વાત્સલ્યમ્ સમાચાર,

પૂજા ઠક્કર – મુંદરા કચ્છ.
અમદાવાદ ખાતે યોજાયેલા વિદ્યાસહાયક ભલામણ પત્ર વિતરણ કાર્યક્રમની વ્યવસ્થા અને વહીવટી સવાલોની ઉજળી બાજુ
૦૦૦
મુખ્યમંત્રીને રૂબરૂ સાંભળવાની યાદગાર ક્ષણ અને તેમની ધારદાર માર્મિક ટકોરે અધિકારીઓને વિચારતા કરી મૂક્યા
૦૦૦
‘હુકમ’ કરવાના બદલે રાજયના મહામહિમ મુખ્યમંત્રીના હસ્તે ‘ભલામણ’ કરાતા પદની ગરિમાનો છેદ ઉડ્યો?
૦૦૦
તંત્રની અંધાધૂંધ ઉતાવળમાં કચ્છ જિલ્લાનું થયું નવું નામકરણ!
૦૦૦
ઐતિહાસિક મેળાવડા બાદ શાળા પસંદગીની તારીખ વેકેશન પછી જાહેર કરાતા ઉમેદવારો વિલા મોઢે પરત ફર્યા
૦૦૦
વેકેશનમાં જ શાળા પસંદગી પૂરી કરી બેરોજગાર ઉમેદવારોના પરિવારમાં પ્રકાશ પાથરવાની ઉગ્ર માંગ
અમદાવાદ/ગાંધીનગર, તા.૩ નવેમ્બર ૨૦૨૬:
(અહેવાલ સહયોગ : તિતિક્ષા ઠક્કર)
રાજ્યના શિક્ષણ વિભાગ દ્વારા અમદાવાદ ખાતે મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલની પ્રેરક ઉપસ્થિતિમાં તેમજ બે શિક્ષણ મંત્રીઓ અને ઉચ્ચ અધિકારીઓની હાજરીમાં ૮૧૬૯ વિદ્યાસહાયકો માટે ભલામણ પત્ર વિતરણનો એક ભવ્ય કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. પરંતુ રાજ્યના ઇતિહાસમાં કદાચ પ્રથમ વખત બનેલી આ ઘટનાથી ભાવિ શિક્ષકો અને તેમના પરિવારોમાં ખુશીના બદલે વહીવટી વિસંગતતાઓને લીધે અનેક સવાલો અને રોષ જોવા મળી રહ્યો હતો.
‘હુકમ’ કરવાના બદલે રાજયના મહામહિમ મુખ્યમંત્રીના હસ્તે ‘ભલામણ’ કરાતા પદની ગરિમાનો છેદ ઉડ્યો?
આ કાર્યક્રમમાં જે ભલામણપત્ર ખુદ રાજ્યના સર્વોચ્ચ વડા એવા મુખ્યમંત્રીશ્રીના હસ્તે એનાયત કરવામાં આવ્યા તેની નીચે પ્રાથમિક શિક્ષણ નિયામક પ્રકાશભાઈ ત્રિવેદીની સહી જોવા મળે છે! આ પત્ર કોઈ સત્તાવાર નિમણૂંક પત્ર નહોતો, પરંતુ જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારી અને જિલ્લા શિક્ષણ સમિતિ, કચ્છને કરાયેલી એક ‘ભલામણ’ માત્ર હતી. બુદ્ધિજીવી શિક્ષણવિદોમાં એવી ચર્ચા જોવા મળી હતી કે, શું રાજયના ઉચ્ચ અધિકારીઓ દ્વારા જિલ્લા કક્ષાના તંત્રને સીધી ‘સૂચના’ આપવાને બદલે મુખ્યમંત્રી જેવા સર્વોચ્ચ પદ ધરાવતી વ્યક્તિના હસ્તે એક ઉચ્ચ અધિકારીની સહીવાળા પત્રો માત્ર ‘ભલામણ’ રૂપે વહેંચવામાં આવે, તે વહીવટી પ્રોટોકોલ અને પદની ગરિમાનો છેદ ઉડતો હોય એવું નથી લાગતું?
