વાત્સલ્યમ્ સમાચાર.

રિપોર્ટ :- રમેશ મહેશ્વરી – ભુજ કચ્છ.
૧૫ નવેમ્બરના રોજ ભુજ ટાઉનહોલ ખાતે જનજાતીય ગૌરવ દિન નિમિત્તે વિશેષ કાર્યક્રમ યોજાશે.
ગાંધીધામ ખાતે મહાનગરપાલિકા દ્વારા જનજાતિય ગૌરવ દિવસની કરાશે ઉજવણી.
ભુજ,તા-૦૫ નવેમ્બર : જનનાયક શ્રી બિરસા મુંડાની જન્મજયંતિને ‘જનજાતીય ગૌરવ દિવસ’ તરીકે ઉજવવાના ભાગરૂપે કચ્છ જિલ્લા વહીવટી તંત્ર દ્વારા આગામી તા-૧૫ નવેમ્બરના રોજ ટાઉનહોલ ખાતે વિશેષ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે.આ કાર્યક્રમના સુચારુ અને સફળ આયોજન માટે જિલ્લા વહીવટી તંત્ર દ્વારા તૈયારીઓ હાથ ધરવામાં આવી છે.આ કાર્યક્રમના આયોજન અંગેની પૂર્વતૈયારીઓની સમીક્ષા કરવા જિલ્લા નિવાસી અધિક કલેક્ટર પાર્થ કોટડીયાના અધ્યક્ષસ્થાને સમીક્ષા બેઠક યોજાઈ હતી. બેઠકમાં કાર્યક્રમના આયોજન સાથે સંકળાયેલા વિવિધ વિભાગોના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.જનજાતીય ગૌરવ દિવસની ઉજવણીનો મુખ્ય ઉદ્દેશ્ય જનનાયક ભગવાન બિરસા મુંડાના આદર્શો અને યોગદાનને જનજન સુધી પહોંચાડવાનો તેમજ અનુસૂચિત જનજાતિની સંસ્કૃતિ, પરંપરા અને ગૌરવશાળી વારસાને ઉજાગર કરવાનો છે. કચ્છ જિલ્લા વહીવટી તંત્ર દ્વારા આ કાર્યક્રમના સફળ આયોજન માટે જરૂરી વ્યવસ્થાઓ સુનિશ્ચિત કરવામાં આવી રહી છે.
જિલ્લા નિવાસી અધિક કલેક્ટર પાર્થ કોટડીયાએ બેઠકમાં કાર્યક્રમની તૈયારીઓની વિગતવાર સમીક્ષા કરી હતી. તેમણે જનજાતીય ગૌરવ દિવસની ઉજવણી સુવ્યવસ્થિત, સુચારુ અને સફળતાપૂર્વક સંપન્ન થાય તે માટે સંબંધિત અધિકારીઓને જરૂરી સૂચનાઓ આપી હતી. સાથે જ વિવિધ વિભાગો વચ્ચે સંકલન જાળવીને સોંપવામાં આવેલી જવાબદારીઓ સમયસર પૂર્ણ કરવા ભાર મૂક્યો હતો.આ પ્રસંગે અનુસૂચિ જનજાતિના તેજસ્વી તારલાઓનું સન્માન કરવામાં આવશે. વિવિધ ક્ષેત્રોમાં ઉત્કૃષ્ટ સિદ્ધિઓ હાંસલ કરી સમાજનું ગૌરવ વધારનાર પ્રતિભાઓને સન્માનિત કરીને તેમની સિદ્ધિઓને બિરદાવવામાં આવશે. આ ઉપરાંત, સરકારની વિવિધ કલ્યાણકારી યોજનાઓના લાભોનું વિતરણ પણ કરવામાં આવશે, જેથી જનજાતીય સમાજના નાગરિકોને સરકારની યોજનાઓનો લાભ મળી શકે.આ પ્રસંગે જિલ્લા આદિજાતિ અધિકારી ડી.એન.મકવાણા,જિલ્લા પુરવઠા અધિકારી વિવેક બારહટ,માર્ગ અને મકાન વિભાગના અધિક્ષક ઇજનેર કે.પી.નાયી, ગાંધીધામ મહાનગરપાલિકા સહિત જિલ્લા વહીવટીતંત્રના ઉચ્ચ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.









