તા.૨૬/૧૦/૨૦૨૬

વાત્સલ્યમ્ સમાચાર
Rajkot: રાજ્યના નાગરિકોની શારીરિક અને માનસિક સુખાકારી કેળવાય તેમજ યોગ પ્રત્યે જાગૃતિ વધે તેવા આશય સાથે ગુજરાત રાજ્ય યોગ બોર્ડ દ્વારા ‘યોગાસન સ્પર્ધા-૨૦૨૬’નું આયોજન કરવામાં આવ્યું છે. આ સ્પર્ધા ત્રણ તબક્કામાં એટલે કે જિલ્લા કક્ષા, ઝોન કક્ષા અને રાજ્ય કક્ષાએ યોજાશે.
રાજ્યના યોગપ્રેમી નાગરિકો આ સ્પર્ધામાં ઉત્સાહભેર ભાગ લઈ શકે તે માટે વયજૂથ અનુસાર ચાર કેટેગરી રાખવામાં આવી છે, જેમાં ૯ થી ૧૬ વર્ષ, ૧૭ થી ૩૫ વર્ષ, ૩૬ વર્ષથી વધુ ઉંમરના નાગરિકો તેમજ ગુજરાત રાજ્ય યોગ બોર્ડ સાથે જોડાયેલા યોગ કોચ અને ટ્રેનર્સ માટે અલગ કેટેગરીનો સમાવેશ થાય છે.
આ સ્પર્ધામાં જિલ્લા કક્ષાએ ઉત્સાહપૂર્વક ભાગ લેનાર તમામ સ્પર્ધકોને ડિજિટલ સર્ટિફિકેટ એનાયત કરવામાં આવશે. જ્યારે ઉત્કૃષ્ટ પ્રદર્શન કરી વિજેતા બનનાર સ્પર્ધકોને ફિઝિકલ પ્રમાણપત્ર તેમજ નિયત રોકડ પુરસ્કાર આપી સન્માનિત કરવામાં આવશે.
આ યોગાસન સ્પર્ધા-૨૦૨૬માં ભાગ લેવા ઇચ્છતા તમામ રસ ધરાવતા સ્પર્ધકોએ આગામી તારીખ ૩૦ નવેમ્બર, ૨૦૨૬ સુધીમાં સત્તાવાર પોર્ટલ https://yogasan.gsyb.in/ પર જઈને પોતાનું ઓનલાઇન રજિસ્ટ્રેશન નિયત સમયમર્યાદામાં પૂર્ણ કરવાનું રહેશે.











