તા.02/11/2026/બાવળિયા ઉમેશભાઇ સુરેન્દ્રનગર


હવે સારવાર માટે સુરેન્દ્રનગર સુધી લાંબા થવું નહીં પડે; સ્થાનિક સ્તરે જ મળશે આધુનિક આરોગ્ય સુવિધાઓ, સુરેન્દ્રનગર જિલ્લામાં પાટડી તાલુકાના નાગરિકો માટે આરોગ્ય ક્ષેત્રે એક ઐતિહાસિક સીમાચિહ્ન સમાન ક્રાંતિકારી પગલું ભરાયું છે. આજરોજ પાટડી ખાતે રાજ્ય સરકારના અંદાજે રૂ. ૫૮ કરોડના મસમોટા ખર્ચે નિર્માણ પામનાર અત્યાધુનિક સબ ડિસ્ટ્રિક્ટ હોસ્પિટલના નવીન ભવનનું ભૂમિપૂજન અને ખાતમુહૂર્ત મંત્રીઓ અને અગ્રણીઓની વિશેષ ઉપસ્થિતિમાં શાસ્ત્રોક્ત વિધિ અને મંત્રોચ્ચાર સાથે સંપન્ન થયું હતું. આ ભવ્ય ખાતમુહૂર્ત સમારોહ સુરેન્દ્રનગર જિલ્લા પ્રભારી મંત્રી શ્રીમતી દર્શનાબેન વાઘેલા, લોકસભાના સાંસદ ચંદુભાઈ શિહોરા અને સ્થાનિક દસાડાના લોકપ્રિય ધારાસભ્ય પી. કે. પરમારની પ્રેરક ઉપસ્થિતિમાં યોજાયો હતો. લાંબા સમયથી પાટડી તાલુકાના નાગરિકોની એવી પ્રબળ માંગ અને પીડા રહી હતી કે નાની-મોટી બીમારી કે ગંભીર સારવાર માટે પણ દર્દીઓએ દસ-વીસ કિલોમીટર દૂર સુરેન્દ્રનગર અથવા અન્ય શહેરો સુધી ધક્કા ખાવા પડતા હતા. જેના કારણે દર્દીઓ અને તેમના સ્વજનોને આર્થિક નુકસાનની સાથે ભારે હાલાકી વેઠવી પડતી હતી. રૂ. ૫૮ કરોડના જંગી ખર્ચે આકાર લેનારી આ નવીન સબ ડિસ્ટ્રિક્ટ હોસ્પિટલના નિર્માણથી પાટડી પંથકના ગ્રામ્ય અને શહેરી વિસ્તારોના નાગરિકોને હવે સ્થાનિક સ્તરે જ ઉત્તમ, આધુનિક અને નિષ્ણાત તબીબી સેવાઓ ઉપલબ્ધ થશે. પરિણામે દર્દીઓનો કિંમતી સમય અને નાણાં બંનેની મોટાપાયે બચત થશે. આ શુભ પ્રસંગે પ્રાદેશિક વિકાસ અને લોકકલ્યાણની આ ભેટને વધાવવા માટે જિલ્લા અને તાલુકાભરના દિગ્ગજ આગેવાનો તથા વહીવટી અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા. જેમાં તાલુકા પંચાયત પ્રમુખ શ્રીમતી નબુબેન ચાવડા, જિલ્લા પંચાયત આરોગ્ય સમિતિના ચેરમેન શ્રી નટુજી, નગરપાલિકા પ્રમુખ હિતેશભાઈ તેમજ અગ્રણીઓ દિલીપભાઈ પટેલ અને નરેશભાઈ પટેલ ખાસ ઉપસ્થિત રહી કાર્યસ્થળની શોભા વધારી હતી. વહીવટી તંત્ર તરફથી જિલ્લા કલેક્ટર જી.એસ સોલંકી, જિલ્લા વિકાસ અધિકારી કે. એસ. યાજ્ઞિક અને પ્રાંત અધિકારી મિલન રાવ સહિતના ઉચ્ચ અધિકારીઓ ઉપસ્થિત રહી સમગ્ર આયોજનને સફળ બનાવ્યું હતું. આ કાર્યક્રમમાં પાટડી પંથકમાંથી મોટી સંખ્યામાં પ્રબુદ્ધ નાગરિકો, ગ્રામજનો અને કાર્યકર્તાઓ હોસ્પિટલના ખાતમુહૂર્તને વધાવવા ઉમટી પડ્યા હતા.









