
છોટાઉદેપુર જિલ્લામાં આ વર્ષે નબળા ચોમાસા અને અપેક્ષા કરતાં ઓછા વરસાદના કારણે આગામી ઉનાળામાં પાણીની તંગી સર્જાવાની સંભાવનાને ધ્યાનમાં રાખીને છોટાઉદેપુર નગરપાલિકા દ્વારા અત્યારથી જ આગોતરું આયોજન શરૂ કરવામાં આવ્યું છે. ત્યારે વોર્ડ નંબર-1નાં કોર્પોરેટર નજમાબેન ફેઝલભાઈ મલાએ નગરજનોના હિતને ધ્યાનમાં રાખીને મહુડી વિસ્તારમાં આવેલો પોતાનો ખાનગી કૂવો નગરપાલિકાને ઉપયોગ માટે સોંપવાની પહેલ કરી છે. નગરપાલિકા દ્વારા પણ શહેરમાં આવેલા અન્ય ખાનગી અને વર્ષો જૂના કૂવાઓનો સર્વે હાથ ધરવામાં આવ્યો છે. જે કૂવાઓમાં પૂરતા પ્રમાણમાં પાણી ઉપલબ્ધ હશે અને પાણીની ગુણવત્તા ઉપયોગ માટે યોગ્ય જણાશે, તેવા કૂવાઓનો પણ જરૂરિયાત મુજબ ઉપયોગ કરવાનું આયોજન કરવામાં આવી રહ્યું છે. નગરપાલિકા પ્રમુખ ડો. રજની રાઠવાના જણાવ્યા અનુસાર આગામી ઉનાળામાં નગરજનોને પીવાના પાણીની મુશ્કેલીનો સામનો ન કરવો પડે તે માટે અત્યારથી જ જરૂરી પગલાં લેવામાં આવી રહ્યાં છે. બીજી તરફ, પોતાના અંગત કૂવાના પાણીનો જાહેરહિતમાં ઉપયોગ કરવાની પહેલ કરનાર કોર્પોરેટર નજમાબેન મલાની કામગીરીને સ્થાનિક સ્તરે સરાહના મળી રહી છે. જો અન્ય નગરપાલિકાઓ અને ગ્રામ પંચાયતો દ્વારા પણ સ્થાનિક સ્તરે ઉપલબ્ધ જળસ્રોતોનો સર્વે કરી તેનો યોગ્ય ઉપયોગ કરવાનું આયોજન કરવામાં આવે તો ભવિષ્યમાં પાણીની સંભવિત તંગી સામે નાગરિકોને મોટી રાહત મળી શકે તેમ છે.

રિપોર્ટર તોસીફ ખત્રી









