તા.02/11/2026/બાવળિયા ઉમેશભાઇ સુરેન્દ્રનગર


અપેક્ષા શૂન્ય, જવાબદારી અનંત મારો જીવનમંત્ર; પ્રજાના ટેક્સના નાણાં લોકહિતમાં વપરાય તે જ મુખ્ય ઉદ્દેશ: MLA

ધ્રાંગધ્રા: જાહેરજીવનમાં નિઃસ્વાર્થ સેવા અને શ્રેષ્ઠ નૈતિક મૂલ્યોનો અનોખો સંગમ રચતાં ધ્રાંગધ્રા- હળવદ મતવિસ્તારના ભારતીય જનતા પાર્ટીના ધારાસભ્ય પ્રકાશભાઈ વરમોરાએ એક ક્રાંતિકારી અને ઐતિહાસિક નિર્ણય લીધો છે. પ્રથમ વખત જ વિધાનસભ્ય બનેલા પ્રકાશભાઈ વરમોરાએ ધારાસભ્ય તરીકે મળતા માસિક આશરે રૂ. ૫૫,૦૦૦ના પગાર અને ભવિષ્યમાં મળવાપાત્ર કાયમી પેન્શનનો સ્વૈચ્છિક રીતે આજીવન ત્યાગ કરવાની જાહેરાત કરી છે. આ અંગે તેમણે ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ તથા રાજ્યના મુખ્યમંત્રીને પ્રવર્તમાન નિયમાનુસાર જરૂરી કાર્યવાહી કરી તેમનો પગાર-પેન્શન સત્તાવાર રીતે બંધ કરવા માટે લેખિત વિનંતી કરી છે. પોતાના આ નિર્ણય પાછળનો હેતુ સ્પષ્ટ કરતા ધારાસભ્ય પ્રકાશભાઈ વરમોરાએ જણાવ્યું હતું કે, “ઈશ્વરની અસીમ કૃપાથી મારો પરિવાર આર્થિક રીતે સંપૂર્ણ સમૃદ્ધ અને સક્ષમ છે. મારી કે મારા પરિવારની અંગત જરૂરિયાતો માટે અમારે સરકારી પગાર કે પેન્શન પર નિર્ભર રહેવાની જરૂર નથી. રાજકારણ એ મારા માટે હોદ્દો, પ્રતિષ્ઠા કે આર્થિક લાભ મેળવવાનું સાધન નથી, પરંતુ સમાજના છેવાડાના માનવી સુધી પહોંચીને નિઃસ્વાર્થ લોકસેવા કરવાનું સબળ માધ્યમ છે.” તેમણે વધુમાં ઉમેર્યું હતું કે, “મારા મતવિસ્તારની જનતાના હિત અને સર્વાંગી વિકાસ માટે હું કટિબદ્ધ છું. ‘અપેક્ષા શૂન્ય, જવાબદારી અનંત’ એ જ મારો મૂળ જીવનમંત્ર રહ્યો છે. પોતાના માટે ઓછામાં ઓછી અપેક્ષા રાખીને રાષ્ટ્ર અને સમાજના ઉત્થાન માટે મહત્તમ જવાબદારી સ્વીકારવી એ જ દરેક જનપ્રતિનિધિની સાચી ફરજ છે.” ધારાસભ્યના આ નિર્ણયથી પ્રજાના ટેક્સના નાણાંનો બગાડ અટકશે અને તે રકમ જનકલ્યાણના અન્ય મહત્વપૂર્ણ કાર્યોમાં વાપરી શકાશે. એક સમૃદ્ધ પરિવારના સભ્ય હોવાના નાતે સરકારી ભથ્થાં કે લાભો લીધા વગર જ જનપ્રતિનિધિ તરીકેની પવિત્ર ફરજો બજાવવાની તેમની આ ભાવનાને સમગ્ર પંથક સહિત રાજકીય વર્તુળોમાં ભારે આવકાર મળ્યો છે. પ્રકાશભાઈ વરમોરાના આ કદમથી સમાજ અને રાજકારણમાં એવો મજબૂત સંદેશો ગયો છે કે નેતાઓ માટે પદ કે આર્થિક સુવિધાઓ કરતાં સમર્પણ, નૈતિકતા અને ત્યાગની ભાવના સૌથી સર્વોપરી છે.









