ફૈઝ ખત્રી..શિનોર

વર્ષ ૨૦૨૬ના અંતિમ મહિનાઓમાં શિનોર તાલુકાના મુખ્ય ગણાતા શિનોર.સાધલી. કુકસ .ઉતરાજ સહિતના અન્ય ગામોની ગ્રામ પંચાયતોના સરપંચો અને સભ્યોની મુદ્દત પૂર્ણ થવાની સંભાવનાને પગલે ગ્રામ્ય વિસ્તારોમાં આગામી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓને લઈને અત્યારથી જ રાજકીય ગરમાવો જોવા મળી રહ્યો છે.
ખાસ કરીને સરપંચ પદના રોટેશન અને અનામત બેઠકોની ફાળવણીને લઈને સંભવિત ઉમેદવારોમાં ભારે ઉત્સુકતા જોવા મળી રહી છે. કઈ ગ્રામ પંચાયતનું સરપંચ પદ કઈ કેટેગરી માટે અનામત રહેશે તે અંગેની સત્તાવાર જાહેરાતની સૌ આતુરતાથી રાહ જોઈ રહ્યા છે.
ગ્રામ પંચાયત ગામના વિકાસ, પીવાના પાણી, રસ્તા, સાફ-સફાઈ, શિક્ષણ સહિતના સ્થાનિક પ્રશ્નોના નિરાકરણમાં મહત્ત્વપૂર્ણ ભૂમિકા ભજવતી હોવાથી આગામી ચૂંટણીને લઈને ગામેગામ ચર્ચાઓ શરૂ થઈ ગઈ છે. ગામના જાહેર સ્થળો, ઓટલાઓ. પાનના ગલ્લાઓ અને ચાની લારીઓ પર પણ આગામી સરપંચ કોણ બનશે અને કયા વર્ગ માટે બેઠક અનામત રહેશે તે અંગે રાજકીય ચર્ચાઓએ જોર પકડ્યું છે.
બીજી તરફ, ચૂંટણી લડવા ઇચ્છુક કેટલાક સંભવિત ઉમેદવારોએ અત્યારથી જ સ્થાનિક સ્તરે પ્રાથમિક તૈયારીઓ શરૂ કરી દીધી હોવાનું જાણવા મળી રહ્યું છે. જોકે, સરપંચ પદના રોટેશન અને અનામત બેઠકોની સત્તાવાર જાહેરાત ન થઈ હોવાથી અનેક ઇચ્છુકો હજુ ઉમેદવારી અંગે આખરી નિર્ણય લઈ શક્યા નથી.
સરપંચ પદની સાથે સાથે ગ્રામ પંચાયતના સભ્યોની બેઠકોનું રોટેશન પણ એટલું જ મહત્ત્વપૂર્ણ બની રહ્યું છે.
હાલમાં ગ્રામજનો અને સંભવિત ઉમેદવારોની નજર રાજ્ય સરકાર તથા સક્ષમ ચૂંટણી સત્તાધિકારી દ્વારા કરવામાં આવનારી સત્તાવાર જાહેરાત પર મંડાયેલી છે. પંચાયતોની મુદ્દત પૂર્ણ થયા બાદની વહીવટી વ્યવસ્થા, ચૂંટણી કાર્યક્રમ, સરપંચ પદનું રોટેશન અને અનામત બેઠકો અંગેની સ્થિતિ સત્તાવાર જાહેરાત બાદ જ સ્પષ્ટ થશે.
રોટેશનની જાહેરાત બાદ શિનોર તાલુકાના ગામોમાં ચૂંટણીલક્ષી રાજકીય ગતિવિધિઓ તેજ બનવાની શક્યતા છે.









