તા.૫/૧૧/૨૦૨૬

વાત્સલ્યમ્ સમાચાર
જળસંપત્તિ અને પાણી પુરવઠા રાજ્યમંત્રી (સ્વતંત્ર હવાલો) શ્રી ઈશ્વરસિંહ પટેલ દ્વારા પાણીની સ્થિતિ અંગે રાજકોટ ખાતે સમીક્ષા કરા
સૌની યોજનાની પાઈપલાઈનની નજીકનાં જળાશયો નર્મદાનાં નીરથી ભરવા, કૂવા, બોરવેલ સહિતના સ્રોતોનો ઉપયોગ કરવા મંત્રીશ્રીની સૂચના
સૌરાષ્ટ્રના પાંચ જિલ્લા માટે પીવાના પાણીના રૂ. ૫૭૫ કરોડના ૧૨ પ્રોજેક્ટ્સ પ્રગતિ હેઠળ, રૂ. ૪૯૯ કરોડના ખર્ચે નવા ૧૧ પ્રોજેક્ટ્સ શરૂ થશે
Rajkot: જળસંપત્તિ અને પાણી પુરવઠા રાજ્યમંત્રી (સ્વતંત્ર હવાલો) શ્રી ઈશ્વરસિંહ પટેલે આજે રાજકોટના પ્રવાસ દરમિયાન સૌરાષ્ટ્રમાં પીવાના તથા સિંચાઈના પાણીની પરિસ્થિતિની સમીક્ષા કરી હતી.

તેમણે રાજકોટ સર્કિટ હાઉસ ખાતે પાણી પૂરવઠા, સિંચાઈ વર્તુળ તથા સૌની યોજનાના વિવિધ ઉચ્ચ અધિકારીઓ સાથે બેઠક યોજી હતી. જેમાં સૌરાષ્ટ્રમાં ઓછા વરસાદવાળા વિસ્તારોમાં આગામી દિવસોમાં નાગરિકોને પીવા માટે તેમજ સિંચાઈ માટે પૂરતું પાણી મળી રહે તે પ્રકારે આયોજનો કરવા, તેમજ કુવા, બોરવેલ સહિતના નવા સ્રોત સક્રિય કરી તેનો ઉપયોગ કરવા સહિતની સૂચનાઓ આપી હતી.

પાણી પુરવઠા વિભાગની બેઠકમાં ચીફ એન્જિનિયર શ્રી એસ. વાય. મંસુરીએ જણાવ્યું હતું કે, રાજકોટ ઝોન-૩ હેઠળ રાજકોટ, મોરબી, સુરેન્દ્રનગર, દેવભૂમિ દ્વારકા અને જામનગર જિલ્લાઓના ૩૯ તાલુકાઓ અને ૨૨૧૯ ગામો આવરી લેવાયા છે, જેની અંદાજે ૭૯ લાખની વસ્તી માટે ૭૧ ફિલ્ટર પ્લાન્ટ અને ૧૦,૮૫૪ કિલોમીટર લાંબી પાઇપલાઇનથી પાણીના વિતરણ વ્યવસ્થા કાર્યરત છે. હાલ ૧૮૦૦થી વધુ ગામોમાં નિયમિત પાણી વિતરણ કરવામાં આવી રહ્યું છે, જ્યારે તાંત્રિક કે અન્ય કારણોસર બાકી રહેલા ગામો માટે વિશેષ આયોજન હાથ ધરવામાં આવ્યું છે. નાગરિકોને નિયમિત અને પૂરતું શુદ્ધ પાણી મળી રહે, તે માટે અંદાજે રૂ. ૫૭૫ કરોડના ખર્ચે ૧૨ પ્રોજેક્ટ્સ પ્રગતિ હેઠળ છે, જ્યારે રૂ. ૪૯૯ કરોડના ખર્ચે ૧૧ નવા પ્રોજેક્ટ્સનું પણ આયોજન પણ કરવામાં આવ્યું છે.

