વાર્ષિક સાધારણ સભામાં રેડક્રોસની સેવાકીય પ્રવૃત્તિઓની સરાહના કરાઈ; થેલેસેમિયા અને સિકલસેલના બાળકોને વિનામૂલ્યે રક્ત આપવા રૂ. 5 લાખનું દાન અપાયું


વાત્સલ્યમ સમાચાર
મદન વૈષ્ણવ
ઇન્ડિયન રેડક્રોસ સોસાયટી, નવસારી જિલ્લા શાખાની વાર્ષિક સાધારણ સભાનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં રેડક્રોસના પ્રમુખ અને જિલ્લા કલેક્ટર મનીષ ગુરવાનીએ નવસારી રેડક્રોસની માનવીય સેવાઓ તથા હોદ્દેદારોની વહીવટી પારદર્શિતાની પ્રશંસા કરતાં જણાવ્યું હતું કે, નવસારી રેડક્રોસનું માનવીય અભિગમ સાથેનું કાર્ય અને વહીવટી પારદર્શિતા સમગ્ર રાજ્યમાં મોખરે છે.
કલેક્ટર મનીષ ગુરવાનીએ વધુમાં જણાવ્યું હતું કે, રેડક્રોસ માત્ર રક્તદાન કે બ્લડ બેંક પૂરતી મર્યાદિત સંસ્થા નથી, પરંતુ ડિઝાસ્ટર રિલીફ, પ્રાથમિક સારવારની તાલીમ તેમજ જુનિયર અને યુથ રેડક્રોસ દ્વારા ભાવિ પેઢીમાં માનવીય મૂલ્યોનું સિંચન કરવા જેવા ઉમદા કાર્યો પણ કરી રહી છે. કલેક્ટર તરીકે રાજ્યની અનેક બ્લડ બેંકોની મુલાકાત લીધી છે, પરંતુ નવસારી રેડક્રોસની સેવાભાવના અને વહીવટી પારદર્શિતા વિશેષ પ્રશંસનીય છે.
કાર્યક્રમમાં રેડક્રોસના ચેરમેન તુષારકાંત દેસાઈએ ઓડિટેડ હિસાબો રજૂ કર્યા હતા અને આગામી સમયમાં રેડક્રોસની સેવાઓને વધુ ગુણવત્તાયુક્ત બનાવવા આધુનિક મશીનોની ખરીદી અંગે માહિતી આપી હતી.
માનદ મંત્રી ડો. ધર્મેશ કાપડિયાએ આવકાર પ્રવચન સાથે સંસ્થાની ગત વર્ષની કામગીરીનો અહેવાલ રજૂ કરતાં જણાવ્યું હતું કે, ગત વર્ષે એક કરોડ રૂપિયાથી વધુ મૂલ્યનું રક્ત વિનામૂલ્યે અથવા રાહતદરે જરૂરિયાતમંદો, સિવિલ હોસ્પિટલના ગરીબ દર્દીઓ, થેલેસેમિયા અને સિકલસેલથી પીડિત બાળકો તેમજ ડાયાલિસિસના દર્દીઓને ઉપલબ્ધ કરાવવામાં આવ્યું હતું. આ ઉપરાંત પૂરગ્રસ્ત એક હજારથી વધુ પરિવારોને સહાય સામગ્રી પહોંચાડવામાં આવી હતી તથા 170થી વધુ મહિલાઓ માટે કેન્સર સ્ક્રીનિંગ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો.
આ પ્રસંગે માનવ રોગ નિવારણ મંડળના વિરેન્દ્રભાઈ દેસાઈ તથા કેરશી દેબુ દ્વારા થેલેસેમિયા અને સિકલસેલથી પીડિત બાળકોને વિનામૂલ્યે રક્ત ઉપલબ્ધ કરાવવા માટે રૂ. પાંચ લાખના દાનનો ચેક કલેક્ટર મનીષ ગુરવાનીને અર્પણ કરવામાં આવ્યો હતો. દાતાઓનું શાલ અને પુષ્પગુચ્છથી સન્માન કરવામાં આવ્યું હતું. ઉપરાંત પૂર્વ રમતગમત અધિકારી અને સામાજિક અગ્રણી નાનુભાઈ કિનારાવાળાનું સતત આર્થિક સહયોગ બદલ સન્માન કરાયું હતું.
રાજ્ય રેડક્રોસ શાખામાંથી નિરીક્ષક તરીકે ઉપસ્થિત રહેલા ડો. એ.જી. પટેલે નવસારી જિલ્લા રેડક્રોસ શાખાની કામગીરીને સમગ્ર રાજ્ય માટે આદર્શ ગણાવી હતી. તેમણે જણાવ્યું હતું કે, રાજ્યની અન્ય શાખાઓ નવસારી રેડક્રોસ પાસેથી માર્ગદર્શન મેળવે છે. આ કામગીરી બદલ નવસારી રેડક્રોસ અને નવસારીના નાગરિકોને અભિનંદન પાઠવ્યા હતા.
રેડક્રોસના સ્થાપક સભ્ય પ્રા. જશુભાઈ નાયકે સંસ્થાની જૂની યાદો તાજી કરી હતી. જ્યારે ઉપપ્રમુખ કેરશીભાઈ દેબુએ સાંસદ, ધારાસભ્યો, સરકારી અધિકારીઓ, વિવિધ સંસ્થાઓ, રક્તદાન શિબિરના આયોજકો અને રક્તદાતાઓના અમૂલ્ય યોગદાન બદલ આભાર વ્યક્ત કર્યો હતો.
ગત વર્ષે સૌથી વધુ રક્તદાન શિબિરોનું આયોજન કરી અંદાજે 1500 રક્ત યુનિટ એકત્ર કરવામાં મહત્વપૂર્ણ યોગદાન આપનાર વ્યવસ્થાપક સમિતિના સભ્ય અને સ્નેહ સેતુ ચેરીટેબલ ટ્રસ્ટનાં પ્રમુખ ચેતનાબેન બિરલાનું શાબ્દિક અભિવાદન કરવામાં આવ્યું હતું. આહિર સમાજના પ્રમુખ સંજય આહીરનું પણ રક્તદાન શિબિરોના આયોજન દ્વારા ઉત્તમ સેવા બદલ અભિવાદન કરાયું હતું.
આ વાર્ષિક સભામાં વાઇસ ચેરમેન ઘનશ્યામ પટેલ, મધુભાઈ કથીરિયા, પરિમલભાઈ નાયક, હરેશ માંગલાની, હરેશ વશી, ઠાકોરભાઈ નાયક, નીલ નાયક, સિદ્ધાર્થ દેસાઈ, શેખર પરીખ, ગુણવંત પટેલ, ચિંતન નાયક સહિત વરિષ્ઠ નાગરિકો અને લાઇફ મેમ્બરો ઉપસ્થિત રહ્યા હતા.
કાર્યક્રમના અંતે સહમંત્રી ડો. મયુર પટેલે આભારવિધિ કરી હતી. સમગ્ર કાર્યક્રમને સફળ બનાવવા એડમિનિસ્ટ્રેટર ડો. નરેશ ધનાણીના માર્ગદર્શન હેઠળ રેડક્રોસના સ્ટાફે જહેમત ઉઠાવી હતી.









