વાત્સલ્યમ સમાચાર

મદન વૈષ્ણવ

નવસારી મહાનગરપાલિકાના કોર્પોરેટર પ્રભા નરેશકુમાર વલસાડિયાએ અસરગ્રસ્ત પરિવારોના નુકસાનનો સર્વે કરી યોગ્ય સહાય આપવા માંગ કરી
નવસારી જિલ્લામાં ભારે વરસાદના કારણે સર્જાયેલી પૂર જેવી ગંભીર પરિસ્થિતિમાં અસરગ્રસ્ત પરિવારોને તાત્કાલિક આર્થિક સહાય અને યોગ્ય વળતર ચૂકવવાની માંગ ઉઠી છે. નવસારી મહાનગરપાલિકાના વોર્ડ નં. 4નાં કોર્પોરેટર પ્રભા નરેશકુમાર વલસાડિયાએ આ મામલે જિલ્લા કલેક્ટરને લેખિત રજૂઆત કરી પૂરગ્રસ્ત વિસ્તારોમાં નુકસાનનો નિષ્પક્ષ સર્વે કરાવી અસરગ્રસ્ત પરિવારોને વહેલી તકે રાહત આપવા માંગ કરી છે.
રજૂઆતમાં જણાવ્યા મુજબ, તાજેતરમાં નવસારી જિલ્લામાં ભારે વરસાદને પગલે શહેરના અનેક વિસ્તારોમાં વરસાદી અને પૂરનાં પાણી ઘરોમાં ઘૂસી જતાં સામાન્ય તથા ગરીબ પરિવારોને ભારે મુશ્કેલીઓનો સામનો કરવો પડ્યો હતો. ઘરોમાં પાણી ભરાઈ જવાને કારણે અનાજ, ઘરવખરી, કપડાં, ફર્નિચર તેમજ જીવનજરૂરી ચીજવસ્તુઓને નુકસાન થયું હતું. પરિણામે અનેક પરિવારોની રોજિંદી જીવનવ્યવસ્થા ખોરવાઈ જવાની સાથે તેમને આર્થિક નુકસાન પણ સહન કરવું પડ્યું છે.
આ પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને કોર્પોરેટર પ્રભા વલસાડિયાએ જિલ્લા વહીવટી તંત્ર સમક્ષ માંગ કરી છે કે નવસારી શહેરના તમામ પૂરગ્રસ્ત વિસ્તારોમાં સરકારી અધિકારીઓ દ્વારા તાત્કાલિક નિષ્પક્ષ સર્વે હાથ ધરવામાં આવે. અસરગ્રસ્ત પરિવારોને થયેલા અનાજ, ઘરવખરી અને જીવનજરૂરી સાધનોના નુકસાનનું યોગ્ય મૂલ્યાંકન કરવામાં આવે તેમજ સરકારી નિયમો અનુસાર આર્થિક સહાય અને વળતર ચૂકવવામાં આવે.
વધુમાં, ગરીબ અને મધ્યમવર્ગીય પરિવારોને રાહત સહાય આપવામાં વિશેષ પ્રાથમિકતા આપવા તથા કોઈપણ અસરગ્રસ્ત પરિવાર સરકારી સહાયથી વંચિત ન રહી જાય તે માટે ખાસ તકેદારી રાખવાની પણ માંગ કરવામાં આવી છે.
કોર્પોરેટર દ્વારા રજૂઆતના અંતે ભારપૂર્વક જણાવાયું છે કે પૂરગ્રસ્ત પરિવારોને માત્ર આશ્વાસન આપવાને બદલે વાસ્તવિક સહાય પહોંચે તે માટે તંત્રએ તાત્કાલિક પગલાં ભરવાં જોઈએ, જેથી મુશ્કેલીમાં મુકાયેલા પરિવારોને રાહત મળે અને તેમને થયેલા નુકસાનની યોગ્ય ભરપાઈ થઈ શકે.