આ બેઠકમાં મંત્રીશ્રીએ નાગરિકોને પીવાના પાણીની મુશ્કેલી ન પડે, તે માટે દેવભૂમિ દ્વારકા અને જામનગર જિલ્લાના સંભવિત પાણીની અછતવાળા વિસ્તારોમાં વૈકલ્પિક કુવાઓનું રિનોવેશન, પમ્પિંગ મશીનરીની ક્ષમતા વધારવા અને સૌની યોજનાની પાઇપલાઇન સાથે જોડાણ જેવી કામગીરી તાત્કાલિક શરૂ કરવા સંબંધિત અધિકારીઓને સૂચના આપી હતી. ઉપરાંત, તેમણે તાંત્રિક કારણોસર પાણી ન મેળવતા ગામોની સ્થિતિ અને આ સમસ્યાના નિવારણ માટેના આયોજન અને જૂથ યોજનાઓની સમીક્ષા કરી હતી.
સિંચાઈ વિભાગના અધિકારીઓ સાથેની બેઠકમાં મંત્રીશ્રીએ સૌરાષ્ટ્ર વિસ્તારના જળાશયોમાં પાણીની હાલની સ્થિતિ, પીવાના પાણીની માંગ અને ઉપલબ્ધતા તેમજ પ્રગતિ તથા આયોજન હેઠળના પ્રોજેક્ટ્સની સમીક્ષા કરી હતી. પીવાના પાણીની જરૂરિયાતોને પહોંચી વળવા માટે સૌરાષ્ટ્ર વિસ્તારના જળાશયોમાં જુલાઈ, ૨૦૨૭ સુધીની પાણીની ઉપલબ્ધતા અને સંગ્રહ ક્ષમતા અંગે ચર્ચા કરવામાં આવી હતી. તેમજ મંત્રીશ્રીએ ભાદર, શેત્રુંજી, મચ્છુ સહિતના મોટા જળાશયો અને સૌની યોજનાના વિવિધ ફેઝ તથા લિંક્સ હેઠળના કાર્યોની પ્રગતિ વિશે માર્ગદર્શન આપ્યું હતું.
સૌરાષ્ટ્ર ઝોનના ચીફ એન્જિનિયર શ્રી એસ. જી. પંડ્યાએ જણાવ્યું હતું કે, ખેડૂતોને સિંચાઈ માટે પૂરતું પાણી મળી રહે અને ગ્રામ્ય-શહેરી વિસ્તારોમાં પીવાના પાણીની અછત ન સર્જાય, તે માટે આગોતરું આયોજન હાથ ધરવામાં આવ્યું છે.
આ બેઠકમાં મંત્રીશ્રીએ રાજકોટ, મોરબી, સુરેન્દ્રનગર, પોરબંદર, ગીર સોમનાથ સહિતના જિલ્લાઓમાં ચાલી રહેલા નદીઓના ઊંડાણ અને ડિસિલ્ટિંગ, પૂર સંરક્ષણ દીવાલોનું નિર્માણ, ચેકડેમ અને બેરેજ બનાવવાની કામગીરી તેમજ સૌની યોજના અંતર્ગત હયાત પાઇપલાઇનોની નજીકના જળસ્ત્રોતોને નર્મદાના પાણીથી જોડવાના મહત્વપૂર્ણ પ્રોજેક્ટ્સની સમીક્ષા કરી હતી.
તેમણે તમામ વિકાસકામો નિર્ધારિત સમયમર્યાદામાં અને ઉચ્ચ ગુણવત્તા સાથે પૂર્ણ કરવા પર ભાર મૂક્યો હતો. તેમણે ભાવનગર સિંચાઈ યોજના વર્તુળ હેઠળના રૂ. ૦૫ કરોડથી વધુના આયોજન હેઠળનાં કામોની પણ સમીક્ષા કરી હતી.
આ તકે પાણી પુરવઠા કાર્યપાલક ઇજનેર શ્રી અંકિત ગોહેલ, અધિક્ષક ઈજનેર શ્રી ડી. પી. ગજેરા, સુપ્રિડેન્ટ એન્જીનિયર શ્રી ચાંદની ગણાત્રા અને શ્રી પ્રેક્ષા ગોસ્વામી, અગ્રણી શ્રી અલ્પેશ ઢોલરીયા સહિત સંબંધિત અધિકારીઓ અને ઉપસ્થિત રહ્યા હતા.









