વાત્સલ્યમ્ સમાચાર
ભરત બોરીચા – જૂનાગઢ
જૂનાગઢ : સરદાર વલ્લભભાઈ પટેલની જન્મજયંતી નિમિત્તે આગામી ૩૧ ઓક્ટોબરના રોજ જૂનાગઢ શહેરમાં ‘રાષ્ટ્રીય એકતા દિવસ’ની ભવ્ય ઉજવણી કરવામાં આવશે. આ કાર્યક્રમોની રૂપરેખા અને સફળ આયોજન અંગે જૂનાગઢ મહાનગરપાલિકાના વીર સાવરકર મીટિંગ હોલ ખાતે સમીક્ષા બેઠક યોજાઈ હતી.
બેઠકમાં મેયર ધર્મેશ પોશીયા, ધારાસભ્ય સંજય કોરડીયા, મ્યુનિસિપલ કમિશનર આઈ.આર. વાળા, ડેપ્યુટી મેયર આકાશ કટારા, સ્થાયી સમિતિ ચેરપર્સન પલ્લવીબેન ઠાકર, શાસક પક્ષ નેતા મનન અભાણી, શહેર પ્રમુખ ગૌરવ રૂપારેલિયા, નાયબ કમિશનર કેતન વાઘેલા અને જયેશ વાજા સહિત મહાનગરપાલિકા, શિક્ષણ તેમજ પોલીસ વિભાગના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.
રાષ્ટ્રીય એકતા, અખંડિતતા અને સામાજિક સમરસતાના સંદેશ સાથે ૩૧ ઓક્ટોબરે સવારે ૯:૦૦ વાગ્યે જીમખાના પાસે તથા ૯:૩૦ વાગ્યે જોષીપરાના પાદર ચોક ખાતે સરદાર પટેલની પ્રતિમાને સૂતરની આંટી અને પુષ્પાંજલિ અર્પણ કરવામાં આવશે.
ત્યારબાદ બપોરે ૩:૩૦ વાગ્યે જીમખાના સ્થિત સરદાર પ્રતિમા પાસેથી ભવ્ય એકતા રેલીનો પ્રારંભ થશે, જે કાળવા ચોક અને રાણાવાવ ચોક થઈને એ.જી. સ્કૂલ મેદાન ખાતે સંપન્ન થશે. સાંજે ૫:૦૦ વાગ્યે એ.જી. સ્કૂલ મેદાન ખાતે સાંસ્કૃતિક કાર્યક્રમો, સન્માન સમારોહ, એકતા પરેડનું જીવંત પ્રસારણ તથા વડાપ્રધાનના ઉદ્બોધનનું પ્રસારણ યોજાશે. આ પ્રકારના કાર્યક્રમો શહેરના ૧ થી ૧૫ તમામ વોર્ડમાં પણ યોજવામાં આવશે.