શિક્ષણમંત્રીના પ્રશ્નથી ઉમેદવારોની મૂંઝવણમાં થયો વધારો : આમાં ખુશ થવું કે દુઃખી?
જ્યારે વર્ષોની મહેનત પછી પણ ઉમેદવારોના હાથમાં અસલી ‘નિમણૂક પત્ર’ આપવાના બદલે માત્ર ‘ભલામણ પત્ર’ પકડાવી દેવાયા અને ઉપરથી દાજ્યા ઉપર ડાંભ આપતા શિક્ષણમંત્રીએ મંચ પરથી સ્મિત સાથે પૂછ્યું કે, ‘હવે તો બધા ખુશ છો ને?’ ત્યારે સિસ્ટમની લાચારી અને ભવિષ્યની ચિંતા વચ્ચે ઘેરાયેલા ઉમેદવારો અને તેમના વાલીઓ પાસે અનિચ્છાએ પણ હા પાડવા સિવાય કોઈ આરો નહોતો. એ સમયે મનની પીડા છુપાવીને ચહેરા પર ખોટી ખુશી બતાવતી તેમની એ ‘હા’ જાણે ‘લપડાક મારીને ગાલ લાલ રાખવા’ની મજબૂરીનું જીવતું-જાગતું ઉદાહરણ હોય એવું લાગતું હતું.
તંત્રની અંધાધૂંધ ઉતાવળમાં કચ્છ જિલ્લાનું થયું નવું નામકરણ!
તંત્રની ઉતાવળ અને ગંભીર બેદરકારીનો વધુ એક નમૂનો ત્યારે જોવા મળ્યો જ્યારે આ આખા ગુજરાતી ભલામણપત્રમાં ઉમેદવારે પસંદ કરેલા જિલ્લાનું નામ જ માત્ર અંગ્રેજીમાં લખાયું હતું! એટલું જ નહીં જાણે સરકારી ચોપડે કચ્છનું નવું નામકરણ થયું હોય તેમ તેનો સ્પેલિંગ ‘Kuttchh’ લખવામાં આવ્યો છે. વાસ્તવમાં કચ્છને અંગ્રેજીમાં સત્તાવાર રીતે ‘Kutch’ અથવા ‘Kachchh’ એમ બે રીતે લખવામાં આવે છે. આજના ડિજિટલ સોફ્ટવેરના જમાનામાં કોમ્પ્યુટર માત્ર ચોક્કસ ભાષા અને સ્પેલિંગ ઓળખે છે ત્યારે એક સિંગલ અક્ષરની પણ ભૂલ હોય તો ડેટા ‘મિસ-મેચ’ ગણીને આખી એન્ટ્રી રિજેક્ટ થઈ જાય છે. અને આમાં તો ખુદ શિક્ષણના મહારથીઓ દ્વારા જ કચ્છનું આવું ત્રીજું નવું જ નામ પાડી દેવામાં આવે તે આશ્ચર્ય સાથે અત્યંત દુઃખની લાગણી જન્માવે છે. આ છબરડો એ વાત માનવા પણ મજબુર કરે છે કે નિમણૂકપત્ર આપવાની જવાબદારીમાંથી છટકવા અને માત્ર કાગળિયા પકડાવી દેવા માટે તંત્રએ કેવી અંધાધૂંધ ઉતાવળ કરી હશે!
મુખ્યમંત્રીને રૂબરૂ સાંભળવાની યાદગાર ક્ષણ અને તેમની ધારદાર માર્મિક ટકોરે અધિકારીઓને વિચારતા કરી મૂક્યા
આ સમગ્ર અરાજકતા અને તંત્રની ગેરવ્યવસ્થા વચ્ચે કાર્યક્રમનું સૌથી મોટું સકારાત્મક અને જમા પાસું ગુજરાતના લોકપ્રિય, અનુભવી અને કુશળ મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્રભાઈ પટેલની પ્રેરણાદાયી ઉપસ્થિતિ રહી હતી. હાલમાં જ્યારે વિદેશી તાકાતો આપણા શિક્ષિત યુવાધનને ‘જેન ઝી’ (Gen Z) નું નામ આપીને અવળા રસ્તે ચડાવવાની મેલી મુરાદ સાથે ગંદી રમત રમી રહ્યા છે, ત્યારે દેશના આ યુવાધન સાથે આત્મીય સંવાદ સાધવો પણ અત્યંત જરૂરી બન્યો હતો.
