દુકાન વેચાણના સરકારી દસ્તાવેજો હોવા છતાં પોલીસના અહેવાલમાં વિરોધાભાસ હોવાનો આક્ષેપ; મુખ્યમંત્રી, કલેક્ટર અને જિલ્લા પોલીસ વડા સુધી ફરિયાદ પહોંચતા નિષ્પક્ષ તપાસની માંગ ઉઠી


વાત્સલ્યમ સમાચાર
મદન વૈષ્ણવ
નવસારી જિલ્લાના ખેરગામ પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર પી.ડી. ચૌધરી સામે સરકારી રેકોર્ડની અવગણના, તપાસમાં પક્ષપાત અને સંભવિત ભ્રષ્ટાચારના ગંભીર આક્ષેપો થતાં પોલીસ તંત્રમાં ખળભળાટ મચ્યો છે. એક તરફ સરકારી દસ્તાવેજોમાં દુકાનના વેચાણની નોંધ હોવાનું રજૂ કરવામાં આવી રહ્યું છે, તો બીજી તરફ પોલીસના અગાઉના અહેવાલમાં દુકાન વેચાઈ ન હોવાનો ઉલ્લેખ કરવામાં આવ્યો હોવાનો આક્ષેપ છે. આ વિરોધાભાસને લઈને લોકોમાં રોષ જોવા મળી રહ્યો છે.
ખેરગામ તાલુકાના આછવણી ગામે આવેલા માતૃકૃપા શોપિંગ સેન્ટરની દુકાન નં. ૬ના વેચાણ અને છેતરપિંડીના વિવાદમાં સામાજિક અગ્રણી વિજયભાઈ બાબુભાઈ ઉચ્ચકટાર દ્વારા મામલતદાર, જિલ્લા કલેક્ટર, જિલ્લા પોલીસ વડા તેમજ મુખ્યમંત્રી કાર્યાલય સુધી દસ્તાવેજી પુરાવા સાથે લેખિત રજૂઆતો કરવામાં આવી છે.
સરકારી દસ્તાવેજો સામે પોલીસના અહેવાલમાં વિરોધાભાસ કેમ?
અરજદારના જણાવ્યા મુજબ, જમીન દફતર નિરીક્ષક (સિટી સર્વે)ના સરકારી રેકોર્ડ પ્રમાણે દુકાન નં. ૬ લાલજીભાઈ બુધાભાઈ ગાવડાએ તા. 17/10/2025ના રોજ રજિસ્ટર્ડ દસ્તાવેજ નં. ૨થી બાબુભાઈ રામજીભાઈ વળવીને વેચી હતી.
પરંતુ આ જ મામલે ખેરગામ પીઆઈ પી.ડી. ચૌધરીએ તા. 22/03/2026ના રોજ તૈયાર કરેલી સમજ યાદીમાં દુકાન કોઈને વેચવામાં આવી નથી અને તે લાલજીભાઈના નામે જ ચાલે છે તેવો ઉલ્લેખ કર્યો હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે.
સૌથી મોટો સવાલ એ છે કે જ્યારે ઉચ્ચ કક્ષાએ રજૂઆત થઈ ત્યારે પોલીસ અધિકારીએ પોતાના નવા અહેવાલમાં દુકાન બાબુભાઈ વળવીને વેચાઈ હોવાનું સ્વીકાર્યું હોવાનો અરજદારનો દાવો છે. જો સરકારી રેકોર્ડ ઉપલબ્ધ હતો તો અગાઉના અહેવાલમાં આવી વિસંગતતા કેમ રહી? શું તપાસ દરમિયાન સરકારી દસ્તાવેજોની યોગ્ય ચકાસણી કરવામાં આવી હતી? આ સવાલો હવે તપાસની માંગ સાથે ઉઠી રહ્યા છે.
સામાજિક અગ્રણીને બદનામ કરવાનો પ્રયાસ થયાનો આક્ષેપ
વિજયભાઈ ઉચ્ચકટારનો વધુ એક આક્ષેપ છે કે પીઆઈ પી.ડી. ચૌધરીએ પોતાના અગાઉના અહેવાલમાં તેમને ‘મળતિયા’ ગણાવી ખોટી અરજીઓ કરાવનાર તરીકે દર્શાવ્યા હતા. અરજદારના જણાવ્યા મુજબ, આ પ્રકારના ઉલ્લેખને સમર્થન આપતા કોઈ લેખિત કે મૌખિક પુરાવા રજૂ કરવામાં આવ્યા નથી. આ બાબતને લઈને પણ ઉચ્ચસ્તરીય તપાસની માંગ કરવામાં આવી છે.
