વાત્સલ્યમ્ સમાચાર,

પૂજા ઠક્કર – મુંદરા કચ્છ.
કોમનવેલ્થ કબડ્ડી ચેમ્પિયન સભાઈબેન ગઢવીનું મુંદરા અદાણી હાઉસ ખાતે ભવ્ય સન્માન
મુંદરા, ૦૫ નવેમ્બર ૨૦૨૬:
કચ્છ જિલ્લાના માંડવી તાલુકાના મોટા ભાડિયા ગામની પ્રતિભાશાળી દીકરી સભાઈબેન વાછિયાભાઈ ગઢવીએ પોતાની અદમ્ય ઇચ્છાશક્તિ, સખત મહેનત અને રમત પ્રત્યેના સમર્પણથી કબડ્ડીના ક્ષેત્રમાં અદ્ભુત સિદ્ધિ હાંસલ કરી છે. સામાન્ય ખેડૂત પરિવારમાંથી આવતી સભાઈબેને ગામની પ્રાથમિક શાળાના મેદાનથી શરૂ કરેલી પોતાની સફરને આંતરરાષ્ટ્રીય મંચ સુધી પહોંચાડી છે. વર્ષ ૨૦૨૬માં અમદાવાદ ખાતે યોજાયેલી કોમનવેલ્થ કબડ્ડી ચેમ્પિયનશિપમાં ભારતીય મહિલા કબડ્ડી ટીમનું પ્રતિનિધિત્વ કરીને તેમણે ટીમને ગોલ્ડ મેડલ અપાવવામાં મહત્ત્વપૂર્ણ યોગદાન આપ્યું હતું, તેમજ આ સ્પર્ધામાં ‘બેસ્ટ ડિફેન્ડર’ તરીકે પણ પસંદગી પામી સમગ્ર દેશ અને ગુજરાતનું નામ રોશન કર્યું છે.
આ ગૌરવવંતી સિદ્ધિ બદલ આજે અદાણી પોર્ટ્સના એક્ઝિક્યુટિવ ડિરેક્ટર શ્રી રક્ષિત શાહ દ્વારા મુંદરા અદાણી હાઉસ ખાતે સભાઈબેન ગઢવીનું વિશેષ સન્માન કરવામાં આવ્યું હતું.
આ પ્રસંગે સભાઈબેનના પિતા શ્રી વાંછિયાભાઈ ગઢવી, દાદા શ્રી મુરજીભાઈ ગઢવી, તેમના ભાઈઓ તેમજ સમાજના અગ્રણીઓ વિશેષ ઉપસ્થિત રહ્યા હતા. મુલાકાત દરમિયાન સભાઈબેનની સંઘર્ષભરી રમતગમતની સફર અને આ સફળતા પાછળ પરિવારના અતૂટ સહયોગ અંગે ભાવસભર ચર્ચાઓ થઈ હતી.
દીકરીની પ્રતિભા પર વિશ્વાસ મૂકવો જરૂરી: વાંછિયાભાઈ ગઢવી
આ અવસરે સભાઈબેનના પિતા શ્રી વાંછિયાભાઈ ગઢવીએ જણાવ્યું હતું કે, “આજના જમાનામાં પરંપરાગત માન્યતા એવી રહે છે કે દીકરીએ ચોક્કસ ઉંમર પછી ઘર-સંસાર સંભાળવો જોઈએ, પરંતુ મેં મારી દીકરીની ક્ષમતા અને રમત પ્રત્યેના લગાવને ઓળખીને તેને પ્રોત્સાહન અને સંપૂર્ણ સહયોગ આપવાનો નિર્ણય કર્યો. દીકરીની પ્રતિભા પર વિશ્વાસ રાખીને તેને કારકિર્દી ઘડવાની તક આપવી જોઈએ.”
કચ્છ માટે અત્યંત ગૌરવની ક્ષણ: રક્ષિત શાહ
સભાઈબેનને બિરદાવતા અદાણી પોર્ટ્સના એક્ઝિક્યુટિવ ડિરેક્ટર શ્રી રક્ષિત શાહે જણાવ્યું હતું કે, “મોટા ભાડિયા ગામની આ દીકરીએ પોતાની મહેનતથી કચ્છનું નામ દેશ-વિદેશમાં રોશન કર્યું છે, જે સમગ્ર કચ્છ માટે ગૌરવની બાબત છે. સમાજની અન્ય દીકરીઓએ પણ તેમની પાસેથી પ્રેરણા લઈને પોતાના સપનાં સાકાર કરવા આગળ આવવું જોઈએ.” સાથે જ તેમણે સભાઈબેનને ભવિષ્યમાં પણ રમતગમત ક્ષેત્રે દરેક પ્રકારે મદદરૂપ થવાની તૈયારી દર્શાવી હતી.
યુવા દીકરીઓ માટે પ્રેરણાદાયી સંદેશ
પોતાના અનુભવ અને સફળતા અંગે વાત કરતા સભાઈબેન ગઢવીએ અન્ય દીકરીઓને પ્રોત્સાહિત કરતાં જણાવ્યું હતું કે,
“બધી જ છોકરીઓએ મહેનત કરવી જોઈએ. પરિણામ ગમે તે આવે પણ તેનાથી ક્યારેય હાર માનવી નહીં. સતત પ્રયત્ન અને મહેનત ક્યારેય નિષ્ફળ જતાં નથી, મહેનત ચોક્કસ રંગ લાવે છે.”
એક નાના ગામની શાળાના મેદાનથી કોમનવેલ્થ ચેમ્પિયનશિપ સુધીની આ સફર સાબિત કરે છે કે જો દીકરીઓને પરિવારનો સાથ અને સમાન તક મળે, તો તેઓ દરેક ક્ષેત્રમાં સર્વોચ્ચ શિખરો સર કરી શકે છે.

વાત્સલ્યમ્ સમાચારમાં મુંદરા-કચ્છના સમાચાર/જાહેરાત આપવા માટે સંપર્ક કરો :
-પુજા ઠક્કર,
9426244508,
ptindia112@gmail.com