મુશ્કેલ પરિસ્થિતિઓને પણ અત્યંત શાંતિ અને હળવાશથી લઈને તેનો ઉત્તમ ઉકેલ લાવવા માટે જાણીતા મુખ્યમંત્રીને રૂબરૂ જોવા અને સાંભળવાની ક્ષણ તમામ ભાવિ શિક્ષકો માટે જીવનભરનું સંભારણું બની રહી હતી. અન્ય વક્તાઓ સ્ક્રીપ્ટ ભાષણ કરતા જોવા મળ્યા ત્યારે ભુપેન્દ્રભાઈએ પોતાની આગવી શૈલીમાં હાસ્યની છોડો ઉડાડીને, માર્મિક રીતે સત્ય સંદેશાઓ યુવાનો સુધી પહોંચાડયા હતા અને હોલના ગંભીર વાતાવરણને તણાવમુક્ત કરી દીધું હતું જે યુવાનો માટે કાયમી સંભારણું બની રહેશે. જોકે, આ હળવાશની પળો વચ્ચે મુખ્યમંત્રીશ્રી પટેલે મંચ પરથી જ શિક્ષણ વિભાગની ઢીલી નીતિ પર જાહેરમાં ધારદાર ટકોર કરતા જણાવ્યું હતું કે, “હજુ બીજા ૧૦,૦૦૦ શિક્ષકો ભરવાની અમારી તૈયારી છે, પણ જો આ શિક્ષણ વિભાગ જલ્દી કરે તો.” મુખ્યમંત્રીની આ ટકોર જ સાબિત કરે છે કે વહીવટી તંત્ર ક્યાંક ને ક્યાંક ઢીલું સાબિત થઈ રહ્યું છે અથવા જાણી જોઈને ઢીલાસ કરી રહ્યું છે.
વેકેશનમાં જ શાળા પસંદગી પૂરી કરી બેરોજગાર ઉમેદવારોના પરિવારમાં પ્રકાશ પાથરવાની ઉગ્ર માંગ
શિક્ષણ વિભાગ દ્વારા જૂના શિક્ષકોની જિલ્લા બદલીની પ્રક્રિયા રોકેટ ગતિથી વેકેશન દરમિયાન પણ ચાલુ રાખવામાં આવનાર છે. ત્યારે ઉમેદવારોની ઉગ્ર માંગ છે કે, જો બદલીઓ વેકેશનમાં થઈ શકતી હોય, તો આ નવયુવા વિદ્યાસહાયકોની શાળા પસંદગી અને નિમણૂંકની પ્રક્રિયા પણ વેકેશન દરમિયાન જ પૂર્ણ કરી દેવી જોઈએ. જો આ પ્રક્રિયા વહેલી તકે પૂરી થાય, તો જ ૮૧૬૯ ભાવિ શિક્ષકો અન્ય પરીક્ષાઓની તૈયારી કરવાના કે તંત્રના છબરડાના તણાવમાંથી મુક્ત થઈને, નિશ્ચિત મન સાથે પોતાના જીવનની નવી નોકરી અને ઉજ્જવળ ભવિષ્યની શરૂઆતની પૂર્વતૈયારીઓ કરી શકશે.
