ગૂજરાત વિદ્યાપીઠના વિદ્યાર્થીઓ દ્વારા દાહોદના ગ્રામ્ય વિસ્તારોમાં ‘પોષણ યાત્રા’ યોજાઈ

તા.૩૧.૧૦.૨૦૨૬

વાત્સલ્યમ્ સમાચાર

અજય સાંસી દાહોદ

Dahod:ગૂજરાત વિદ્યાપીઠના વિદ્યાર્થીઓ દ્વારા દાહોદના ગ્રામ્ય વિસ્તારોમાં ‘પોષણ યાત્રા’ યોજાઈ

દાહોદના ગોવિંદ ગુરુ લીમડી તાલુકાના વિવિધ ગામોમાં પદયાત્રા યોજી ગ્રામજનોમાં સ્વાસ્થ્ય અને પોષણ અંગે જાગૃતિ ફેલાવાઈ નાટક, સંવાદ અને ત્રિરંગી થાળીની સમજ દ્વારા કુપોષણ નાબૂદી અને પૌષ્ટિક આહારનો સંદેશ અપાયો ગામડાંની જીવનશૈલીનો પ્રત્યક્ષ અનુભવ મેળવવા અને સામાજિક જવાબદારીના ભાગરૂપે ગૂજરાત વિદ્યાપીઠના વિદ્યાર્થીઓ દ્વારા દાહોદ જિલ્લાના ગોવિંદ ગુરુ લીમડી તાલુકાના વિવિધ ગામોમાં પદયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું. ‘પોષણ યાત્રા’ની થીમ આધારિત આ પદયાત્રાનો મુખ્ય હેતુ ગ્રામીણ ક્ષેત્રોમાં પોષણ અને આરોગ્ય પ્રત્યે વ્યાપક જાગૃતિ લાવવાનો હતો.પદયાત્રા દરમિયાન વિદ્યાર્થીઓએ ગામડાંની આંગણવાડીઓ, પ્રાથમિક અને માધ્યમિક શાળાઓ તેમજ ગ્રામજનોની સીધી મુલાકાત લીધી હતી. આંગણવાડી ખાતે બાળકો અને મહિલાઓને સંતુલિત આહાર, સ્વચ્છતા, હાથ ધોવાની યોગ્ય ટેવ અને પૌષ્ટિક ખોરાકના મહત્ત્વ વિશે સરળ ભાષામાં માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.શાળાઓમાં યોજાયેલી વિવિધ શૈક્ષણિક પ્રવૃત્તિઓ દ્વારા વિદ્યાર્થીઓને ‘ત્રિરંગી થાળી’નું મહત્ત્વ સમજાવવામાં આવ્યું હતું. જેમાં લીલાં શાકભાજી, ફળો, કઠોળ અને દૂધ જેવા પૌષ્ટિક ખાદ્યપદાર્થોના સેવન પર ભાર મૂકી જંક ફૂડથી દૂર રહેવા પ્રેરિત કરાયા હતા. આ ઉપરાંત, શેરી નાટક, પ્રશ્નોત્તરી અને સંવાદ જેવા માધ્યમો દ્વારા કુપોષણની સમસ્યા, માતા અને બાળકના પોષણ તેમજ સ્વચ્છ જીવનશૈલી જેવા વિષયોની અસરકારક રજૂઆત કરવામાં આવી હતી.વિદ્યાર્થીઓએ ગ્રામજનો સાથે સીધો સંવાદ સાધી તેમના દૈનિક આહાર અને સ્થાનિક ખોરાકની ટેવો વિશે જાણકારી મેળવી હતી. વર્ગખંડના જ્ઞાનને સમાજના સકારાત્મક પરિવર્તન માટે ઉપયોગી બનાવતી આ યાત્રા વિદ્યાપીઠના વિદ્યાર્થીઓ માટે પણ એક મહત્વપૂર્ણ શૈક્ષણિક અનુભવ બની રહી હતી. ‘સ્વસ્થ પરિવાર, પોષિત સમાજ અને સશક્ત રાષ્ટ્ર’ના સંદેશ સાથે યોજાયેલી આ પોષણ યાત્રાને ગ્રામજનો તરફથી બહોળો પ્રતિસાદ મળ્યો હતો

58
Default choosing

Did you like our plugin?

સૌથી વધુ વંચાયેલ

Horoscope

Weather

વધુ વાંચો
error: Content is protected !!

જિલ્લા

શહેર પસંદ કરો