સિંહની ડણકથી પક્ષીઓના કલરવ સુધી… ગિરનારના ખોળામાં ધબકે છે સમૃદ્ધ જીવસૃષ્ટિ !

જૂનાગઢની ઓળખ એશિયાઈ સિંહ, ગરવો ગિરનાર, ઐતિહાસિક, સાંસ્કૃતિક અને જાજરમાન આધ્યાત્મિક વારસા સાથે જોડાયેલી તો ખરી જ. આ સાથે ગિરનારના ખોળામાં એક અદભુત જીવસૃષ્ટિ પણ વસેલી છે. અહીંનું જંગલ, વિવિધ વનસ્પતિ, પક્ષીઓ, સરિસૃપો, જળસ્રોતો અને વન્યજીવો મળીને એક એવું પર્યાવરણીય તંત્ર રચે છે, જે સમગ્ર સૌરાષ્ટ્રના કુદરતી સંતુલન માટે મહત્ત્વપૂર્ણ બની રહે છે.દર વર્ષે તા.૩ નવેમ્બરે ઉજવાતા આંતરરાષ્ટ્રીય બાયોસ્ફિયર રિઝર્વ (જૈવિક પર્યાવરણનું સુરક્ષિત ક્ષેત્ર) દિવસના અવસરે જૂનાગઢની કુદરતી વિરાસતના મહત્ત્વને સમજવું વધુ પ્રાસંગિક બને છે. તે સંદર્ભે નાયબ વન સંરક્ષક શ્રી અક્ષય જોશીએ જણાવ્યું હતું કે, ગિરનાર ધાર્મિક આસ્થાનું કેન્દ્ર તો છે જ. સાથે જ કુદરતી પર્યાવરણનું અમૂલ્ય સ્થળ અને અનેક વન્યજીવો, પક્ષીઓ, વનસ્પતિઓ તથા અન્ય જીવસૃષ્ટિનું આશ્રય સ્થાન પણ છે. તેમને જણાવ્યું કે, ગિરનારમાં સિંહની ડણકની સાથે સસ્તન પ્રાણીઓની ૩૭ તથા સરીસૃપો અને ઉભયજીવીઓની ૩૮ પ્રજાતિઓનો કોલાહલ સંભળાય છે. જ્યારે વનસ્પતિની ૫૩૭ પ્રજાતિઓથી ગિરનાર સમૃદ્ધ છે. તેની સાથે પક્ષીઓની ૩૦૦થી વધુ પ્રજાતિઓ અહીં કલરવ છે. ઉપરાંત ગીધની ચાર પ્રજાતિઓ પણ અહીં જોવા મળે છે. તેમણે ઉમેર્યું કે, ગિરનારને વર્ષ ૨૦૦૮માં વન્યજીવ અભયારણ્ય જાહેર કરવામાં આવ્યું હતું. જે અંતર્ગત આશરે ૧૭૯ ચોરસ કિલોમીટર વિસ્તારને સંરક્ષિત જાહેર કરવામાં આવ્યો હતો. ગિરનાર પર્વત તેની વિશિષ્ટ ભૌગોલિક રચના, ઊંચાઈ, વિવિધ પ્રકારના રહેઠાણો અને વનસ્પતિ વૈવિધ્યના કારણે વિશેષ પર્યાવરણીય મહત્વ ધરાવે છે. અહીંના જંગલો, ખીણો, પથ્થરાળ ઢોળાવો, કુદરતી જળ સ્ત્રોતો, ઘાસ વિસ્તારો વિવિધ પ્રજાતિઓને અનુકૂળ રહેઠાણ પૂરું પાડે છે.  અહીં સિંહ ઉપરાંત દીપડો, ઝરખ, જંગલી બિલાડી, શિયાળ, શિયાળખી, સાહી, જંગલી ભૂંડ, ચિત્તલ, સાંબર નીલગાય અને અન્ય સસ્તન પ્રાણીઓ જોવા મળે છે. આ ઉપરાંત વિવિધ પ્રકારના સરીસૃપો પણ ગિરનારની જૈવ વિવિધતાના ભિન્ન ભાગ છે. મગર, અજગર વિવિધ પ્રકારના સાપ, ગરોળી અને અન્ય સરિસૃપો અહીંની કુદરતી ખોરાક શૃંખલા અને પર્યાવરણીય સંતુલન જાળવવામાં મહત્વની ભૂમિકા ભજવે છે. પક્ષીઓમાં અહીં મોર, પોપટ, કબુતર, બુલબુલ, કોયલ, કિંગફિશર, ઘુવડ, સમડી, ગરુડ, બાજ કાળીયો, કોશી સહિત અનેક પ્રકારના પક્ષીઓ જોવા મળે છે. આ વિવિધ પ્રકારના પક્ષીઓ બીજના પ્રસાર, પરાગનયન અને જીવાતોના કુદરતી નિયંત્રણમાં મહત્વની ભૂમિકા છે. તેમણે વધુમાં ઉમેર્યું કે, ગિરનારની આ અમૂલ્ય કુદરતી સંપત્તિના સંરક્ષણ અને સંવર્ધન માટે વન વિભાગ સતત પ્રયત્નશીલ છે. વન્ય જીવોનું રક્ષણ, ગેરકાયદેસર પ્રવૃત્તિઓ ઉપર નિયંત્રણ, વન્યજીવ મોનિટરિંગ આગ સામે તકેદારી, જળસ્ત્રોતોનું સંવર્ધન, વનવિસ્તારનું પુનઃસ્થાપન, સ્થાનિક ભાગીદારી દ્વારા ગિરનારના પર્યાવરણીય સંતુલનને જાળવવાનો પ્રયાસ કરવામાં આવે છે.  