જ્ઞાનજ્યોતિ રૂપી પ્રકાશ પાથરી દિવાળી સુધારવા બેરોજગાર ઉમેદવારોની નમ્ર અરજ:
હાલ તો આ કાર્યક્રમ માત્ર સરકારની છબી ચમકાવવાનો એક ભાગ હોય તેમ લાગી રહ્યું છે. આગામી સમયમાં નોકરી માટે અંધકારમય સ્થિતિમાં મુકાયેલા આ ૮૧૬૯ ઉમેદવારો અને તેમના પરિવારોમાં નવા વર્ષ પહેલાં જ્ઞાનજ્યોતિ રૂપે ખરા અર્થમાં ‘નિમણૂંક પત્ર’ આપીને પ્રકાશ પાથરવામાં આવે, તો જ આ ગરીબ અને મધ્યમવર્ગીય પરિવારોની દિવાળી સાચા અર્થમાં સુધરશે. શિક્ષણ વિભાગ સત્વરે જાગે અને વેકેશન દરમિયાન જ શાળા પસંદગીની પ્રક્રિયા પૂર્ણ કરે તેવી ભાવિ શિક્ષકોની ઉગ્ર માંગ છે. હવે ઉમેદવારો એવો સવાલ કરી રહ્યા છે કે પ્રકાશભાઈની સહીવાળા આ ભલામણ પત્રો ખરા અર્થમાં તેમના જીવનમાં ક્યારે ‘પ્રકાશ’ પાથરશે? એ જોવાનું રહ્યું. પણ આ માટે ગુજરાતના મૃદુ અને મક્કમ માનનીય મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ હસ્તક્ષેપ કરે તે પણ એટલું જ જરૂરી છે.
પરિવારો પર મોંઘવારીમાં આર્થિક કમ્મરતોડ બોજ અને વ્યવસ્થાની ઉજળી બાજુ
આ કાર્યક્રમમાં હાજર રહેવા માટે જિલ્લા કક્ષાના અધિકારીઓ દ્વારા ઉમેદવારો પર ફરજિયાત આવવા માટે ફોન અને મેસેજ કરીને જે દબાણ કરાયું હતું, તેના લીધે તહેવારોના દિવસોમાં મીઠાઈ અને નવા કપડાંનો ત્યાગ કરીને પણ દરેક મધ્યમવર્ગીય પરિવાર હાજર રહી સરેરાશ રૂપિયા ૫,૦૦૦ જેટલો મોટો આર્થિક બોજ ઉઠાવવા મજબુર બન્યો હતો. મોંઘવારીના આ જમાનામાં હાથમાં અસલી નિમણૂક પત્ર આપવાના બદલે માત્ર કાગળિયા પકડાવવા માટે થયેલા આ ફરજિયાત ખર્ચે ઉમેદવારોના મોંમાંથી “ખાયા પીયા કુછ નહીં ઔર ગ્લાસ ફોડા બારહ આના” જેવી કહેવત સરી પડી હતી.
જોકે, આ આર્થિક બોજ વચ્ચે પણ કાર્યક્રમની એક ખૂબ જ ઉજળી અને સરાહનીય બાજુ એ પણ જોવા મળી હતી કે ત્રિમૂર્તિ મંદિર અને અડાલજ ચોકડીથી કાર્યક્રમ સ્થળ સુધી ઉમેદવારો માટે કરાયેલી ફ્રી બસ સેવા અને દાદા ભગવાન પ્રેરિત ભોજનાલયમાં અપાતી સુંદર ભોજન વ્યવસ્થા ખૂબ જ ઉત્તમ હતી. આ ઉપરાંત કાર્યક્રમના અંતે પ્રસાદ સ્વરૂપે નાસ્તો તેમજ દાદા ભગવાનના સાત પ્રેરણાદાયી પુસ્તકોનો સેટ ભેટ આપવાનો વિચાર ખરેખર પ્રશંસનીય રહ્યો હતો. આ પુસ્તકો ગુજરાતના ભાવિ શિક્ષકોના જીવનમાં ઉચ્ચ નૈતિક મૂલ્યો અને આધ્યાત્મિક જીવનશૈલી ઘડવામાં ચોક્કસપણે ઉત્તમ અને દીવાદાંડી સમાન સાબિત થશે.


વાત્સલ્યમ્ સમાચારમાં મુંદરા-કચ્છના સમાચાર/જાહેરાત આપવા માટે સંપર્ક કરો :
-પુજા ઠક્કર,
9426244508,
ptindia112@gmail.com











