તા.02/11/2026/ બાવળિયા ઉમેશભાઇ સુરેન્દ્રનગર


સુરેન્દ્રનગર: દિવાળીના પવિત્ર તહેવારો દરમિયાન શહેરમાં શાંતિ, સુરક્ષા અને વ્યવસ્થા જાળવવા માટે નીકળેલી સુરેન્દ્રનગર ટ્રાફિક પોલીસની ટીમે પ્રામાણિકતા અને ઉત્કૃષ્ટ ફરજપરસ્તતાનું ઉદાહરણ પૂરું પાડ્યું છે. શહેરમાં પગપાળા પેટ્રોલિંગ દરમિયાન મળેલું રોકડ રકમ અને ક્રેડિટ કાર્ડ ભરેલું પાકીટ ટ્રાફિક પોલીસે ટૂંક જ સમયમાં તેના મૂળ માલિક શોધી કાઢીને સહીસલામત પરત સોંપ્યું હતું. બનાવની પ્રાપ્ત વિગતો અનુસાર, દિવાળીના તહેવારને લઈને શહેરના મુખ્ય વેપારી મથક એવા જવાહર ચોક અને આસપાસના વિસ્તારોમાં નાગરિકોની ભારે ભીડ જોવા મળી રહી છે. આ દરમિયાન સુરેન્દ્રનગર ટ્રાફિક વિભાગના પીએસઆઈ સી.એ. એરવાડિયા તથા પોલીસ કર્મચારીઓ રામસિંહભાઈ, બિપીનભાઈ, પ્રહલાદભાઈ અને રોહિતભાઈ સહિતનો કાફલો જવાહર ચોક વિસ્તારમાં પગપાળા પેટ્રોલિંગમાં હતો. પેટ્રોલિંગ દરમિયાન પોલીસ ટીમની નજર રસ્તા પર પડેલા એક અજાણ્યા પાકીટ પર પડી હતી. પોલીસે સ્થળ પરથી પાકીટ કબજે લઈ તપાસ કરતા તેમાંથી રૂ. ૩,૦૦૦ ની રોકડ રકમ, વિવિધ બેંકના ક્રેડિટ કાર્ડ તેમજ અન્ય જરૂરી કાગળો મળી આવ્યા હતા. પાકીટ મળ્યા બાદ ટ્રાફિક પોલીસની ટીમે તુરંત જ તેમાં રહેલા કાર્ડ અને વિગતોના આધારે પાકીટના મૂળ માલિકની ઓળખ મેળવવા ચક્રો ગતિમાન કર્યા હતા. ટૂંક સમયમાં જ માલિકનો સંપર્ક સાધી તેમને પોલીસ મથકે બોલાવવામાં આવ્યા હતા. પીએસઆઈ સી.એ. એરવાડિયા અને તેમની ટીમે ખાતરીપૂર્વકની ચકાસણી કર્યા બાદ રોકડ રકમ તથા ક્રેડિટ કાર્ડ સાથેનું પાકીટ માલિકને પરત સોંપ્યું હતું. દિવાળી જેવા તહેવારના ટાણે ખોવાયેલું પાકીટ રોકડ રકમ અને મહત્વના ક્રેડિટ કાર્ડ સાથે પરત મળતાં પાકીટ માલિકે રાહતનો શ્વાસ લીધો હતો અને સુરેન્દ્રનગર ટ્રાફિક પોલીસની આ ત્વરિત કાર્યવાહી તેમજ પ્રામાણિકતા બદલ સમગ્ર ટીમનો હૃદયપૂર્વક આભાર માન્યો હતો. ટ્રાફિક પોલીસની આ કામગીરીને લઈને પ્રજાજનોમાં પણ પોલીસ છબી વધુ ઉજ્જવળ બની છે.









