વાત્સલ્યમ સમાચાર પ્રવિણભાઇ ચૌહાણ વાવ થરાદ

નવા રચાયેલા વાવ-થરાદ જિલ્લા પોલીસ વિભાગમાં દિવાળી પૂર્વે ખુશીના સમાચાર સામે આવ્યા છે. પોલીસ વિભાગમાં ફરજ બજાવતા કુલ 149 પોલીસ કર્મચારીઓને ઉચ્ચ સંવર્ગમાં બઢતી આપવામાં આવતાં પોલીસ બેડામાં ખુશીનો માહોલ છવાયો છે. દિવાળીના તહેવાર પહેલાં મળેલી આ બઢતી પોલીસ કર્મચારીઓ માટે ખુશીઓની ભેટ સમાન બની છે.
ગુજરાત સરકાર દ્વારા વાવ-થરાદ જિલ્લાની રચના બાદ જિલ્લા પોલીસ વિભાગની કામગીરીને વધુ સુદૃઢ બનાવવા માટે પોલીસ અધિકારીઓ અને કર્મચારીઓની કાયમી મહેકમ મંજૂર કરવામાં આવ્યું હતું. ખાલી પડેલી જગ્યાઓ ભરવાની વહીવટી પ્રક્રિયાના ભાગરૂપે આ બઢતી આપવામાં આવી છે.
પોલીસ અધિક્ષકશ્રીની કચેરી દ્વારા જાહેર કરાયેલી વિગતો મુજબ કુલ 149 કર્મચારીઓને બઢતીનો લાભ મળ્યો છે. જેમાં 39 આર્મ્ડ પોલીસ કોન્સ્ટેબલને આર્મ્ડ હેડ કોન્સ્ટેબલ, 5 આર્મ્ડ હેડ કોન્સ્ટેબલને આર્મ્ડ એ.એસ.આઈ., 62 અનઆર્મ્ડ પોલીસ કોન્સ્ટેબલને અનઆર્મ્ડ હેડ કોન્સ્ટેબલ અને 43 અનઆર્મ્ડ હેડ કોન્સ્ટેબલને અનઆર્મ્ડ એ.એસ.આઈ. તરીકે પ્રમોશન આપવામાં આવ્યું છે.
દિવાળીના પર્વની પૂર્વસંધ્યાએ મળેલી આ બઢતીથી પોલીસ કર્મચારીઓ અને તેમના પરિવારોમાં ઉત્સાહ જોવા મળી રહ્યો છે. જિલ્લા પોલીસ તંત્રને વધુ મજબૂત બનાવવા સાથે કર્મચારીઓની કામગીરીને પ્રોત્સાહન આપવાના આ નિર્ણયને આવકારવામાં આવી રહ્યો છે. ઉચ્ચ હોદ્દા સાથે નવી જવાબદારી મેળવનારા તમામ કર્મચારીઓને પોલીસ અધિક્ષક સહિત ઉચ્ચ અધિકારીઓ દ્વારા શુભેચ્છાઓ પાઠવવામાં આવી છે.









