જન શિક્ષણ સંસ્થાન ભરૂચ દ્વારા સરદાર વલ્લભભાઈ પટેલની ૧૫૧મી જન્મજયંતી નિમિત્તે રાષ્ટ્રીય એકતા દિવસની ઉજવણી

સમીર પટેલ, ભરૂચ

ભરૂચ: લોહપુરુષ સરદાર વલ્લભભાઈ પટેલની ૧૫૧મી જન્મજયંતી તથા રાષ્ટ્રીય એકતા દિવસ નિમિત્તે જન શિક્ષણ સંસ્થાન (જેએસએસ) ભરૂચ દ્વારા એક વિશેષ કાર્યક્રમનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમનો મુખ્ય ઉદ્દેશ્ય યુવાનોમાં દેશભક્તિની ભાવના અને રાષ્ટ્રીય એકતાનાં વિચારોનું સિંચન કરવાનો હતો.
કાર્યક્રમની શરૂઆતમાં જન શિક્ષણ સંસ્થાન નાં નિયામકશ્રી ઝયનુલ આબેદીન સૈયદ દ્વારા ઉપસ્થિત તાલીમાર્થીઓને સરદાર પટેલનાં પ્રેરણાદાયી જીવન કવન વિશે વિસ્તૃત માહિતી પૂરી પાડવામાં આવી હતી. તેમણે દેશનાં સ્વતંત્રતા સંગ્રામમાં અને દેશી રાજ્યોનાં વિલીનીકરણમાં સરદાર સાહેબનાં અદ્ભુત યોગદાનને યાદ કર્યું હતું.
આ પ્રસંગે નિયામકશ્રીએ દેશ માટે રાષ્ટ્રીય એકતા દિવસનાં મહત્ત્વ પર પણ વિશેષ પ્રકાશ પાડ્યો હતો. તેમણે તમામ તાલીમાર્થીઓને દેશની અખંડિતતા જાળવી રાખવા અને ભાઈચારાની ભાવના સાથે આગળ વધવા માટે પ્રેરિત કર્યા હતાં.
આ ઉજવણીનાં ભાગરૂપે સંસ્થા દ્વારા ચલાવવામાં આવતી વિવિધ સ્કીલ તાલીમ સફળતાપૂર્વક પૂર્ણ કરનાર તાલીમાર્થીઓને ઉત્સાહભેર પ્રમાણપત્ર વિતરણ કરવામાં આવ્યા હતાં. આ પ્રમાણપત્રો તાલીમાર્થીઓને ભવિષ્યમાં રોજગારી મેળવવા અને આત્મનિર્ભર બનવામાં ખૂબ જ ઉપયોગી સાબિત થશે.
કાર્યક્રમની આ સમગ્ર રૂપરેખા અને વ્યવસ્થામાં જેએસએસ ટીમનાં સભ્યો સર્વશ્રી ક્રિષ્ણાબેન કઠોલીયા, ભૂમીબેન સોની, રૂપલબેન રાણા અને ધ્વનીબેન જાદવ વગેરે ખાસ ઉપસ્થિત રહીને સહયોગ પૂરો પાડ્યો હતો. કાર્યક્રમના અંતે શ્રીમતી હેતલબેન પટેલ દ્વારા તમામનો આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો.

58
Default choosing

Did you like our plugin?

સૌથી વધુ વંચાયેલ

Horoscope

Weather

વધુ વાંચો
error: Content is protected !!

જિલ્લા

શહેર પસંદ કરો