તા.૩૧/૧૦/૨૦૨૬

વાત્સલ્યમ્ સમાચાર
પ્રભારી મંત્રીશ્રી, મેયરશ્રી, ધારાસભ્યશ્રીઓ, પોલીસ કમિશનરશ્રી, મ્યુનિ. કમિશનરશ્રી, જિલ્લા કલેક્ટરશ્રી સહિત ઉચ્ચ અધિકારીઓ, કર્મચારીઓ અને મોટી સંખ્યામાં લોકો જોડાયા
કેવડિયા ખાતે ૧૮૨ મીટર ઊંચી પ્રતિમાનું નિર્માણ કરાવીને વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ લોહપુરુષને સાચી શ્રદ્ધાંજલિ આપીઃ પ્રભારી મંત્રી શ્રી જીતુભાઈ વાઘાણી
આ રન ફોર યુનિટી દેશને ‘એક, નેક અને શ્રેષ્ઠ’ બનાવવાના સંકલ્પનું પ્રતીક બની રહે તેવી કામનાઃ પ્રભારી મંત્રી શ્રી જીતુભાઈ વાઘાણી
શહેર પોલીસ કમિશનર શ્રી બ્રજેશકુમાર ઝાએ સૌને રાષ્ટ્રીય એકતાના શપથ લેવડાવ્યા
Rajkot: સરદાર વલ્લભભાઈ પટેલની ૧૫૧મી જન્મ જયંતી નિમિત્તે આજે રાજકોટ શહેરમાં પ્રભારી મંત્રી શ્રી જીતુભાઈ વાઘાણીની અધ્યક્ષતામાં ‘રન ફોર યુનિટી’ યોજાઈ હતી. રાજકોટ શહેર પોલીસ દ્વારા આયોજિત આ દોડ પોલીસ હેડ ક્વાર્ટરના પરેડ ગ્રાઉન્ડથી શરૂ થઈ હતી અને રેસકોર્સ રિંગરોડ પરથી પસાર થઈને હેડ ક્વાર્ટર ખાતે વિરામ પામી હતી. આ ‘રન ફોર યુનિટી’માં મોટી સંખ્યામાં લોકો જોડાયા હતા અને ‘એકતા’નો સંદેશ આપ્યો હતો.

આ અવસરે પ્રભારી મંત્રી શ્રી જીતુભાઈ વાઘાણીએ પ્રાસંગિક પ્રવચનમાં જણાવ્યું હતું કે, સરદાર વલ્લભભાઈ પટેલે દેશની આઝાદી બાદ વિવિધ રજવાડાઓ અને અલગ-અલગ પ્રાંતોને એક તાંતણે બાંધીને અખંડ ભારતના નિર્માણમાં અદ્ભુત યોગદાન આપ્યું હતું.


તેમણે કહ્યું હતું કે, વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ કેવડિયા ખાતે સરદાર વલ્લભભાઈ પટેલની ૧૮૨ મીટર ઊંચી પ્રતિમાનું નિર્માણ કરાવીને લોહપુરુષને સાચી શ્રદ્ધાંજલિ આપી છે. સરદાર વલ્લભભાઈ પટેલની જન્મજયંતી એ માત્ર રજાનો દિવસ અને માત્ર પુસ્તક પૂરતો સીમિત ન રહે અને લોકો તેની સાથે કાયમ જોડાયેલા રહે માટે વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈએ એકતા દોડ, એકતા પરેડ સહિતની પહેલ શરૂ કરાવી છે. જેથી આવનારી પેઢી સરદાર સાહેબના યોગદાનને ક્યારેય ભૂલી ન શકે.


આ એકતાની દોડ માત્ર એક દિવસીય ઉત્સવ ન રહેતા દેશને ‘એક, નેક અને શ્રેષ્ઠ’ બનાવવાના સંકલ્પનું પ્રતીક બની રહે તેવી ભાવના પણ મંત્રીશ્રીએ વ્યક્ત કરી હતી.
આ તકે શહેર પોલીસ કમિશનર શ્રી બ્રજેશ કુમાર ઝાએ સૌને રાષ્ટ્રીય એકતાના શપથ લેવડાવ્યા હતા.
બાદમાં મહાનુભાવોએ લીલી ઝંડી આપીને એકતા દોડને પ્રસ્થાન કરાવ્યું હતું.


આ દોડમાં પ્રભારી મંત્રી શ્રી જીતુભાઈ વાઘાણી, મેયરશ્રી ડૉ. નેહલ શુક્લ, ધારાસભ્યો સર્વેશ્રી ડૉ. દર્શિતાબહેન શાહ, શ્રી ઉદયભાઈ કાનગડ, શ્રીમતી ભાનુબહેન બાબરિયા, સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન શ્રી પરેશભાઈ પીપળીયા, પૂર્વ સાંસદ શ્રી રામભાઈ મોકરિયા, અગ્રણી શ્રી માધવ દવે, શહેર પોલીસ કમિશનરશ્રી બ્રજેશકુમાર ઝા, અધિક પોલીસ કમિશનર શ્રી ચૈતન્ય માંડલિક, મ્યુનિસિપલ કમિશનર શ્રી તુષાર સુમેરા, જિલ્લા કલેક્ટરશ્રી ડૉ. ઓમ પ્રકાશ, જિલ્લા વિકાસ અધિકારી શ્રી અનંદુ સુરેશ ગોવિંદ, નિવાસી અધિક કલેક્ટરશ્રી જે. એચ. બારોટ, તમામ ડી.સી.પી. સહિત પોલીસ અધિકારીઓ, જવાનો, સરકારી કર્મચારીઓ, એન.સી.સી. કેડેટ્સ, ડી.એલ.એસ.એસ.ના સ્ટુડન્સ્, તેમજ નાગરિકો મોટી સંખ્યામાં જોડાયા હતા.










