પંચમહાલ ગોધરા

નિલેશભાઈ દરજી શહેરા 
પંચમહાલ જિલ્લાના મુખ્ય મથક ગોધરામાં સાંપા રોડ પર આવેલા એશિયન પેઇન્ટ્સના એક શો રૂમમાં અચાનક વિકરાળ આગ ફાટી નીકળતા સમગ્ર વિસ્તારમાં ભારે અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. ઘટનાની જાણ થતાં જ ગોધરા ફાયર વિભાગની ટીમે તાત્કાલિક ઘટનાસ્થળે દોડી જઈને એક કલાકની ભારે જહેમત બાદ આગ પર સંપૂર્ણ કાબૂ મેળવી લીધો હતો. આ ભયાવહ દુર્ઘટનામાં સદનસીબે કોઈ વ્યક્તિ ફસાયું ન હતું અને કોઈપણ પ્રકારની જાનહાનિ નોંધાઈ નથી.
શો રૂમની અંદર પેઇન્ટ, થિનર તેમજ અન્ય જ્વલનશીલ કેમિકલ યુક્ત સામગ્રીનો મોટો જથ્થો સંગ્રહિત હોવાથી આગે ક્ષણભરમાં જ રૌદ્ર સ્વરૂપ ધારણ કરી લીધું હતું. જોતજોતામાં આગની વિકરાળ જ્વાળાઓ સમગ્ર પરિસરમાં પ્રસરી ગઈ હતી. જેના પરિણામે આખો શો રૂમ આગની લપેટમાં આવીને સંપૂર્ણપણે બળીને ખાખ થઈ ગયો હતો. જ્વલનશીલ પદાર્થોના કારણે પરિસ્થિતિ વધુ ગંભીર બની હતી, પરંતુ ફાયર બ્રિગેડ દ્વારા યુદ્ધના ધોરણે પાણીનો મારો ચલાવીને આગને આસપાસના વિસ્તારોમાં વધુ ફેલાતી અટકાવવામાં સફળતા મળી હતી.
હાલમાં આગ સંપૂર્ણપણે ઓલવી દેવામાં આવી છે. જોકે, આ દુર્ઘટના પાછળનું ચોક્કસ કારણ હજુ સુધી જાણી શકાયું નથી. શો રૂમ બળીને ખાખ થઈ જતાં માલિકને મોટું આર્થિક નુકસાન વેઠવાનો વારો આવ્યો છે. આગ લાગવાનું સચોટ કારણ અને નુકસાનીનો પ્રાથમિક અંદાજ ફાયર વિભાગ તથા સંબંધિત તંત્રની સત્તાવાર તપાસ બાદ જ સ્પષ્ટ થઈ શકશે.










