TANKARA:ટંકારામાં જૂની અદાવત રાખી યુવાનને છરી બતાવી જાનથી મારી નાખવાની ધમકી: કારના કાચ તોડી તોડફોડ

ટંકારા તાલુકામાં અગાઉ થયેલા ઝઘડાનો ખાર રાખીને એક શખ્સે યુવાનના ઘરે આવી છરી બતાવી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી અને ઘર બહાર ઉભેલી કારના કાચ તોડીને નુકસાન પહોંચાડ્યું હોવાની ઘટના સામે આવી છે. આ અંગે ટંકારા પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધવામાં આવ્યો છે.

મળતી માહિતી મુજબ, ટંકારા તાલુકામાં ડબલ્યુ.ડી. બંગલા પાસે રહેતા રજકભાઈ ઉર્ફે કલ્લુ હસનભાઈ મકાવાણા પોતાના ઘરેથી બર્ગમેન મોપેડ લઈને ભીગડીયા ચોકડીએ ગયા હતા. તે દરમિયાન નાશીર બીલાલભાઈ સોહરવર્દી ત્યાં રિક્ષા લઈને આવ્યા હતા અને અગાઉના ઝઘડાનો ખાર રાખીને રજકભાઈને ગાળો આપી હતી. એટલું જ નહીં, આરોપીએ છરી બતાવીને જાનથી મારી નાખવાની ધમકી પણ આપી હતી.
આટલેથી ન અટકતા, આરોપી નાશીર બીલાલભાઈ સોહરવર્દી ત્યારબાદ રજકભાઈના ઘરે પહોંચી ગયા હતા અને ત્યાં ઘર બહાર ઉભેલી તેમના મોટાભાઈ હાસીનભાઈની વર્ના કારના કાચ તોડીને તોડફોડ કરી નુકસાન પહોંચાડ્યું હતું.
આ સમગ્ર બનાવ અંગે ભોગ બનનાર દ્વારા ટંકારા પોલીસ સ્ટેશનમાં નાશીર બીલાલભાઈ સોહરવર્દી વિરુદ્ધ ધોરણસરની ફરિયાદ નોંધાવવામાં આવી છે. પોલીસે ફરિયાદના આધારે ગુનો નોંધીને આગળની કાયદેસરની તજવીજ હાથ ધરી છે.












