વાત્સલ્યમ સમાચાર

મદન વૈષ્ણવ

ડાંગ જિલ્લા કોંગ્રેસ સમિતિના પ્રમુખ અને ડાંગ જિલ્લા પંચાયતના સદસ્ય સ્નેહલકુમાર રામુભાઈ ઠાકરે દ્વારા જિલ્લા વિકાસ અધિકારીને એક ગંભીર પત્ર પાઠવીને જિલ્લા, તાલુકા અને ગ્રામ પંચાયત સ્તરે થતી ગ્રાન્ટ ફાળવણી, વિકાસ કામો, ટેન્ડર પ્રક્રિયા તેમજ ખરીદીમાં વ્યાપક ભ્રષ્ટાચાર અને અનિયમિતતાઓ અંગે સનસનાટીભર્યા આક્ષેપો સાથે લેખિત ફરિયાદ નોંધાવવામાં આવી છે.પત્રમાં જણાવ્યા અનુસાર, સરકાર દ્વારા ગ્રામીણ વિસ્તારોના સર્વાંગી વિકાસ માટે વિવિધ યોજનાઓ અને હેડ હેઠળ કરોડો રૂપિયાની માતબર રકમ ફાળવવામાં આવે છે, પરંતુ વહીવટી તંત્રની ઉદાસીનતાને કારણે ત્રણેય સ્તરે થતા કાર્યોમાં વ્યાપક અનિયમિતતાઓ અને ભ્રષ્ટાચાર આચરવામાં આવી રહ્યો છે. છેલ્લા બે-ત્રણ મહિનાથી અવારનવાર અખબારોમાં આ અંગેના અહેવાલો અને આક્ષેપો છપાતા હોવા છતાં તંત્ર દ્વારા કોઈ જ નક્કર પગલાં લેવામાં આવ્યા નથી. અગાઉ જિલ્લા પંચાયતની સામાન્ય સભામાં પણ આ મુદ્દે ચર્ચા થઈ હતી અને હાલમાં ચૂંટાયેલા તાલુકા સદસ્યો દ્વારા પણ વિકાસ કાર્યોમાં વ્યાપક ભ્રષ્ટાચાર અંગે ગંભીર આક્ષેપો કરી ઉચ્ચ કક્ષાએ લેખિત ફરિયાદો દાખલ કરવામાં આવી છે, તેમ છતાં વહીવટી સ્તરે કોઈ અંકુશ ન રહેતા ભ્રષ્ટાચાર ખુલ્લેઆમ ફૂલીફાલી રહ્યો છે.આ ગંભીર મામલે સ્નેહલભાઈ ઠાકરેએ માંગ કરી છે કે જિલ્લા, તાલુકા કે ગ્રામ પંચાયતના કોઈપણ હેડ કે ગ્રાન્ટ હેઠળ થતા નાના-મોટા તમામ વિકાસ કાર્યોની વિગતો સંપૂર્ણ પારદર્શક હોવી જોઈએ. ખરીદી, ટેન્ડર પ્રક્રિયા તેમજ સાધન-સામગ્રી અને ખેતીવાડી માટેના ફર્મ, બોર, લેવલિંગ, ગટર, રોડ અને મકાન બાંધકામના કાર્યોમાં એન્જિનિયરિંગ ધોરણો મુજબ ઉત્તમ ગુણવત્તા જાળવવામાં આવે અને કોઈપણ ભોગે ‘ટકાવારી’ કે કમિશન પ્રથા ચલાવી લેવામાં ન આવે તેવી સ્પષ્ટ તાકીદ કરાઈ છે.તેમણે ચેતવણીના રૂપે જણાવ્યું છે કે જો ત્રણેય સ્તરેથી કોઈપણ સ્તરે બેદરકારી કે ગેરરીતિ જણાશે, તો જવાબદાર પદાધિકારી, અધિકારી કે કર્મચારી સામે વ્યક્તિગત જવાબદારી નક્કી કરી ઉચ્ચસ્તરીય તપાસ કરાવીને સખ્ત કાયદાકીય પગલાં લેવામાં આવશે. ડાંગ જિલ્લાના પાયાના વિકાસ અને પ્રજાના પરસેવાની કમાણીના નાણાંના રક્ષણ માટે જિલ્લા વિકાસ અધિકારીએ અંગત અને ત્વરિત રસ લઈને કડક તપાસના આદેશો કરવા જોઈએ તેવી પ્રબળ અપેક્ષા વ્યક્ત કરવામાં આવી છે.આ પત્રની નકલો વહીવટી સચિવ, કમિશનર (ગ્રામ વિકાસ), કલેક્ટરશ્રી, પ્રાંત અધિકારી, જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી અને તાલુકા વિકાસ અધિકારી સહિતના ઉચ્ચ અધિકારીઓને મોકલી દેવામાં આવી છે. અંતમાં સ્નેહલભાઈ ઠાકરેએ પ્રજાના નાણાંનું રક્ષણ કરવા અને ગ્રામીણ વિકાસમાં પારદર્શકતા સુનિશ્ચિત કરવા માટે આગામી સમયમાં પણ સતત સંઘર્ષ ચાલુ રાખવાની પ્રતિબદ્ધતા વ્યક્ત કરી છે.









