં પાર્ક કરેલું રૂ. ૨૫ હજારની કિંમતનું મોટરસાઇકલ ચોરાઈ જતાં પોલીસમાં ફરિયાદ નોંધાઈ છે.
લૈયારા ગામમાં રહેતા અને એસ.ટી. બસમાં ડ્રાઇવર તરીકે નોકરી કરતા સહદેવસિંહ અનોપસિંહ જાડેજા (ઉંમર ૪૩)એ પોલીસને જણાવ્યું છે કે, તા. ૨૫ ઑક્ટોબરના સાંજે સાડા છ વાગ્યાથી તા. ૨૬ ઑક્ટોબરના સવારે સાડા છ વાગ્યા દરમિયાન તેમના ઘરની બહાર બજારમાં પાર્ક કરેલું હીરો સ્પ્લેન્ડર પ્લસ મોટરસાઇકલ (રજિસ્ટ્રેશન નંબર જીજે-૧૦-સીજે-૬૦૯૬) કોઈ અજાણ્યો શખ્સ ચોરી કરી ગયો હતો. ચોરાયેલા મોટરસાઇકલની કિંમત રૂ. ૨૫ હજાર દર્શાવવામાં આવી છે.
આ અંગે ધ્રોલ પોલીસ સ્ટેશનમાં ભારતીય ન્યાય સંહિતાની કલમ ૩૦૩(૨) હેઠળ ગુનો નોંધવામાં આવ્યો છે. પોલીસ હેડ કોન્સ્ટેબલ ડી.પી. વઘોરા વધુ તપાસ ચલાવી રહ્યા છે.







