ડો. નિરવ પટેલે જણાવ્યું : આદિવાસી સમાજના હિત અને દેશના વિકાસ માટે તમામ મતભેદો ભૂલી એક થવું જરૂરી


વાત્સલ્યમ સમાચાર
મદન વૈષ્ણવ
વલસાડ તાલુકામાં સ્વર્ગવાહિની નદીના કિનારે વસેલા ઐતિહાસિક ફલધરા ગામ ખાતે પરંપરાગત રૂઢિગત ગ્રામસભાનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં આદિવાસી સમાજની પરંપરા, સ્વાયત્તતા, જળ-જમીન-જંગલના રક્ષણ અને ગ્રામ્ય સ્વશાસનને મજબૂત બનાવવા અંગે વિસ્તૃત ચર્ચા કરવામાં આવી હતી.
સભામાં મહારાષ્ટ્રના પ્રસિદ્ધ ‘મેંઢા લેખા’ ગામના સ્વશાસન મોડેલને અનુસરી ફલધરા ગામમાં પણ રૂઢિગત અને સ્વાયત્ત પદ્ધતિથી વહીવટ ચલાવવાની હાકલ કરવામાં આવી હતી. ગામના આંતરિક વહીવટ, શિક્ષણ, આરોગ્ય, આર્થિક વ્યવસ્થા તથા કુદરતી સંસાધનોના સંરક્ષણ અંગે ગ્રામસભા દ્વારા સામૂહિક નિર્ણયો લેવાના મહત્વ પર ભાર મૂકાયો હતો.
આ પ્રસંગે સમસ્ત આદિવાસી સમાજના દક્ષિણ ગુજરાતના કન્વીનર ડો. નિરવભાઈ પટેલે જણાવ્યું હતું કે, સાચી રૂઢિગત ગ્રામસભાની સ્થાપના ત્યારે જ શક્ય બનશે જ્યારે આદિવાસી સમાજના લોકો સમાજ અને દેશના હિત માટે તમામ મતભેદો, પક્ષ-પાર્ટી અને ધર્મ-સંપ્રદાયથી ઉપર ઊઠીને એકજૂથ થશે. સમાજની એકતા અને સામૂહિક નિર્ણયશક્તિ જ આદિવાસી સમાજના સર્વાંગી વિકાસનો પાયો બની શકે છે.
સભામાં બંધારણીય જોગવાઈઓ, પેસા એક્ટ, પાંચમી અનુસૂચિ, સામુદાયિક વન અધિકાર અધિનિયમ-2006 તેમજ વેદાંતા અને સમતા ચુકાદા સહિતના કાયદાકીય પાસાઓ અંગે ચર્ચા કરવામાં આવી હતી. ગ્રામસભાને મળેલા અધિકારોનો યોગ્ય ઉપયોગ કરી ગામના વિકાસ અને કુદરતી સંસાધનો અંગેના નિર્ણયો સ્થાનિક સ્તરે સામૂહિક રીતે લેવા પર ભાર મૂકવામાં આવ્યો હતો.
આ પ્રસંગે સમસ્ત આદિવાસી સમાજના દક્ષિણ ગુજરાતના કન્વીનર ડો. નિરવ ભુલાભાઈ પટેલ, કપરાડાના યુવા આગેવાન જયેન્દ્ર ગામિત, બામસેફના ભૂતપૂર્વ રાષ્ટ્રીય પ્રચારક વિજય ઉચ્ચકટાર, ધીરુભાઈ પટેલ, સરપંચ ઈલેશ પટેલ, આર.યુ. પટેલ, નિલાંગ પટેલ, સી.એમ. પટેલ સહિત અનેક આગેવાનો, વડીલો અને યુવાનો ઉપસ્થિત રહ્યા હતા.
ગ્રામસભા દરમિયાન પ્રમુખ તરીકે પ્રફુલભાઈ પટેલ, ઉપપ્રમુખ તરીકે કિરણભાઈ અને મંત્રી તરીકે અવિનાશભાઈની નિમણૂક કરવામાં આવી હતી. આ ઉપરાંત કાન્તિલાલભાઈ, મનુભાઈ, કાન્તિભાઈ બી., આશિષભાઈ, વસંતભાઈ, બંસીભાઈ, ગણેશભાઈ, મનીષભાઈ, રસિકભાઈ, પિંકેશભાઈ, રમેશભાઈ, કમલેશભાઈ, સ્નેહાબેન અને મધુબેન સહિત અન્ય સભ્યોની પણ નિમણૂક કરવામાં આવી હતી.
રૂઢિગત ગ્રામસભામાં ફલધરા સહિત આસપાસના વિસ્તારના મોટી સંખ્યામાં આદિવાસી આગેવાનો, વડીલો, યુવાનો અને મહિલાઓ પરંપરાગત વેશભૂષામાં ઉપસ્થિત રહ્યા હતા. અંતે ગામના સાર્વભૌમત્વ, પરંપરાગત સંસ્કૃતિના જતન અને આત્મનિર્ભર ગ્રામવ્યવસ્થા માટે સૌએ એકજૂથ થઈ કાર્ય કરવાનો સંકલ્પ વ્યક્ત કર્યો હતો.









