વાત્સલ્યમ સમાચાર

મદન વૈષ્ણવ

ચીખલી તાલુકાના ફડવેલ ગામમાં વિવિધ વિકાસકાર્યોમાં કથિત ભ્રષ્ટાચાર, સરકારી સુવિધાઓની અવદશા અને વહીવટી બેદરકારીના મુદ્દે સ્થાનિક યુવાનો દ્વારા નવસારી જિલ્લા કલેક્ટર મનીષ ગુરવાનીને લેખિત રજૂઆત કરવામાં આવી છે. સમસ્ત આદિવાસી સમાજ દક્ષિણ ગુજરાતના કન્વીનર ડો. નિરવભાઈ પટેલ દ્વારા પાઠવાયેલા આવેદનપત્રમાં ગામના અનેક પ્રશ્નો રજૂ કરી તાત્કાલિક નિરાકરણ લાવવાની માંગ કરવામાં આવી છે.
રજૂઆતમાં જણાવ્યા અનુસાર, ફડવેલ ગામમાં સરકારી પુસ્તકાલયનું મકાન સંપૂર્ણ તૈયાર હોવા છતાં છેલ્લા ચાર વર્ષથી તેનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું નથી. તૈયાર લાઈબ્રેરીનો ઉપયોગ ગ્રામ પંચાયતના સ્ટોરરૂમ તરીકે કરવામાં આવતો હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે. બીજી તરફ ગ્રામ પંચાયતનું નવું મકાન છેલ્લા બે વર્ષથી અધૂરું પડ્યું હોવાથી પંચાયતની કચેરી ખાનગી દુકાનમાં ભાડેથી ચલાવવામાં આવી રહી છે, જેના કારણે સરકારી નાણાંનો બિનજરૂરી ખર્ચ થઈ રહ્યો હોવાનો મુદ્દો પણ ઉઠાવવામાં આવ્યો છે.
આ ઉપરાંત ગામનું એસ.ટી. બસ સ્ટેન્ડ જર્જરિત હાલતમાં હોવાથી અકસ્માતનો ભય વ્યક્ત કરવામાં આવ્યો છે. નવા ફળિયા નાયકીવાડનો અંદાજે ૧થી ૧.૫ કિલોમીટરનો રસ્તો અત્યંત બિસ્માર અને ખાડાવાળો બન્યો હોવાની રજૂઆત સાથે તાત્કાલિક સમારકામની માંગ કરવામાં આવી છે.
ગામમાં દીપડાના વધતા આતંક અંગે પણ ગંભીર ચિંતા વ્યક્ત કરવામાં આવી છે. અત્યાર સુધીમાં દીપડાના હુમલામાં છ સ્થાનિક લોકો અને અનેક પશુઓ ભોગ બન્યા હોવાનો દાવો કરી વન વિભાગ દ્વારા તાત્કાલિક પાંજરાં ગોઠવી દીપડાને પકડવાની કાર્યવાહી કરવાની માંગ કરવામાં આવી છે. રસ્તાઓ પર સ્ટ્રીટલાઈટનો અભાવ હોવાથી રાત્રિના સમયે શ્રમિકો અને બાળકોની સુરક્ષા સામે જોખમ ઊભું થતું હોવાનો મુદ્દો પણ રજૂ કરવામાં આવ્યો છે.
ખાસ કરીને નવા ફળિયા નાયકીવાડ ખાતે નવી બનાવવામાં આવેલી સ્મશાનભૂમિ માત્ર એક જ વર્ષમાં જર્જરિત થઈ તૂટી પડ્યાનો આક્ષેપ કરવામાં આવ્યો છે. આ બાંધકામમાં હલકી ગુણવત્તાનું મટીરીયલ વપરાયું હોવાની આશંકા વ્યક્ત કરી સરકારી ગ્રાન્ટના ખર્ચ અંગે વિજીલન્સ તપાસ કરવાની માંગ કરવામાં આવી છે.
રજૂઆતમાં વધુમાં જણાવાયું છે કે, ગામના એક જાગૃત યુવાને વહીવટી બેદરકારી અને ભ્રષ્ટાચારના મુદ્દે સોશિયલ મીડિયા પર વીડિયો મૂક્યા બાદ એક સ્થાનિક નેતા દ્વારા તેના હાથ-પગ તોડી નાખવાની ધમકી આપવામાં આવી હોવાનો આક્ષેપ પણ કરવામાં આવ્યો છે. આ ઘટનાને પગલે સ્થાનિક યુવાનોમાં રોષ જોવા મળી રહ્યો હોવાનું આવેદનપત્રમાં જણાવાયું છે.
સ્થાનિક યુવાનોએ તંત્ર સમક્ષ માંગ કરી છે કે, તૈયાર લાઈબ્રેરીમાંથી સ્ટોરરૂમ તરીકે રાખેલો સામાન દૂર કરી તેને યુવાનો માટે ખુલ્લી મૂકવામાં આવે, અધૂરા પંચાયત ભવન અને સ્મશાનભૂમિના બાંધકામની વિજીલન્સ તપાસ કરાવી જવાબદારો સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે, નાયકીવાડનો રસ્તો તાત્કાલિક મંજૂર કરવામાં આવે, સ્ટ્રીટલાઈટની વ્યવસ્થા કરવામાં આવે તેમજ દીપડાના આતંકને રોકવા વન વિભાગ દ્વારા તાત્કાલિક પગલાં લેવામાં આવે.
આ રજૂઆત પ્રસંગે ગામના માજી યુવાઆગેવાન અંકિત પટેલ, ગણેશ, વિકિ સહિતના ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા.









