MORBI:મોરબીમાં મચ્છુ નદીમાંથી ગેરકાયદે રેતી ચોરતા મશીન સાથે ત્રણ ઝડપાયા, ₹૬૧.૭૭ લાખનો દંડ

મોરબી તાલુકાના જૂના સાદુળકા ગામ નજીક મચ્છુ નદીના પટ્ટામાં ચાલતા મોટા ગેરકાયદે રેતી ખનન પર ભૂસ્તર વિજ્ઞાન અને ખનિજ વિભાગે આકસ્મિક ત્રાટકીને મોટો પર્દાફાશ કર્યો છે. તપાસ દરમિયાન ખનન માફિયાઓની ભારે દાદાગીરી અને સરકારી ટીમ સાથે ઝપાઝપી સુધીના ગંભીર બનાવો સામે આવ્યા છે.

ભૂસ્તર વિજ્ઞાન અને ખનિજ વિભાગની ટીમ દ્વારા અચાનક હાથ ધરાયેલી તપાસમાં હિટાચી કંપનીનું EX-200 LC SUPER એક્સકેવેટર મશીન નદીમાંથી સાદી રેતીનું ગેરકાયદે ખનન કરી રહ્યું હોવાનું ઝડપાયું હતું. ટીમ સ્થળ પર પહોંચતા જ ઓપરેટર મશીન મૂકીને નાસી છૂટ્યો હતો.
તપાસ ટીમ સ્થળ પર હાજર હતી ત્યારે સ્કોર્પિયો અને એન્ડેવર કારમાં ધસી આવેલા જયદીપસિંહ ઝાલા, માનવેન્દ્રસિંહ ઝાલા અને હરદીપસિંહ જાડેજા નામના શખ્સોએ અધિકારીઓ સાથે બોલાચાલી અને ઝપાઝપી કરી હતી. એટલું જ નહીં, ફરજ પરના સિક્યુરિટી ગાર્ડને માર મારીને જાનથી મારી નાખવાની ધમકી પણ આપવામાં આવી હતી. આ દરમિયાન માલિકોની સૂચનાથી ઓપરેટર સીઝ કરાયેલું હિટાચી મશીન નદીમાંથી ભગાડી ગયો હતો. જોકે, વિભાગની સઘન શોધખોળ બાદ આ મશીન જૂના સાદુળકા ગામના પાદરમાં આવેલા ચોરા પાસે વડલાના ઝાડ નીચેથી બિનવારસી હાલતમાં મળી આવ્યું હતું.
આ સમગ્ર પ્રકરણ અંગે ગત ૨૭ ઓક્ટોબરના રોજ મોરબી તાલુકા પોલીસ સ્ટેશનમાં ત્રણેય આરોપીઓ સામે સત્તાવાર એફ.આઈ.આર. (FIR) નોંધવામાં આવી છે. સર્વેયર દ્વારા કરવામાં આવેલી માપણી મુજબ, આ સ્થળેથી કુલ ૧૭,૬૬૩.૦૭ મેટ્રિક ટન સાદી રેતીનું બિનઅધિકૃત ખનન થયું હોવાનું બહાર આવ્યું છે.
ખાણ-ખનિજ વિભાગ દ્વારા હવે કડક આર્થિક કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. ગેરકાયદે ખનન, કમ્પાઉન્ડિંગ ફી અને પર્યાવરણીય નુકસાનીના વળતર પેટે કુલ રૂ. ૬૧,૭૭,૧૮૩ ની રકમ ભરપાઈ કરવા માટે ત્રણેય આરોપીઓને સરકારી નોટિસ ફટકારવામાં આવી છે.
આરોપીઓને આગામી ૧૭ નવેમ્બરના રોજ રૂબરૂ હાજર રહીને ખુલાસો કરવા અથવા દંડની રકમ ભરીને ગુનાની માંડવાળ કરવા જણાવવામાં આવ્યું છે. જો નિર્ધારિત સમયમર્યાદામાં દંડની રકમ નહીં ભરાય, તો કોર્ટના માધ્યમથી હિટાચી મશીન રાજ્યસાત કરવાની કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવશે.
મચ્છુ નદીના પટ્ટામાં આ ગેરકાયદે ખનન કેટલા સમયથી ધમધમી રહ્યું હતું અને હવે આંગી રૂ. ૬૧.૭૭ લાખની નોટિસ બાદ આરોપીઓ શું ખુલાસો કરે છે તેના પર સૌની નજર ટકેલી છે.