અન્ય બે મામલામાં પણ પોલીસની કામગીરી સામે સવાલો
ખેરગામ પોલીસની તપાસ પદ્ધતિ સામે માત્ર દુકાનના વિવાદમાં જ નહીં, પરંતુ અન્ય બે કિસ્સાઓમાં પણ સવાલો ઉઠાવવામાં આવ્યા છે.
1. ગૌરી આશ્રમશાળામાં ચોરીનો મામલો:
આશ્રમશાળાના કમ્પાઉન્ડમાંથી આંબાની કેરીઓ અને પાણીની ટાંકીની ચોરી અંગે ગોકુળ પટેલ સામે ફરિયાદ કરવામાં આવી હોવા છતાં ટ્રસ્ટના સત્તાવાર રેકોર્ડ અને ઓડિટની યોગ્ય તપાસ કર્યા વગર આરોપીના નિવેદનને આધારે રાહત આપવામાં આવી હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે.
2. વૈભવ વાઘીયાને જાનથી મારી નાખવાની ધમકીનો મામલો:
પાણીખડક સ્મશાન ભૂમિ પાસે વૈભવ વાઘીયાને ગાળો આપી જાનથી મારી નાખવાની ધમકી આપવામાં આવી હોવાની રજૂઆત કરવામાં આવી હતી. તેમ છતાં પોલીસ દ્વારા કોઈ ગુનો નોંધવામાં આવ્યો ન હોવાનો અને ધાકધમકી થઈ ન હોવાનો અહેવાલ વડી કચેરીને મોકલવામાં આવ્યો હોવાનો આક્ષેપ છે.
નિષ્પક્ષ તપાસ નહીં થાય તો અદાલતના દ્વાર ખખડાવવાની ચીમકી
આ તમામ મામલાઓમાં અરજદાર અને સામાજિક અગ્રણીઓએ તાલુકા મેજિસ્ટ્રેટ કક્ષાએથી સંબંધિત પોલીસ અધિકારીઓની કેસ ડાયરી, તપાસની કાર્યવાહી, રજૂ કરાયેલા દસ્તાવેજો અને અહેવાલોનું સત્તાવાર ઓડિટ કરાવવાની માંગ કરી છે.
સાથે જ જો તપાસમાં કોઈ અધિકારીની બેદરકારી, સત્તાનો દુરુપયોગ કે ગેરરીતિ સાબિત થાય તો જવાબદાર અધિકારીઓ સામે કડક કાયદેસરની કાર્યવાહી કરવાની માંગ કરવામાં આવી છે. વારંવાર રજૂઆતો છતાં કાર્યવાહી નહીં થાય તો જવાબદાર અધિકારીઓ તેમજ કાર્યવાહી ન કરનાર ઉપરી અધિકારીઓ સામે અદાલતના દ્વાર ખખડાવવાની ચીમકી પણ ઉચ્ચારવામાં આવી છે.
હવે સવાલ એ છે કે સરકારી દસ્તાવેજો અને પોલીસના અહેવાલોમાં દેખાતા વિરોધાભાસની તપાસ કોણ કરશે? પીડિત પરિવારને ન્યાય મળશે કે નહીં? ખેરગામ પોલીસ તંત્રની કામગીરી અંગે ઉઠેલા સવાલોનો જિલ્લા પોલીસ વડા અને ઉચ્ચ અધિકારીઓ શું જવાબ આપશે?
આક્ષેપોની ગંભીરતાને ધ્યાનમાં રાખીને સમગ્ર મામલે તટસ્થ અને દસ્તાવેજ આધારિત તપાસ થાય તેવી માંગ ઉઠી છે. આ આક્ષેપો અંગે સંબંધિત પોલીસ અધિકારી અને પોલીસ વિભાગનો સત્તાવાર પક્ષ પણ સામે આવવો જરૂરી છે.








