વાંસદામાં ડો. પ્રવીણ તોગડિયાનું ભવ્ય સ્વાગત, ‘જય શ્રીરામ’ના નાદથી ગુંજ્યું નગર

ગાંધી મેદાન મેઈન રોડ પર સરદાર વલ્લભભાઈ પટેલની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરી સન્માન; દેશભરમાં ૧૧ લાખ હનુમાન ચાલીસા કેન્દ્રો સ્થાપવાનો સંકલ્પ

વાત્સલ્યમ સમાચાર

મદન વૈષ્ણવ

વાંસદા: આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદના સ્થાપક ડો. પ્રવીણભાઈ તોગડિયાની વાંસદા મુલાકાત દરમિયાન ભવ્ય સ્વાગત કાર્યક્રમો યોજાયા હતા. ‘દેખો-દેખો કોણ આયા, હિન્દુઓ કા શેર આયા’ અને ‘જય શ્રીરામ’ના ગગનભેદી નારાઓ સાથે તેમનું ફૂલહાર, પુષ્પવર્ષા અને રાજસ્થાની સાફો પહેરાવી પરંપરાગત રીતે સન્માન કરવામાં આવ્યું હતું. મોટી સંખ્યામાં ઉપસ્થિત હિન્દુ આગેવાનો અને કાર્યકરોના ઉત્સાહથી વાંસદામાં ઉત્સવમય માહોલ જોવા મળ્યો હતો.

એક દિવસીય પ્રવાસ દરમિયાન ડો. પ્રવીણભાઈ તોગડિયાએ નવસારી, ગણદેવી, ચીખલી, રાનકુવા, વાંસદા અને ચારણવાડા ખાતે ગ્રામજનો દ્વારા આયોજિત કાર્યક્રમોમાં હાજરી આપી હતી. વાંસદાના હનુમાનબારી વિસ્તારમાં જનનાયક બિરસા મુંડાની પ્રતિમાને ફૂલહાર અર્પણ કરી પુષ્પાંજલિ અર્પણ કરી હતી. ત્યારબાદ ગાંધી મેદાન મેઈન રોડ સ્થિત સરદાર વલ્લભભાઈ પટેલની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરી ફૂલહાર પહેરાવી સન્માન કર્યું હતું.

આ પ્રસંગે ઉપસ્થિત હિન્દુ આગેવાનોએ ડો. પ્રવીણભાઈ તોગડિયાને રાજસ્થાની સાફો પહેરાવી અને ફૂલહાર અર્પણ કરી ભવ્ય સ્વાગત કર્યું હતું. ત્યારબાદ વાંસદા ટાવર પાસે પણ ગ્રામજનો દ્વારા સ્વાગત કાર્યક્રમ યોજાયો હતો, જેમાં પુષ્પવર્ષા અને ‘જય શ્રીરામ’ના જયઘોષ સાથે તેમનું અભિવાદન કરવામાં આવ્યું હતું.

વાંસદા ખાતે મોટી સંખ્યામાં ઉપસ્થિત લોકોને સંબોધતાં ડો. પ્રવીણભાઈ તોગડિયાએ જણાવ્યું હતું કે આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદ દ્વારા દેશભરમાં ૧૧ લાખ હનુમાન ચાલીસા કેન્દ્રો શરૂ કરવાનો સંકલ્પ લેવામાં આવ્યો છે. હિન્દુ સમાજમાં એકતા, સંગઠન અને ધાર્મિક જાગૃતિ વધારવાની સાથે લોકોના આરોગ્ય, આજીવિકા અને પરસ્પર સહયોગને પ્રોત્સાહન આપવાનો આ અભિયાનનો હેતુ છે.

તેમણે દર શનિવારે રાત્રે સોસાયટીઓ અને મંદિરોમાં સામૂહિક હનુમાન ચાલીસાના પાઠ યોજવા અપીલ કરી હતી. આવા કાર્યક્રમો દ્વારા લોકો એકબીજાના સુખ-દુઃખમાં સહભાગી બને અને સમાજમાં પરસ્પર સહકારની ભાવના મજબૂત થાય તેવો સંદેશ આપ્યો હતો. આ ઉપરાંત હિન્દુ સમાજમાં સંગઠન અને ધાર્મિક જાગૃતિ વધારવા પર ભાર મૂક્યો હતો.

કાર્યક્રમ દરમિયાન હિન્દુ હેલ્પલાઇન અંગે પણ માહિતી આપવામાં આવી હતી. આયોજકોના જણાવ્યા અનુસાર, જરૂરિયાતમંદ લોકોને આરોગ્ય સંબંધિત મુશ્કેલીઓમાં મદદ મળી રહે તે માટે તાલુકા કક્ષાએ ટીમો તૈયાર કરવામાં આવી રહી છે. કેન્સર જેવી ગંભીર બીમારીઓમાં સારવાર માટે સહાય સહિતની સેવાઓ અંગે પણ માહિતી આપવામાં આવી હતી. જરૂરિયાતમંદ લોકો હેલ્પલાઇન અથવા તાલુકા કક્ષાની ટીમનો સંપર્ક કરીને ઉપલબ્ધ સેવાઓનો લાભ મેળવી શકે તેવો આશય વ્યક્ત કરવામાં આવ્યો હતો.

વાંસદામાં યોજાયેલી આ મુલાકાત દરમિયાન પ્રતિમાઓને પુષ્પાંજલિ, પરંપરાગત સન્માન અને ભવ્ય સ્વાગત કાર્યક્રમો મુખ્ય આકર્ષણ રહ્યાં હતાં. ૧૧ લાખ હનુમાન ચાલીસા કેન્દ્રો સ્થાપવાના સંકલ્પ સાથે ધાર્મિક જાગૃતિ, આરોગ્ય, આજીવિકા અને સામાજિક સહયોગનો સંદેશ આપવામાં આવ્યો હતો.

57
Default choosing

Did you like our plugin?

સૌથી વધુ વંચાયેલ

Horoscope

Weather

વધુ વાંચો
error: Content is protected !!

જિલ્લા

શહેર પસંદ કરો