ઉપરાંત ગિરનારના સંરક્ષણમાં પ્રકૃતિપ્રેમીઓ, સ્વયંસેવકો યાત્રાળુઓ અને વિવિધ સંસ્થાઓની ભાગીદારી પણ એટલી જ જરૂરી છે. આ સહિયારી ફરજથી જ આપણા કુદરતી વારસાને સારી રીતે જાળવી શકીશું.  તેમણે ખાસ આગામી સમયમાં શરૂ થવા જઈ રહેલી ગિરનાર લીલી પરિક્રમા સંદર્ભમાં જણાવ્યું કે,ગિરનારની લીલી પરિક્રમા અને ભવનાથનો ધાર્મિક મેળો ગિરનારની સાંસ્કૃતિક અને આધ્યાત્મિક ઓળખનો અભિન્ન ભાગ છે. દર વર્ષે લાખો શ્રદ્ધાળુઓ અને પ્રકૃતિપ્રેમીઓ આ પવિત્ર યાત્રામાં જોડાય છે. આટલી મોટી સંખ્યામાં લોકોની અવરજવર દરમિયાન ગિરનારના જંગલ અને વન્યજીવો પર કોઈ નકારાત્મક અસર ન થાય તે સુનિશ્ચિત કરવું આપણી સૌની જવાબદારી છે. તેમણે ખાસ ગીરનાર લીલી પરિક્રમામાં પધારનારા યાત્રાળુઓને અપીલ કરી હતી કે, પરિક્રમા દરમિયાન સિંગલ યુઝ પ્લાસ્ટિક, પ્લાસ્ટિકની થેલીઓ, કપ અને બોટલોનો ઉપયોગ ટાળે, પાણી માટે પોતાની પુનઃઉપયોગ કરી શકાય તેવી બોટલ સાથે રાખે, ખાદ્યપદાર્થોના રેપર, બોટલો કે, અન્ય કચરો જંગલમાં કે માર્ગ પર ન ફેંકે, કચરો નિર્ધારિત કચરાપેટીમાં જ નાખે અને શક્ય હોય ત્યાં સુધી કચરો અલગ એકત્રિત કરવામાં સહયોગ આપે, વન્યજીવોને ખોરાક ન આપે, તેમને હેરાન ન કરે અને તેમના કુદરતી રહેઠાણથી યોગ્ય અંતર જાળવે અને વૃક્ષો, વનસ્પતિ અને કુદરતી જળસ્રોતોને કોઈ નુકસાન ન પહોંચાડે. તેમણે એમ પણ ઉમેર્યું કે, આપણે ગિરનારની પરિક્રમા ખૂબ શ્રદ્ધાથી કરીએ છીએ ત્યારે ગિરનારની પ્રકૃતિ પ્રત્યેની આપણી જવાબદારી પણ એટલી જ પવિત્ર છે. વિશ્વ બાયોસ્ફિયર રિઝર્વ દિવસ આપણને યાદ અપાવે છે કે, જૈવવિવિધતાનું સંરક્ષણ જરૂરી હોવાની સાથે આપણી આવનારી પેઢીઓ માટેની જવાબદારી પણ છે. ગિરનારની જીવસૃષ્ટિનું જતન- સંવર્ધન સૌનું કર્તવ્ય છે.ઉલ્લેખનીય છે કે, UNESCO દ્વારા ઉજવાતા આ દિવસનો મુખ્ય ઉદ્દેશ જૈવવિવિધતાનું સંરક્ષણ, કુદરતી સંસાધનોનો ટકાઉ ઉપયોગ અને માનવસમુદાય તથા પ્રકૃતિ વચ્ચે સહઅસ્તિત્વને પ્રોત્સાહન આપવાનો છે.

 

રિપોર્ટર : અનિરૂધસિંહ બાબરીયા – કેશોદ

60
Default choosing

Did you like our plugin?

સૌથી વધુ વંચાયેલ

Horoscope

Weather

વધુ વાંચો
error: Content is protected !!

જિલ્લા

શહેર પસંદ કરો